Get The App

સોનામાં તહેવારો ટાણે તોફાની તેજીથી ઝવેરીઓ ચિંતામાં : માંગ પર અસર પડવાની બતાવાતી ભીતી

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
સોનામાં તહેવારો ટાણે તોફાની તેજીથી ઝવેરીઓ ચિંતામાં : માંગ પર અસર પડવાની બતાવાતી ભીતી 1 - image

- બુલિયન બિટ્સ  - દિનેશ પારેખ

- રેકોર્ડ તેજી પછી હવે સોનામાં સવા લાખ રૂપિયા તથા ચાંદીમાં દોઢ લાખ રૂપિયા પર બજારની નજરઃ જો કે જેપી મોર્ગને હવે તેજીને પરપોટા સાથે સરખાવતા ખેલાડીઓમાં આશ્ચર્ય ફેલાયું

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં બજારમાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. ઝવેરીબજારમાં આવી તોફાની તેજી આ પૂર્વે ક્યારેય જોવા મળી નથી એવું બજારના પીઢ જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ છે ત્યારે બીજી તરફ ઝવેરીબજારમાં રોજે રોજ ભાવ ઉછળતા રહેતાં બજારમાં આવતા મોસમી ગ્રાહકો ડઘાઈ ગયા હતા તથા ઝવેરીબજારમાં નવી માગને અસર પડી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. હકીકતમાં ઝવેરીબજારની આવી આગ ઝરતી તેજી માટેના કારણો દરીયાપારથી આવ્યા છે, એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઝડપી ગબડતાં દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઝડપી વૃધ્ધિ થઈ છે અને તેના પગલે ઝવેરીબજારોમાં તાજેતરમાં તેજીનો ચરુ ઉકળતો જોવા મળ્યો હોવાનું બજારા તજજ્ઞાોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૬૮૫થી ૩૬૯૦ વાળા વધુ વધી ઉંચામાં ભાવ ૩૮૦૦ ડોલરની નજીક ૩૭૯૦થી ૩૭૯૫ ડોલર સુધી પહોંચી ગયા પછી ભાવ ઉંચેથી ફરી નીચા ઉતરી ૩૭૨૪થી ૩૭૨૫ થઈ ૩૭૪૫થી ૩૭૫૦ ડોલર આસપાસ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડની બેતરફી વધઘટ વચ્ચે વિશ્વબજારમાં સોનામાં તાજેતરમાં ભાવમાં ખાસ્સી ઉછળકુદ જોવા મળી છે. દરમિયાન, વિશ્વબજાર પાછળ દેશના ઝવેરીબજારોમાં તેજી આગળ વધતાં અમદાવાદ ઝવેરીબજારોમાં સોનાના ભાવ ઝડપી વધી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૧ લાખ ૧૮ હજારની સપાટી સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. અમદાવાદ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળી કિલોના ઉંચામાં રૂ.૧ લાખ ૪૦ હજારને આંબી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ  ઔંશના ૪૩ ડોલર આસપાસ હતા તે તીવ્ર ઉછાળા વચ્ચે ઉંચામાં ૪૫ ડોલરની સપાટી પાર કરી ગયા હતા તથા ઉંચામાં ભાવ ૪૫.૧૫થી ૪૫.૨૦ ડોલર સુધી પહોંચી ગયા હતા.

દેશમાં નવરાત્રી પછી દશેરા તથા દિવાળીના તહેવારો નજીક આવ્યા છે ત્યારે ઝવેરીબજારોમાં રેકોર્ડ બ્રેક તેજી આવતાં હવે તહેવારોમાં માગને અસર પડવાની ભીતી બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. હવે ગ્રાહકો હળવા વજનના તથા ઓછા કેરેટના સોનાથી ખરીદી કરતા થઈ જવાની શક્યતા જણાઈ રહી છે. સોનાના ઘણા ગ્રાહકો હવે ચાંદી બજાર તરફ પણ વળી રહ્યા હોવાના સંકેતો મળ્યા હતા. ઘણા ઝવેરીઓની દુકાનોમાં ગ્રાહકો સોનું ખરીદવાના બદલે ઘરમાં પડેલું સોનું ઉંચા મથાળે નફારૂપી વેચવા આવી રહ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. ચાંદીના ભાવમાં હવે દોઢ લાખ રૂપિયાના ભાવ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. જ્યારે સોનાના ભાવમાં હવ સવા લાખ રૂપિયાના ભાવ પર બજારના ખેલાડીઓ મીટ માંડીને બેઠા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોના- ચાંદીની તેજીના પગલે અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ તેજીનો ચમકારો દેખાયો હતો. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ઉછળી ઉંચામાં ૧૫૦૦ ડોલરની સપાટી કુદાવી ભાવ ૧૫૪૦થી ૧૫૪૫ ડોલર સુધી પહોંચી ગયા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઔંશના ઉંચામાં ૧૨૦૦ડોલરની સપાટી પાર કરી ભાવ ૧૨૬૦થી ૧૨૬૫ ડોલર સુધી પહોંચી ગયા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓ પાછળ કોપરના ભાવ પણ તેજી તરફી જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધી ટનના ઉંચામાં ૧૦ હજાર ડોલર ઉપર જતા રહ્યાના સમાચાર મળ્યા હતા. કોપર ઉછળતાં વૈશ્વિક ચાંદી બજારમાં તેજીને પીઠબળ મળ્યું હતું જ્યારે વિશ્વબજરામાં ક્રૂડ તેલના ભાવ વધી જતાં સોનાની તેજીને સપોર્ટ મળતો થયો હોવાનું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ તાજેતરમાં ઉંચકાતાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ વધી ઉંચામાં ૭૦ ડોલર નજીક પહોંચ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૫ ડોલર પાર કરી ગયા હતા. વૈશ્વિક ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ તાજેતરમાં નીચામાં ૯૭ તથા ઉંચામાં ૯૮ની સપાટી વચ્ચે ફરતો જોવા મળ્યો હતો. અમેરિકામાં તાજેતરમાં વ્યાજના દરમાં ઘટાડો કરાયા પછી હવે આગળ ઉપર વ્યાજ દરમાં થનારા વધુ ઘટાડાની અટકળો વચ્ચે ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં તાજેતરમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. દરમિયાન,અમેરિકામાં તાજેતરમાં જીડીપીના આંકડા પ્રોત્સાહક આવ્યા છે તથા જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓમાં પણ ઘટાડો થતાં ત્યાં જોબમાર્કેટમાં ફરી મજબુતાઈ દેખાઈ તથા આવી સ્થિતિમાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો કરાશે કે નહિં એ વિશે વિરોધાભાસી મંતવ્યો બતાવાતા થયા છે અને આના  પગલે અમેરિકામાં શેરબજારોમાં તાજેતરમાં ઉંચા મથાળેથી પીછેહટ જોવા મળી છે સામે કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. શેરબજારોનું ભંડોળ સોના તરફ વળવાની શક્યતા પણ જાણકારોમાં ચર્ચાઈ રહી હતી. અમેરિકામાં બેરોજગારીના દાવાઓ તાજેતરમાં ૨ લાખ ૩૨ હજારથી ઘટી ૨ લાખ ૧૮ હજાર આવ્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં જીડીપીના ત્રિમાસિક આંકડામાં ગ્રોથ વધી વાર્ષિક ધોરણે ૩.૮૦ ટકાનો આવ્યો હોવાના સમાચાર પણ મળ્યા હતા.

વિશ્વબજારમાં આ વર્ષે ૨૦૨૫માં સોનાના ભાવમાં ૪૦થી ૪૫ ટકાની તેજી આવી છે તથા બજાર હજી પણ અટકવાનું નામ લેતી નથી. વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી વધારવામાં આવ્યાના વાવડ પણ મળ્યા હતા. વિશ્વબજારમાં હવે સોનામાં ૪ હજાર ડોલરના ભાવ પર બજારના ખેલાડીઓની નજર રહી છે. જોકે અમુક એનાલીસ્ટો તો ૫થી ૬ હજાર ડોલરના ભાવની આગાહી પણ કરતા થઈ ગયા છે! જોકે જે.પી. મોર્ગનના સૂત્રોના જણાવ્યા મુજબ સોનાની તેજી હવે બબલ (ફુગ્ગો)ની સ્થિતિ તરફ આવી રહી છે. આ સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સોનાના ભાવમાં હવે નીચામાં ૩૭૧૦ તથા ૩૬૯૦ ડોલરની સપાટી મહત્ત્વની મનાઈ રહી છે. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર વધી ઉંચામાં રૂ.૧ લાખ ૧૩ હજારની ઉપર ગયા છે જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર ઉંચામાં રૂ.૧ લાખ ૩૭ હજારની ઉપર ગયા છે જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, આ પૂર્વે સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ કરતાં બજાર ભાવ નીચા રહ્યા હતા પરંતુ તાજેતરમાં ઈમ્પોર્ટ કોસ્ટ તથા બજાર ભાવ વચ્ચેનો તફાવત દૂર થયાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા.