Get The App

સોના- ચાંદીના ભાવ ફરી ઉંચકાયા પછી હવે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ પર બજારની નજર

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીના ભાવ ફરી ઉંચકાયા પછી હવે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ પર બજારની નજર 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- અમેરિકામાં હવે સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધતાં વિશ્વના બજારો પર તેની અસર જોવા મળી

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં તહેવારોની મોસમ શરૂ થતાં બજારમાં ચહલપહલ વધતી જોવા મળી હતી. જોકે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ તથા કરન્સી બજાર પાછળ ઉછળતા જોવા મળ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૯૯૬૯૫થી ૯૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ વધી રૂ.૧ લાખની ઉપર બોલાતા થયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી કિલોના રૂ.૧ લાખ ૧૫ હજારની સપાટી ફરી પાર કરી જતાં હવે બજારના જાણકારો રૂ.૧ લાખ ૨૦ હજારની સપાટી પર નજર રાખતા થયા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ વધી ઉંચામાં રૂ.૧ લાખ ૩ હજારની સપાટી કુદાવી ગયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૧ લાખ ૧૬ હજારની ઉપર ગયા હતા. મુંબઈ બજારમાં સોના- ચાંદીના ભાવ જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતાં ઘરઆંગણે સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ તહેવારો ટાંણે વધી જતાં દેશના ઝવેરીબજારોમાં કિંમતી ધાતુઓના ભાવ નવેસરથી ઉંચા જતાં જોવા મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર મુજબ વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૩૩૬૦થી ૩૩૬૫ ડોલરવાળા વધી ઉંચામાં ૩૩૭૪થી ૩૩૭૫ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૭.૦૩થી ૩૭.૦૪ ડોલરવાળા વધી ૩૮ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૩૮.૭૦થી ૩૮.૭૫ ડોલર સુધી ઉંચકાયા હતા. વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધ્યા મથાળેથી વધુ વધતો અટકી પ્રત્યાઘાતી ઘટી ૯૮ની સપાટડીની અંદર ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોની તથા ઈન્વેસ્ટમેન્ટ બેન્કરોની લેવાલી ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વબજારમાં અમેરિકાના બોન્ડની યીલ્ડમાં પણ પીછેહટ જોવા મળતાં તેના પગલે પણ વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં ખરીદી વધ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટી નીચામાં ૯૭.૬૩ સુધી ટ્રેડ થતો જોવા મળ્યો હતો. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં તાજેતરમાં બહાર પડેલા આંકડાઓ મુજબ ત્યાં હવે ફુગાવો નિયંત્રણમાં આવી રહ્યો છે તથા તેના પગલે ત્યાં હવે પછી આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધી છે અને તેના કારણે વૈશ્વિક સ્તરે ડોલરનો ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતાં વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ફરી ઉછળતા દેખાયા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ઉંચામાં ઔંશના ૧૩૪૭થી ૧૩૪૮ ડોલર સુધી ટ્રેડ થતાં જોવા મળ્યા હતા. જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ જોકે ઉંચામાં જે ઔંશના ૧૨૦૦ ડોલરની ઉપર ગયા હતા તે ઘટી ૧૨૦૦ ડોલરની અંદર ઉતરી ૧૧૩૧થી  ૧૧૩૨ ડોલર થઈ ૧૧૪૪થી ૧૧૪૫ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ વધતાં તેની ઈમ્પેક્ટ ચાંદીના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ દેખાતાં વૈશ્વિક સોનાના ભાવમાં આગેકૂચ તેટલા પ્રમાણમાં સિમિત રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલના ઘટી નીચામાં ૬૬ ડોલરની અંદર ઉતર્યા હતા જ્યારે વૈશ્વિક યુએસ ક્રુડતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટી નીચામાં ૬૩ ડોલરની અંદર ઉતરતા જોવા મળ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની હવે પછી સપ્ટેમ્બરમાં મળનારી મિટિંગમાં ત્યાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવી શક્યતા વધતાં વિશ્વબજારમાં વિવિધ કોમોડીટીઝ બજારો તથા વિવિધ કરન્સી બજારો પર તેની ઈમ્પેક્ટ જોવા મળી હતી. વિશ્વબજારમાં કોપરના ભાવ વધી ટનના ૯૮૦૦ ડોલરની ઉપર ક્વોટ થતા જોવા મળ્યા હતા.