Get The App

સોના- ચાંદીમાં ઉભરા જેવા ભાવ ઊછાળાઃ જોકે લાંબા ગાળે બજાર ઉંચી જવાની બતાવાતી શક્યતા

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીમાં ઉભરા જેવા ભાવ ઊછાળાઃ જોકે લાંબા ગાળે બજાર ઉંચી જવાની બતાવાતી શક્યતા 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- અમેરિકામાં હવે પછી સપ્ટેમ્બરમાં વ્યાજના દર તથા ડોલર ઈન્ડેક્સ ઘટશે તો વૈશ્વિક સોનાના ભાવ વધવાની ગણતરી બતાવતા વૈશ્વિક ખેલાડીઓ

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોના- ચાંદીના ભાવ બેતરફી વધઘટ વચ્ચે એકંદરે નીચા ઉતરતા જોવા મળ્યા હતા. નવી માગ ધીમી રહી હતી તથા ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ હાજર બજારમાં ભાવ નીચા બોલાઈ રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૧ લાખ ૩૦૦૦થી ૩૫૦૦ આસપાસ ગયા હતા તે નીચામાં રૂ.૧ લાખ ૨૫૦૦થી ૨૮૦૦ આસપાસ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના જે ઉંચામાં રૂ. ૧ લાખ ૧૬ હજાર થયા હતા તે નીચામાં રૂ.૧ લાખ ૧૩૫૦૦ આસપાસ રહ્યા હતા. વિશ્વબજારમાં જોકે કિંમતી ધાતુઓના ભાવમાં તાજેતરમાં બેતરફી વધઘટ દેખાઈ હતી જ્યારે ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઘટતો અટકી વધી આવતાં તેના પગલે ઝવેરીબજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર તેની નેગેટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૩૩૦૦ ડોલર તથા ઉંચામાં ૩૩૫૦ ડોલર વચ્ચે અથડાતા રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૩૭.૫૦ ડોલર તથા ઉંચામાં ૩૮.૫૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર નીચામાં રૂ.૯૯૫૦૦ સુધી ટ્રેડ થતા દેખાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર નીચામાં રૂ.૧૧૨૫૦૦થી ૧૧૩૦૦૦ વચ્ચે રહ્યા પછી રૂ.૧૧૪૦૦૦થી ઉપર બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૧૩૦૦ ડોલર તથા ઉંચામાં ૧૩૬૦ ડોલર વચ્ચે ઉછળકુદ કરતા જોવા મળ્યા હતા. જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંશદીઠ નીચામાં ૧૦૯૫ ડોલર તથા ઉંચામાં  ૧૧૨૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. વિશ્વબજારમાં ગ્લોબલ ડોલર ઈન્ડેક્સની વધઘટના પગલે વૈશ્વિક સોનામાં પણ બતરફી ચાલ દેખાઈ હતી. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટે ત્યારે વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોની ખરીદી વધી હતી જ્યારે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે વૈશ્વિક સોનામાં ઉછાળે વેચવાલી પણ વધતી જોવા  હતી. અમેરિકામાં હવે સપ્ટેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિગમાં વ્યાજના દર ઘટાડવામાં આવે છે કે નહિં તેના પર બજારની નજર રહી હતી.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની ટોચના અધિકારીઓ તથા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વચ્ચે તણાવ વધ્યાના સમાચાર મળ્યા હતા. આ દરમિયાન અમેરિકા તથા રશિયા વચ્ચે વૈશ્વિક સ્તરે મિટિંગ યોજાયા પછી અમેરીકા તથા યુક્રેન વચ્ચે પણ મિટિંગ યોજવામાં આવી હતી. જોકે આ વિવિધ મિટિંગો પછી પણ રશિયા તથા યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામ વિષયક કોઈ નિષ્કર્ષ નિકળ્યો નથી એવા સમાચાર મળ્યા હતા. આના પગલે વૈશ્વિબજારમાં ક્રુડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. આ વિવિધ ઘટનાઓ વચ્ચે વિશ્વબજારમાં સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી અને તેના પગલે વૈશ્વિક ચાંદી તથા પ્લેટીનમ અને પેલેડીયમના ભાવમાં પણ બેતરફી ઉછળકુદ તાજેતરમાં દેખાઈ હતી.

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રુડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૬૮ ડોલર નજીક પહોંચ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની જે છેલ્લી મિટિંગમાં મળી હતી એ મિટિંગની મિનિટ્સ તાજેતરમાં બહાર પડી હતી અને આ મિનિટ્સમાં એવા સંકેતો મળ્યા હતા કે અમેરિકામાં જોબમાર્કેટની નબળાઈ છતાં ફેડરલ રિઝર્વના ટોચના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે ત્યાં સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવી શક્યતા વધી હોવાનું વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. ત્યાં વ્યાજના દર ઘટશે તો વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટશે તથા વૈશ્વિક સોનાના ભાવ ઉંચા જશે એવી ગણતરી વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં આગળ ઉપર સોનાના ભાવ વધી ઔંશના ૩૫૦૦ ડોલરની સપાટીને આંબી જવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. ઉંચામાં ભાવ ૩૬૦૦ ડોલર થવાની શક્યતા પણ અમુક એનાલીસ્ટો બતાવી રહ્યા હતા.  જ્યારે નીચામાં વૈશ્વિક સોનાના ભાવ ૩૨૦૦ ડોલર રહેવાની ગણતરી વચ્ચે વૈશ્વિક સોનામાં ઘટાડે લેવાલીનું માનસ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા.

વૈશ્વિક ચાંદીના ભાવ ઉંચામાં ઔંશના ૪૨ ડોલર સુધી જવાની શક્યતા વૈશ્વિક જાણખારો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં બહાર પડેલા આંકડાઓ મુજબ ત્યાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ વધી બે મહિનાની ટોચે પહોંચ્યા હતા. આના પગલે ત્યાં જોબ માર્કેટમાં નબળાઈ ચાલુ રહ્યાના સંકેતો મળ્યા હતા. ત્યાં બેરોજગારીના આવા દાવાઓ ૨ લાખ ૨૪ હજારથી વધી ૨ લાખ ૩૫ હજારની સપાટી સુધી પહોંચી ગયાના વાવડ મળ્યા હતા. ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ છે પરંતુ ઝવેરીબજારોમાં ભાવ ઉંચા હોતાં મોસમી ખરીદી બજારમાં અપેક્ષા કરતાં ઓછી જોવા મળી છે. દરમિયાન, સ્વીસ ગોલ્ડની અમેરિકા તરફ નિકાસ તાજેતરમાં વધી માર્ચ પછીની નવી ઉંચી ટોચે પહોંચી છે. અમેરિકામાં સ્વીસ ગોલ્ડની આવી આયાત જુલાઈમાં વધી ૫૧ ટન થઈ હતી. દરમિયાન પેરુ ખાતેથી ચીન  તરફ સોનાની નિકાસ આ વર્ષે પ્રથમ છ મહિનામાં નોંધપાત્ર વધી છે. ચીનમાં આવી આયાત જે ૨૦૨૪ના આખા વર્ષમાં થઈ હતી તે આ વર્ષે પ્રથમ છ મહિનામાં જ પાછલા આખા વર્ષની સપાટી વટાવી ગઈ હોવાના સમાચાર મળ્યા હતા. પેરુથી સોનાની આયાતી ચીન ઉપરાંત કેનેડા, ભારત તથા સ્વીત્ઝર્લેન્ડ દ્વારા કરવામાં આવે છે. દરમિયાન, યુબીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૬માં પ્રથમ ત્રિમાસિકમાં વૈશ્વિક સોનાના ભાવ ઉંચામાં ઔંશના ૩૬૦૦ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા જણાય છે. સોનાની વૈશ્વિક માગ ૨૦૨૫માં નોંધપાત્ર વધતાં ૨૦૧૧ પછીનો આવી માગનો નવો રેકોર્ડ સર્જાવાની ગણતરી વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા.