Get The App

સોના- ચાંદીમાં રેકોર્ડ તેજી ફરી આગળ ધપતાં તહેવારોની માગને ફટકો પડવાની ભીતી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીમાં રેકોર્ડ તેજી ફરી આગળ ધપતાં તહેવારોની માગને ફટકો પડવાની ભીતી 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- ચાંદી ઉંચામાં રૂ.1 લાખ 17500 સુધી પહોંચી : વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃધ્ધિઃ હવે અમેરિકામાં વ્યાજ દરમાં થનારા ઘટાડા પર બજારના ખેલાડીઓની નજર

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં નવેસરથી તેજી આવતાં ભાવ નવી ઊંચી ટોચે પહોંચી ગયા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં નવો ભાવ ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વબજાર વધી જતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં રેકોર્ડ તેજી નવેસરથી આગળ વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. જોકે સોના- ચાંદીના ભાવ નોંધપાત્ર ઉંચા જતાં દેશના ઝવેરીબજારોમાં ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમદાવાદ  ઝવેરીબજારમાં તાજેતરમાં સોનાના ભાવ ઝડપી વધી ૧૦ ગ્રામદીઠ ઉંચામાં રૂ.એક લાખની સપાટી પાર કરી રૂ.૧ લાખ ૩૫૦૦ સુધી પહોંચી ગયા હતા. જોકે ત્યારબાદ ઉંચી ટોચ પરથી બજારમાં પ્રત્યાઘાતી પીછેહટ પણ દેખાઈ હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં ચાંદીના ભાવ ઝડપી ઉછળી કિલોદીઠ ઉંચામાં રૂ.૧ લાખ ૧૭૫૦૦ સુધી પહોંચી જતાં તેજીનો નવો રેકોર્ડ સર્જાયો હતો. આવા માહોલમાં બજારના જાણકારો સવા લાખ રૂપિયાના ભાવની ચર્ચા કરવા માંડયા હતા. જોકે ઉંચા ભાવથી બજારમાં ત્યારબાદ પ્રત્યાઘાતી ઘટાડો પણ ભાવમાં જોવા મળ્યો છે. છતાં હવે પછી આગળ ઉપર વધઘટે ભાવ સવા લાખ રૂપિયા સુધી પહોંચી જવાની શક્યતા બજારમાં સતત ચર્ચાતી સંભળાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં તાજેતરમાં સોનાના ભાવ ઔંશના ૩૩૫૫થી ૩૩૬૦ ડોલરવાળા ઝડપી વધી ઉંચામાં ૩૪૦૦ ડોલરની સપાટી પાર કરી ૩૪૩૫થી ૩૪૪૦ ડોલર સુધી પહોંચી ગયા હતા. જોકે ત્યારબાદ ભાવ ફરી ઘટી નીચામાં ૩૩૬૫થી ૩૩૭૦ ડોલર સુધી પણ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટયા પછી વધી આવતાં વૈશ્વિક સોનાના ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭ તથા ઉંચામાં ૯૮ની સપાટી વચ્ચે ફરતો જોવા મળ્યો હતો. અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો કરવામા આવે છે કે નહિં તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી તથા તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં બેતરફી વધઘટના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં પણ બેતરફી ઉછળકુદ દેખાતાં ઘરઆંગણાના ઝવેરીબજારો ધીમા વેપારો વચ્ચે વિશ્વબજારની ચાલને અનુસરતા જોવા મળ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ ૨૯ તથા ૩૦મી જુલાઈએ મળવાની છે તથા આ મિટિંગમાં હવે વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે છે કે નહિં તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી. ભારત તથા બ્રિટન વચ્ચે વેપાર કરાર થયા પછી હવે ભારત તથા અમેરિકા વચ્ચે થનારા વેપાર કરાર પર પણ બજારના જાણકારો મીટ માંડીને બેઠા છે.

અમેરિકામાં વ્યાજ દર વિષયક જાહેરાત બુધવારે કરવામાં આવનાર છે અને આ ઘટના પછી વિશ્વબજારમાં ખાસ્સી વધઘટ દેખાવાની શક્યતા છે. જો વ્યાજના દર ઘટાડવામાં આવશે તો વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચે ઉતરશે અને તેના પગલે સોનાના ભાવ ઉંચા જશે એવી શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જો વ્યાજના દરમાં ઘટાડો કરવામાં નહિં આવે તો આનાથી વિપરીત સ્થિતિ પણ જોવા મળ્યો એવી ગણતરી બજારના એનાલીસ્ટો બતાવી રહ્યા હતા. દરમિયાન, યુરોપમાં તાજેતરમાં વ્યાજના દર ફેરફાર વિના જાળવી રાખવામાં આવ્યા હતા. આ તરફ અમેરિકાએ જાપાન તથા ફિલીપાઈન્સ સાથે વેપાર કરાર કર્યા પછી હવે અન્ય દેશો સાથે આવા કરાર માટે અમેરિકા કેવું આગળ વધે છે તેના પર બજારની નજર રહી છે. દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ વધી ઔંશના ઉંચામાં ૪૦ ડોલરની સપાટી નજીક પહોંચી જતાં ૧૩ વર્ષનો નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વબજાર પાછળ દેશના ઝવેરીબજારોમાં પણ તાજેતરમાં ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી. પ્લેટીનમના વૈશ્વિક ભાવ ઔંશના ઉંચામાં ૧૪૫૦ ડોલર ઉપર ગયા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઔંશના ઉંચામાં ૧૩૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં પણ તેજીનો ચમકારો દેખાયો હતો. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચા જતાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં બેરલના ૭૦ ડોલર નજીક ફરી પહોંચી ગયાના વાવડ મળ્યા હતા. આની અસર સોના- ચાંદીના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ વધતાં સોનાની માઈનિંગ કંપનીઓના શેરોના ભાવ પણ ઉંચા ગયા છે. વિશ્વબજારમાં અમેરિકાના બોન્ડની યીલ્ડમાં થતી વધઘટ પાછળ પણ તાજેતરમાં વૈશ્વિક સોનાના ભાવમાં બેતરફી વધઘટ થતી દેખાઈ હતી.

વિશ્વબજારમાં સોનામાં ચીન તથા અન્ય દેશોની સેન્ટ્રલ બેન્કોનું બાઈંગ તાજેતરમાં વધ્યું હતું. ઘરઆંગણે સોનાના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચતા ગ્રાહકો હવે ઓછા વજનના તથા ઓછા કેરેટના દાગિનાઓ તરફ પણ વળી રહ્યાના સંકેતો મળ્યા હતા. હવે ઝવેરીબજારમાં ગ્રાહકો ૧૮ કેરેટ તથા ૧૪ કેરેટના દાગિનાઓ માટે પણ પુછપરછ કરતા જોવા મળ્યા હતા. અમુક વર્ગ તો નવ કેરેટના સોનાના દાગિના માટે પણ રસ બતાવતો થયાના વાવડ વહેતા થતાં બજારના ઝવેરીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. દેશમાં    હવે પછી તહેવારોની મોસમ શરૂ થવાની છે ત્યારે બજારમાં સોના- ચાંદીના ભાવ ઉંચા જતાં બજારમાં મોસમી માગને અસર પડવાની ભીતી વચ્ચે ઝવેરીબજારોમાં તાજેતરમાં અજંપો પણ વધ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નવ કેરેટના દાગિના માટે પણ મંજૂરી આપી દીધી હોવાના વાવડ મળ્યા હતા.