Get The App

સોના- ચાંદીમાં ઊંચી ટોચ પર રૂંધાતી તેજીઃ માગમાં સુસ્તાઈઃ વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ જોવાઈ

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીમાં ઊંચી ટોચ પર રૂંધાતી તેજીઃ માગમાં સુસ્તાઈઃ વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ જોવાઈ 1 - image


- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોના- ચાંદીના ભાવમાં ઉંચા ભાવની તેજીને બ્રેક વાગી હતી તથા બજારમાં ટોચ પરથી ભાવ પ્રત્યાઘાતી દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા મથાળેથી નીચા ઉતરતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં પીછેહટ જોવા મળી હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં વધ્યા મથાળે નવી માગ રુંધાતાં નફારૂપી માનસ વેંચવાનું રહ્યું હતું. ઝવેરીબજારોમાં ઉંચા ભાવ તથા ઓફફ સિઝનના માહોલ વચ્ચે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ દેખાઈ હતી અને આગળ ઉપર હવે પછી તહેવારોની મોસમ શરૂ થશે ત્યારે માગ કેવી નિકળે છે તેના પર બજારની નજર રહી હતી. જો ભાવ ઉંચા રહેશે તો તહેવારોની મોસમમાં પણ બજારમાં વેપારો અપેક્ષાથી ધીમા રહેવાની ભીતી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ચોમાસાની પ્રગતિ સંતોષજનક રહેશે તથા પાક- પાણી સારા આવશે તો આગળ ઉપર સોના- ચાંદીમાં ગ્રામિણ તથા કૃષી ક્ષેત્રની માગનો સપોર્ટ ઝવેરીબજારોને મળતો રહેશે એવી આશા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. 

દરમિયાન,  વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૩૩૫૦ ડોલરની ઉપર ગયા હતા તે ઘટી નીચામાં તાજેતરમાં ૩૩૦૯થી ૩૩૧૦ ડોલર સુધી જતા રહ્યા હતા. જોકે ત્યારબાદ ભાવ ફરી વધી ૩૩૪૩થી ૩૩૪૪ થઈ ૩૩૩૭થી ૩૩૩૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સની વધઘટ પાછળ વિશ્વબજારમાં સોનાના ભાવમાં તાજેતરમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધી ઉંચામાં તાજેતરમાં એક તબક્કે ૯૯ની સપાટી નજીક પહોંચી ગયા પછી ફરી ઘટી ૯૮.૫૦ની સપાટીની અંદર ઉતર્યાના વાવડ મળ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઊંચો જતાં વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું અને ત્યારબાદ ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચેથી નીચો ઉતરતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી બાઈંગ માટે દાખલ થયાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦નાં રૂ.૯૭૫૦૦ વાળા નીચામાં એક તબક્કે ઘટી રૂ.૯૭ હજારની અંદર ઉતર્યા પછી ફરી વધી રૂ.૯૭ હજારની ઉપર બોલાતા થયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી  વગર૧ લાખ ૧૨ હજારની ઉપર ગયા હતા તે પ્રત્યાઘાતી ઘટાડા વચ્ચે નીચામાં રૂ.૧ લાખ ૧૧ હજારની અંદર ઉતર્યા પછી ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૩૮ ડોલર પાર કરી ૩૯ ડોલરની ઉપર ગયા હતા તે ત્યારબાદ ઘટી નીચામાં ૩૭.૫૦ ડોલર આસપાસ ઉતરી ગયા હતા. જોકે ત્યારબાદ ભાવ ફરી ઉંચકાઈ ૩૮.૧૫થી ૩૮.૨૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારોમાં ચાંદીના ભાવ  ઉંચામાં રૂ.૧ લાખ ૧૨થી ૧૩ હજાર થઈ ગયા પછી ઉંચેથી ઘટાડો બતાવી રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૧ લાખ દોઢથી બે હજાર થઈ ગયા પછી પ્રત્યાઘાતી પીછેહટ બતાવતા જોવા મળ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઉછળી ઉંચામાં ઔંશના ૧૫૦૦ ડોલરની નજીક ૧૪૮૦થી ૧૪૮૧ ડોલર સુધી તાજેતરમાં પહોંચી જતાં વૈશ્વિક ખેલાડીઓ અચંબામાં પડી ગયા હતા. પ્લેટીનમ પાછળ પેલેડીયમના ભાવ પણ ઉછળી ઔંશના ઉંચામાં ૧૩૦૦ ડોલર નજીક ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૭૦ ડોલર ઉપર ગયા પછી ઘટયાના સમાચાર આવ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધ્યા પછી ઘટયાના સમાચાર હતા. કોપરની વધઘટની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર જ્યારે ક્રૂડ તેલના ભાવની વધઘટની અસર વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૯૧થી ૧૯૨ લાખ બેરલ્સ વધ્યાના વાવડ મળ્યા હતા. આ પૂર્વે આવો સ્ટોક ૭૦થી ૭૧ લાખ બેરલ્સ વધ્યો હતો. આમ ટૂંકા ગાળામાં અમેરિકામાં આશરે બે સપ્તાહમાં ક્રૂડતેલનો સ્ટોક નોંધપાત્ર વધી જતાં વિશ્વબજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ચર્ચાતી વાતો મુજબ વૈશ્વિક સ્તરે રશિયા દ્વારા તાજેતરના મહિનાઓમાં ચાંદીનું નોંધપાત્ર બાઈંગ કરવામાં આવ્યું છે અને તેની અસર ચાંદીના ભાવ પર દેખાઈ છે. ચાંદીના ભાવ વિશ્વબજારમાં આગળ ઉપર ૪૦ ડોલર થવાની શક્યતા જાણકારો બતાવતા હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ અગાઉ વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો સોનાનું રિઝર્વ વધારવા સોનાની ખરીદી ગ્લોબલ ઓવર- ધી- કાઉન્ટર કરતા હતા પરંતુ હવે ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કો સોનાની આવી ખરીદી પોતાના જ દેશમાં ઉત્પન્ન થતા સોનાના જથ્થાના સ્વરૂપમાં કરતી થયાના વાવડ મળ્યા હતા. આ વર્ષે સોનાના વૈશ્વિક ભાવ એપ્રિલમાં ઉંચામાં ૩૫૦૦ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચ્યા પછી ઉંચેથી ૨૦૦થી ૩૦૦ ડોલર ઘટયા છે. અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો કરવા પ્રમુખ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ પર દબાણ તાજેતરમાં વધારવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. આવા માહોલમાં ત્યાં હવે પછી વ્યાજના દરમાં ક્યારે અને કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી છે. ત્યાં વ્યાજ દર ઘટાડાશે તો વૈશ્વિક સ્તરે ડોલરનો ઈન્ડેક્સ નીચો જશે અને સોનાના ભાવ વિશ્વબજારમાં ઉંચા જશે એવી શક્યતા જાણકારો બતાવતા હતા. અમેરિકામાં ફુગાવો અપેક્ષાથી ઓછો વધ્યો છે છતાં ત્યાં મોંઘવારી ઉંચી રહી છે. ઉપરાંત ત્યાં રિટેલ સેલ છ ટકા વધ્યું છે ત્યાં બેરોજગારીના દાવા ૭૦૦૦ ઘટયા છે. આવા માહોલમાં ફેડરલ રિઝર્વ પર બજારની નજર રહી છે.

Tags :