Get The App

નેપાળમાંથી ખાદ્યતેલોની મોટે પાયે આયાત થતા ચિંતાનો માહોલ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
નેપાળમાંથી ખાદ્યતેલોની મોટે પાયે આયાત થતા ચિંતાનો માહોલ 1 - image

કોમોડિટી કરંટ

કુદરતી આપત્તિઓથી દાળો તેલીબીયાંમાં સ્વનિર્ભર થવું મુશ્કેલ

હાલમાં કૃષિ બજારોની નજર રવિ સીઝનના વાવેતર ઉપર કેન્દ્રિત થયેલી છે. મસાલા ચીજોમાં હળદર, જીરૂ તથા ધાણા બજારોમાં તેજીનો ચમકારો રહેતાં વાવેતરમાં સુધારો થશે તેવી આશા બંધાણી છે. ગત વર્ષની તુલનાએ જીરૂમાં ૨૪ ટકા અને ધાણામાં ૧૪ ટકાનો ઉછાળો થયો છે. અત્યાર સુધી મંદીથી ઘેરાયેલા જીરૂ તથા ધાણામાં જીવ આવ્યો છે. ડિસેમ્બરના પહેલા પખવાડિયા બાદ રવિ સીઝનના વાવેતરના આંકડાઓ જાહેર થયા બાદ ચિત્ર સ્પષ્ટ થાયતેમ છે. ઊંઝા બજારમાં જીરાનો નબળો સપ્લાય સામે સારી ગુણવત્તાવાળા જીરાના માલોની ડિમાન્ડ વધતાં તેજી પકડાઈ રહી હોવાનું ચર્ચામાં છે. એકસપોર્ટ ડિમાન્ડ સિમીત છે. ખરીદનાર વર્ગ હજુ કિંમતો બાબતે સેન્સીટીવ છે. 

જીરામાં હાલનો સ્ટોક ડિમાન્ડની પૂર્તતા સંદર્ભે બરાબર હોવાનું ચર્ચાસ્પદ છે. રવિ સીઝનમાં ૯૦ થી ૯૫ લાખ બોરી જીરાનું ઉત્પાદનની ધારણાઓ છે. ચીનમાં ખરાબ હવામાનના કારણે ઉત્પાદન ઓછુ રહેવાની અને તુર્કી, સીરીયા તથા અફઘાનીસ્તાનમાં રાજકીય ટેન્શનને કારણે ઉત્પાદન ઉપર અસર થવાની વકી છે. છેલ્લા કેટલાક સમયથી જીરાની નિકાસમાં પણ સરેરાશ ૧૨ થી ૧૪ ટકાનો ઘટાડો થયો હોવાના અહેવાલો છે.

દરમ્યાન સરકાર ખાદ્ય આયાત ઓછી કરવા તેમજ દાળો અને ખાદ્યતેલોમાં સ્વનિર્ભર થવા માટે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધે તે માટે સતત આગળ વધી રહી છે. ખાસ કરીને તેલીબીયાંનું વાવેતર વધારવા ટેકનોલોજી મિશન શરૂ કરેલ છે. ખાદ્યતેલોની આયાત ગત વર્ષે ૧૬૦ લાખ ટન આસપાસ રહી છે. જે સતત વધતાં આયાત ખર્ચ વધીને ૧.૬૦ લાખ કરોડની સપાટી પાર થયો છે. આયાત બિલ સતત વધી રહ્યું છે. તેલીબીયાંના ટેકાના ભાવોમાં વધારો કરવા છતાં ખેડૂતોને તેલીબીયાંની ખેતીમાં રસ પડે તે માટે હજુ વિશેષ સંશોધન સાથે અભ્યાસ કરવો જરૂરી બન્યો હોવાનું વ્યાપક ચર્ચાસ્પદ છે. ખાસ કરીને એક ચર્ચા એવી પણ છે કે ખાદ્યતેલો તથા દાળોની વધુ પડતી આયાતને કારણે સ્થાનિક સ્તરે સપ્લાયનો ઓવરફલો થવાથી ડોમેસ્ટિક બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહિ મળવાની ફરિયાદો પણ વ્યાપક છે.

જો કે અહેવાલો પ્રમાણે જુલાઈમાં કેન્દ્ર સરકારે રિફાઇન્ડ તેલોની વધુ પડતી આયાત રોકવા માટે ક્રુડ તથા રિફાઇન્ડ તેલો વચ્ચેની ડયુટીનો તફાવત ૮.૨૫ ટકાથી વધારીને ૧૯.૨૫ ટકા કરતાં તેની અસરથી ઇમ્ઘ પામ તેલની આયાત નોંધપાત્ર ઘટી પરંતુ ચકોર વેપારીઓ સરકારના પગલાં સામે નવો કિમીયો શોધી કાઢતાં સરકાર પણ ચોંકી ઉઠી છે. સાફટા એગ્રીમેન્ટ અન્વયે આયાતનો નવો મુદ્દો બહાર આવ્યો છે. જેમાં નેપાળમાં રિફાઇનરીવાળાઓએ દર મહિને મોટી માત્રામાં લગભગ ૭૦ થી ૮૦ હજાર ટન રિફાઇન્ડ સોયા તથા સુરજમુખી તેલ ભારતમાં જીરો ડયુટીથી નિકાસ કરવાનું શરૂ કરેલ હોવાનું બહાર આવ્યું છે. જેનાથી સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ બાબતે કેન્દ્ર સરકાર કેવા પગલાં ભરે છે તેની ઉપર મીટ મંડાઈ છે.

ખાદ્યતેલોમાં એરંડાના તેલ એરંડિયાની નિકાસ ઓકટોબરમાં પાંચેક ટકાના વધારા સાથે પચાસ હજાર ટન પાર થઈ છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ના પહેલા સાત માસમાં એરંડા તેલની નિકાસ લગભગ ચારેક લાખ ટન નજીક પહોંચી ગઈ છે. એરંડાના ભાવો આ વર્ષે ૧૩૩૦ થી ૧૩૬૦ ની રેન્જમાં ઘણા સમયથી સ્થિર છે. દૈનિક ૩૦ થી ૩૫ હજાર બોરીની આવકોનો મોટે ભાગે વપરાશ થઈ જાય છે. એરંડામાં ભાવો સુધરતાં ખેડૂત વેચવાલી વધતાં બજાર ઉપર હાલમાં ધમધમાટ જોવા મળી રહ્યો હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવી રહ્યા છે.

દરમ્યાન દાળોમાં પણ સ્વનિર્ભર બનવા માટે સરકારે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભારતે ફેબુ્રઆરી-૨૦૨૨ થી મગની આયાત ઉપર પ્રતિબંધ લાદેલ છે. જેનાથી સ્થાનિક ભાવ રેન્જ બાઉન્ડ સ્થિતિમાં છે. જો કે હાલમાં મગ સહિત અડદ, તુવેર જેવી દાળોમાં ખરીફ સીઝનમાં માવઠાઓનેકારણે પાકને નુકસાન જતાં અપેક્ષિત ઉત્પાદનમાં ગાબડુ પડે તેમ છે. દાળોનો વપરાશ દિનપ્રતિદિન સતત વધી રહ્યો હોવા સામે ઉત્પાદન સતત ઘટતુ જતુ હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. કુદરતી આપત્તિઓને કારણે તુવેરમાં આ વર્ષે ચાર થી પાંચ લાખ ટન ઉત્પાદન ઘટેતેવી સંભાવના છે.