સોનામાં સેફ-હેવન સ્વરૂપની માગ ઓસરી : ટોચ પરથી બજાર તૂટી : ટેરીફ વેલ્યુમાં પણ ઘટાડો
- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ પૂર્વે સોનાની ખરીદી વધાર્યા પછી હવે આવી નવી ખરીદી ધીમી પડયાના નિર્દેશો
દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોના- ચાંદીના ભાવમાં તેજીના વળતા પાણી વચ્ચે બજાર ઉંચા મથાળેથી ઝડપી તૂટતી જોવા મળી છે. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ શિખર પરથી ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે દેશના ઝવેરીબજારોમાં ઉંચા મથાળેથી તૂટતા ભાવોના માહોલમાં બજારમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ દેખાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.ત્રણ હજાર તૂટી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૧૦૦૦નો ઘટાડો દર્શાવી રહ્યા હતા. દેશમાં સોના- ચાંદીના ભાવ તાજેતરમાં ઉછળતા રહી ઉંચામાંથી રૂપિયા એક લાખની ઐતિહાસિક સપાટીની ઉપર જતા રહ્યા હતા પરંતુ ત્યારબાદ ઝવેરીબજારમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં કિંમતી ધાતુઓના ભાવ ટોચ પરથી ઝડપથી ગબડતા જોવા મળ્યા છે. અમદાવાદ બજારમાં સોનાના ભાવ તૂટી નીચામાં ૧૦ ગ્રામના રૂ.૯૬૦૦૦ની અંદર ઉતરી નીચામાં રૂ.૯૫૦૦૦ની સપાટી નજીક પહોંચ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી કિલોના નીચામાં રૂ.૯૬ હજારની અંદર ઉતરી રૂ.૯૫૨૦૦ સુધી તાજેતરમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૩૫૦૦ ડોલર સુધી ઉછળ્યા હતા તે ત્યારબાદ પ્રત્યાઘાતી મંદી આવતાં ઝડપી ઘટી નીચામાં ૩૨૦૦ ડોલરની અંદર ઉતરી ૩૧૦૦ ડોલરની સપાટી નજીક પહોંચી ગયાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં તથા વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઝડપી તૂટી જતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોની વેચવાલી વધતી જોવા મળી હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજાર ગબડતાં ઘરઆંગણે પણ ઝવેરીબજારમાં સોના- ચાદીમાં ટોચ પરથી બજાર તૂટતી જોવા મળી છે. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના જે ઉંચામાં ૩૪ ડોલર ઉપર ગયા હતા તે ત્યારબાદ ઝડપી તૂટી નીચામાં ૩૨ ડોલરની અંદર ઉતરી ૩૧.૬૦થી ૩૧.૬૫ ડોલર સુધી ટ્રેડ થતા દેખાયા હતા.
મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના નીચામાં રૂ.૯૧૦૦૦ તથા ૯૯૯ના નીચામાં રૂ.૯૧૫૦૦ આસપાસ ઉતર્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી કિલોના જીએસટી વગર નીચામાં રૂ.૯૪ હજાર નજીક જોવા મળ્યા હતા. મુંબઈ બજારમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકા અને બ્રિટન વચ્ચે વેપાર કરાર થયા પછી અમેરિકા અને ચીન વચ્ચે પણ વેપાર કરાર થતાં અને અમેરિકાના અન્ય દેશો સાથે પણ આવા વેપાર કરાર કરવા વાટાઘાટોએ વેગ પકડતાં વૈશ્વિક સ્તરે ટેરીફ અને ટ્રેડવોરના બદલે વેપાર કરારોનો માહોલ શરૂ થયો છે અને તેના પગલે વિશ્વબજારમાં સોનામાં સેફ હેવન સ્વરૂપની માગ જે તાજેતરમાં વધી ગઈ હતી તે ફરી ઓસરતાં વિશ્વબજારમાં સોનાના ભાવ ઝડપથી તૂટતા જોવા મળ્યા હતા. આ તરફ ભારત તથા પાકિસ્તાન વચ્ચે તંગદીલી હળવી થતાં અને યુધ્ધ વિરામનો અમલ શરૂ થતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ દેખાઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે પણ હવે યુધ્ધના છમકલાઓ ઘટયાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ગબડયા છે. આ વિવિધ કારણોસર વૈશ્વિક સોનામાં ઐતિહાસિક ટોચ પરથી બજાર તૂટતી જોવા મળી છે.
દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં રિટેલ ફુગાવા પછી હોલસેલ ફુગાવાનો વૃધ્ધિ દર ધીમો પડયાના સમાચાર હતા અને તેના પગલે ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા બળવત્તર બની છે. આની અસર વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. અમેરિકામાં તાજેતરમાં બેરોજગારીના દાવાઓ જોબલેસ કલેઈમ્સ ૨ લાખ ૨૯ હજાર આવ્યાના સમાચાર હતા. આવા દાવાઓ ખાસ વધઘટ વગર જળવાઈ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વબજારમાં આ વર્ષના આરંભીક મહિનાઓમાં સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધ્યા પછી તાજેતરમાં આવી ખરીદી ધીમી પડયાના સમાચાર પણ આવ્યા હતા અને તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. વિશ્વબજારમાં સોનાના વાયદા બજારમાં ભાવ તૂટવા છતાં હજી ઘટયા મથાળે તેજીવાળાઓએ પોતાની ટ્રેડીંગ પોઝીશન વધારી નથી એ જોતાં તેજીવાળા હજી સોનાના ભાવ વધુ નીચા આવશે તેની રાહ જોઈ રહ્યાના સંકેતો પણ વિશ્વબજારમાંથી મળ્યા હતા. વિશ્વજારમાં દસમી એપ્રિલે સોનાના ભાવ નીચામાં ઔંશના ૩૧૨૦ ડોલર થયા હતા અને એ નીચી સપાટી તાજેતરમાં બજારે ફરી બતાવી હતી. ભારત તથા પાકિસ્તાન પછી હવે રશિયા અને યુક્રેન વચ્ચે પણ તંગદિલી હળવી બની રહ્યાના વાવડ મળ્યા છે અને તેના પગલે સોનામાં નવા બાઈંગને બ્રેક વાગી છે. દરમિયાન, ભારતમાં આયાતકારો માટે સરકારે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દરમાં તાજેતરમાં વધારો કર્યાના સમાચાર મળ્યા છે. આના પગલે દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં વૃધ્ધિ થઈ છે. વિશ્વબજારમાં વિતેલા સપ્તાહમાં સોનાના ભાવમાં નોંધાયેલો ઘટાડો પાછલા છ મહિનાનો સૌથી મોટો વિકલી ઘટાડો મનાતો હતો. સપ્તાહના અંતભાગમાં સરકારે કિંમતી ધાતુઓની ટેરીફ વેલ્યુમાં ઘટાડો કર્યાના સમાચાર પણ મળ્યા હતા.