Get The App

સોનાના ભાવમાં કરેકશનનો મુડઃ બજાર ૫થી 6 ટકા ઘટશે અને ત્યારબાદ ફરી તેજીના પંથે ચડવાની શક્યતા

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
સોનાના ભાવમાં કરેકશનનો મુડઃ બજાર ૫થી 6 ટકા ઘટશે અને ત્યારબાદ ફરી તેજીના પંથે ચડવાની શક્યતા 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- અમેરિકામાં શરૂ થયેલો વ્યાજ દર ઘટાડાનો દોરઃ વૈશ્વિક ડોલર હવે પછી દબાણ હેઠળ રહેશે તથા સોનામાં ભાવ ૪૦૦૦ ડોલર થઈ જવાની ખેલાડીઓની ગણતરી

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં પુરા થયેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવ આરંભમાં ઉંચા ગયા પછી ટોચ પરથી પ્રત્યાઘાતી નીચા ઉતરતા દેખાયા હતા. વિશ્વબજારના સમાચાર ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂપિયા સામે ઉંચામાં રૂ.૮૮ની સપાટી વટાવી ગયા પછી ટોચ પરથી ઘટતાં તેની અસર પણ ઝવેરીબજાર પર જોવા મળી હતી. સરકારે ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૯થી ઘટાડી રૂ.૮૮.૮૫ કર્યાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, દેશના ઝવેરીબજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં તાજેતરની રેકોર્ડ તેજીના પગલે ઉંચા મથાળે નવી માગ પણ ધીમી પડતાં વિશ્વબજાર પાછળ સોના- ચાંદીમાં ટોચના મથાળે નફારૂપી વેચવાલી પણ દેખાતી થયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૩૭૦૦થી ૧૧૪૦૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ઉંચામાં ૧ લાખ ૩૧૫૦૦ સુધી પહોંચ્યા પછી ભાવ રૂ.૧ લાખ ૨૯ હજાર આસપાસ રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ તાજેતરમાં ઉંચામાં રૂ.૧ લાખ ૧૫ હજારની સપાટી નજીક પહોંચ્યા પછી પ્રત્યાઘાતી પીછેહટ બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં તાજેતરમાં અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વર્તમાન વર્ષમાં પ્રથમ વખત ઘટાડો કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં વ્યાજના દરમાં પા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેના પગલે અમેરિકાના શેરબજારોમાં તાજેતરમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને શેરબજારો ઉછળતાં સોનામાં આવતો નાણાંપ્રવાહ શેરબજારો તરફ વળ્યાની ચર્ચા પણ વિશ્વબજારમાં સંભળાઈ રહી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ તાજેતરમાં ઉંચામાં ઔંશદીઠ ૭૭૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા તે ત્યારબાદ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટી ૩૬૪૦થી ૩૬૪૫ ડોલર આસપાસ બોલાતા થયા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના જે ઉંચામાં ૪૨ ડોલરની સપાટી પાર કરી ગયા હતા તે ભાવ ત્યારબાદ પીછેહટ વચ્ચે ૪૨ ડોલરની અંદર ફરી ઉતરી ગયા હતા. અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં વ્યાજના દરમાં વધુ ઘટાડાઓ કરવામાં આવશે એવા સંકેતો ત્યાં ફેડરલ રિઝર્વ દ્વારા આપવામાં આવ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭ની સપાટીની અંદર ઉતરી ૯૬.૮૦થી ૯૬.૮૫ થયા પછી આ ઈન્ડેક્સ આંચકા પચાવી નવેસરથી વધી ઉંચામાં ૯૭ પાર કરી ૯૭.૬૦ સુધી ઉછળ્યો હતો અને વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો સોનું વેંચવા નિકળ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. અમેરિકામાં ં બેરોજગારીના દાવાઓ ઘટતાં રોજગારી વધ્યાના તથા જોબ માર્કેટમાં ફરી મજબુતાઈ જોવા મળી હોવાના સંકેતો મળ્યા હતા. ત્યાં આવા બેરોજગારીના દાવાઓ ૨ લાખ ૬૪ હજારથી ઘટી ૨ લાખ ૩૧ હજાર આવ્યા હતા. જોકે વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ તાજેતરમાં સોનાના ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો આવવા છતાં બજારના આંતરપ્રવાહો એકંદરે મક્કમ રહ્યા છે તથા વૈશ્વિક સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધવાની તથા ભાવ વધી ઉંચામાં ૪૦૦૦ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા વિશ્વબજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા. અમેરિકાના ટ્રેઝરી વેંચી સોનું ખરીદવાનું માનસ વધી રહ્યું છે એ જોતાં વિશ્વબજારમાં સોનાના ભાવ વધી પાંચ હજાર ડોલર સુધી પહોંચી જવાની શક્યતા તાજેતરમાં ગોલ્ડમેન સેક દ્વારા બતાવવામાં આવી હતી. આ સૂત્રોના જણાવ્યા મુજબ સોનાના ભાવ ૨૦૨૬ના મધ્ય સુધીમાં ૪૦૦૦ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા જણાય છે તથા ત્યારબાદ ૪૫૦૦થી ૫૦૦૦ ડોલરના ભાવ પણ જોવા મળે તો નવાઈ નહિં એવી ગણતરી આ સૂત્રો બતાવી રહ્યા હતા. આવા સંજોગોમાં ભારતના ઝવેરીબજારોમાં સોનાના ભાવ ઉછળી સવાથી દોઢ લાખ રૂપિયા થઈ જવાની તથા ચાંદીના ભાવ વધી દોઢથી બે  લાખ રૂપિયા થઈ જવાની ગણતરી આ જાણકારો બતાવી રહ્યા હતા. સોનાના ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં આશરે ૪૦ ટકા વધી ગયા છે. વૈશ્વિક સ્તરે ખાનગી ક્ષેત્રના હાથમાં રહેલી પ્રાઈવેટ ટ્રેઝરીનો જો એક ટકો પણ સોના બજારમાં આવે તો સોનાના ભાવ પાંચ હજાર ડોલર થઈ જવાની ગણતરી વૈશ્વિક તજજ્ઞાો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં તાજેતરમાં ચાંદીના ભાવ ઉંચામાં ઔંશના ૪૨.૫૦ ડોલર જતાં ૧૪ વર્ષનો રેકોર્ડ તૂટયો હોવાના જાણકારો જણાવી રહ્યા હતા.

ભારતમાં ઓગસ્ટમાં સોનાની આયાત આશરે ૫.૪૦ અબજ ડોલર જેટલી થયાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા. સોનામાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં પણ ઈન્ફલો વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં કોમેક્સમાં સોનાની ફિઝીકલી ડિલીવરીમાં નોંધપાત્ર વૃધ્ધિ દેખાઈ હતી. દરમિયાન, લદાખમાં દાણચોરીના સોનાનો પ્રવાહ વધતાં લાઈન ઓફ કન્ટ્રોલ એલઓસીને પાર કરી લદાખમાં બે વર્ષમાં આશરે ૧૦૦૦ ટન સોનું આવ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી. વૈશ્વિક સ્તરે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો ડોલર વેંચી સોનાનો રિઝર્વ વધારવાની નિતી અપનાવતી દેખાઈ છે એ જોતાં આવી સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોનામાં આગળ ઉપર જળવાઈ રહેવાની ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં તાજેતરમાં સોનાની આયાત વધવા છતાં દેશની વેપાર ખાધમાં ઘટાડો થયો છે. વિશ્વબજારમાં ગયા વર્ષે ૨૦૨૪માં સોનાના ભાવમાં ૨૭ ટકાનો ઘટાડો થયા પછી આ વર્ષે ૨૦૨૫માં સોનાના ભાવમાં અત્યાર સુધીમાં ૪૦ ટકાની વૃધ્ધિ થઈ ગઈ છે અને હવે ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પછી સોનાના ભાવ ફરી ઉંચા જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. સોનામાં ૫થી ૬ ટકાનો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યા પછી બજાર ફરી તેજીના પંથે ચડવાની શક્યતા  તાજેતરમાં જાણકારો બતાવી રહ્યા હતા.