Get The App

લગ્નસરાની મોસમ પૂરી થઈ : ઝવેરી બજારમાં માંગ તથા ચહલપહલ ધીમી પડી જવાની ગણતરી

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
લગ્નસરાની મોસમ પૂરી થઈ : ઝવેરી બજારમાં માંગ તથા ચહલપહલ ધીમી પડી જવાની ગણતરી 1 - image


- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- વિશ્વ બજારમાં ફંડોનું એક્ટીવ બાઈંગઃ ભારતમાં ચાંદીનું  ઉત્પાદન વાર્ષિક ધોરણે સતત વધી રહ્યાના સંકેતો

દેશના ઝવેરી બજારોમાં વિતેલા સપ્તાહમાં કિંમતી ધાતુઓના ભાવ પ્રત્યાઘાતી ઘટાડાના આંચકા પચાવી નવેસરથી તેજી તરફી ચાલ પર અગ્રેસર થયા હતા અને બજાર ભાવ સ્પ્રિંગની જેમ ઉછળતાં ઝવેરી બજારના ખેલાડીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.  વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં તાજેતરમાં ઘટયા ભાવથી ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે અને વૈશ્વિક ભાવ ઉંચકાતાં ઘરઆંગણે આયાત થતા સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં તાજેતરમાં ખાસ્સી તેજી આવી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જે તાજેતરમાં ઘટી નીચામાં રૂ.૯૬ હજારની સપાટીએ ઉતરી ગયા હતા તે ત્યારબાદ નવેસરથી ઉંચકાઈ ઉંચામાં રૂ.૯૮ હજારની સપાટી પાર કરી રૂ.૯૮૫૦૦ સુધી બજાર ભાવ જોવા મળ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આ પૂર્વે  સોનાના ભાવ ઉંચામાં રૂ.૧ લાખની રેકોર્ડ સપાટીને આંબી ગયા હતા અને ત્યારબાદ  શિખર પરથી બજાર ઝડપી નીચી ઉતરી હતી એ જોતાં હવે ફરીથી આવેલી તેજીમાં શું બજાર ફરી એક લાખ રૂપિયાનો ભાવ દેખાડશે? એવો પ્રશ્ન બજારમાં પૂછાતો થયો છે. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ઉંચામાં રૂ.૯૫ હજારની ઉપર ગયા છે. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સોનાના ભાવ ઔંશના જે નીચામાં ૩૨૦૦ ડોલરની અંદર તાજેતરમાં ઉતરી ગયા હતા તે ત્યારબાદ ફરી ઉછળી પ્રથમ તબક્કે ૩૨૦૦ ડોલર પાર કર્યા પછી તેજી આગળ વધતાં ભાવ વધુ વધી ઉંચામાં ૩૩૦૦ ડોલરની સપાટી પણ વટાવી ગયાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા. વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ તાજેતરમાં ઝડપી ઘટી નીચામાં ૧૦૦ની સપાટીની અંદર ઉતરી ગયાના વાવડ હતા અને બજારના એનાલીસ્ટોના  જણાવ્યા  મુજબ ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટયા મથાળે ફંડો ફરી બજારમાં દાખલ થયા હતા તથા બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા.

અમેરિકાનું દેવું નોંધપાત્ર વધી જતાં તાજેતરમાં મુડીઝ રેટીંગ એજન્સીએ  અમેરિકાનું રેટીંગ ડાઉન ગ્રેડ કર્યાના સમાચાર આવ્યા હતા. આના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ  દબાણમાં આવ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. આ દરમિયાન, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ટેક્સમાં વ્યાપક રાહતો આપવાની દરખાસ્ત મુકી હતી. આવી રાહતોના પગલે અમેરિકામાં ફિસ્કલ ડેફીસીટ વેરાકિય ખાધ વધી જવાની શક્યતા પણ સર્જાઈ હતી. આની અસર પણ ડોલર પર પડતાં વૈશ્વિક સોનાના ભાવ ઘટયા મથાળેથી ઝડપથી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજારોમાં સોનાના ભાવ ફરી ઉછળ તાં બજારમાં નવી માગને અસર પડી હોવાનું ઝવેરી બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  દેશમાં હવે મોન્સૂન નજીક આવતાં લગ્નસરાની મોસમ પૂરી થઈ છે  તથા હવે પછી તહેવારોની મોસમી ખરીદી ઓગસ્ટમાં ફરી શરૂ  થશે એ દરમિયાનના ૨થી ૩ મહિના દરમિયાન ઝવેરી બજારમાં માગ તથા ચહલપહલ ધીમી પડી જવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધતાં તેની અસર પણ સોનાના ભાવ પર પોઝીટીવ દેખાઈ છે. વૈશ્વિક કોપરના ભાવ ઉંચકાતાં તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર પણ તેજીની પડી છે. પ્લેટીનમ તથા પેલેડીયમના વૈશ્વિક ભાવવ પણ ઝડપી વધી ઔંશના ઉંચામાં ૧૦૦૦ ડોલરની ઉપર બોલાતા થયાના  નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના જે તાજેતરમાં ઘટી નીચામાં ૩૨ ડોલરની અંદર જતા રહ્યા હતા તે ત્યારબાદ ઉંચકાઈ ઉંચામાં ૩૩ ડોલરની ઉપર ક્વોટ થતા જોવા મળ્યા છે.  વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ સોના સાથે ચાંદીના ભાવમાં પણ તેજીનો ચમકારો દેખાયો છે. જો કે વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડતેલના ભાવ બેરલના ઉંચામાં ૬૬ ડોલર ઉપર ગયા પછી ઘટી નીચામાં ૬૪ ડોલરની અંદર ઉતર્યાના વાવડ પણ મળ્યા હતા. ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના સૂત્રોના જણાવ્યા મુજબ ક્રૂડતેલના ઉત્પાદનમાં વૃદ્ધીનું વલણ આગળ ઉપર ચાલુ રાખવામાં આવનાર છે અને આના પગલે વૈશ્વિક ક્રૂડતેલમાં ઉંચા ભાવથી પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં પણ હવે ઉછાળાને અનુસરવામાં સાવચેતીનો સૂર બજારમાં સંભળાયો હતો.

દરમિયાન,ભારતમાં ચાંદીનું સ્થાનિક ઉત્પાદન વાર્ષિક ધોરણે ૨૦૦૨માં ૪૭ ટન જેટલું હતું તે વધતું રહી તાજેતરમાં ૭૦૦ ટન (વાર્ષિક)ની સપાટીએ પહોંચતા આ ગાળામાં આવા ઉત્પાદનમાં ૨૦ ગણી વૃદ્ધી થઈ હોવાનું ચાંદી બજારના જાણકારોએ જણાવ્યું હતું. હિન્દુસ્તાન ઝીંકમાં ચાંદીના ઉત્પાદનમાં ખાસ્સી વૃદ્ધી થયાનું જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં સોનાના ભાવ આ વર્ષે ઔંશદીઠ ઉંચામાં ૩૫૦૦ ડોલર ઉપર ગયા હતા અને એ વખતે તેજીનો નવો રેકોર્ડ બજારે નોંધાવ્યો હતો. જો કે ત્યારબાદ વૈશ્વિક સોનાના ભાવ ટોચ પરથી ઝડપી ઘટી નીચામાં એક તબક્કે ૩૨૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તે હવે ફરી વધી ૩૩૦૦ ડોલર  ઉપર જતા હવે ભાવ ફરી ઉંચા જઈ ૩૫૦૦ ડોલરની ઉપર જવાની શક્યતા વિશ્વ બજારના  એનાલીસ્ટો  બતાવી રહ્યા હતા. દેશના ઝવેરી બજારોમાં આ વર્ષે સોનાના ૧૦ ગ્રામના ભાવ જ્યારે ઉંચામાં એક લાખ રૂપિયા થયા હતા એ વખતે ગ્લોબલ બ્રોકરેજ જે.પી. મોર્ગને વિશ્વ બજારમાં  આગળ ઉપર સોનાના ભાવ વધી ૨૦૨૬ના બીજા ત્રિમાસિકમાં ઔંશના  ૪૦૦૦ ડોલર થઈ જવાની આગાહી કરી હતી. ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં વૈશ્વિક સોનાના ભાવ વધી ઔંશના  ૩૬૭૫ ડોલર થવાની આગાહી  પણ જે.પી.મોર્ગને એ દરમિયાન કરી હતી. વૈશ્વિક સ્તરે અન્ય એનાલિસ્ટોના જણાવ્યા મુજબ સોનાના વૈશ્વિક ભાવ ૯થી ૧૨ મહિનામાં ઉંચામાં ૩૮૦૦ ડોલર થઈ જવાની શક્યતા જણાય છે. સોનાના  ભાવ હવે પછી ૩૫૦૦ ડોલરની સપાટી પાર કરશે તો ભાવ ઉંચામાં ૩૮૦૦ ડોલર સુધી પહોંચી જવાની ગણતરી  એનાલીસ્ટો બતાવી રહ્યા હતા.  આવા માહોલમાં દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવ આગળ ઉપર વધી ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૧ લાખ ૧૦ હજારથી રૂ.૧ લાખ ૧૫ હજાર સુધી જવાની ગણતરી ઘરઆંગણે મૂકાઈ રહી  છે.

Tags :