- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- સાઉદીની સેન્ટ્રલ બેન્કે ચાંદી બજારમાં 40 મિલીયન ડોલર ઠાલવ્યાઃ રશિયાએ ત્રણ વર્ષમાં ચાંદીમાં 535 મિલીયન ડોલરનું રોકાણ કરવાનો લીધેલો નિર્ણય
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં પુરા થયેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી આગળ વધતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. જોકે તહેવારોની મોસમ છતાં બજારભાવ રોજેરોજ નવી ટોચ બતાવતા જોવા મળતાં બજારમાં નવી માગ ધીમી પડી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં રેકોર્ડ તેજી આગળ વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડી નવા નીચા તળીયે ઉતરી જતાં દેશમાં આયાત થતી વિવિધ કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં ખાસ્સી વૃધ્ધિ થઈ છે અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં તેજી વણથંભી આગળ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં ઉછળી ઉંચામાં રૂ.૮૮.૪૬ સુધી પહોંચી ગયા હતા અને ડોલર સામે રૂપિયો નવ નીચા તળીયે પટકાયો હતો. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં તાજેતરમાં સોનાના ભાવ વધી ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૧ લાખ ૧૩ હજાર ૩૦૦ સુધી પહોંચી જતાં બજારના જૂના અને પીઢ ખેલાડીઓ પણ અચંબામાં પડી ગયા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ પણ ઉછળી કિલોના રૂ.૧ લાખ ૨૬ હજાર બોલાતાં તેજીનો નવો રેકોર્ડ થયાનું બજારમાંથી જાણવા મળ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૫૭૦થી ૩૫૭૪ વાળા સપ્તાહ દરમિયાન વધુ ઉછળી ઉંચામાં ૩૬૦૦ ડોલરની નવી ટોચને પાર કરી ઉંચામાં ભાવ ૩૬૬૦થી ૩૬૬૫ ડોલર સુધી પહોંચી ગયા હતા. જોકે ત્યારબાદ વિશ્વબજારમાં સોનાના ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટી નીચામાં ૩૬૧૪થી ૩૬૧૫ ડોલર સુધી પણ ટ્રેડ થતા સપ્તાહના ઉત્તરાર્ધમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૪૧ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૪૧.૫૫થી ૪૧.૬૦ ડોલર સુધી પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશવ્બજારમાં સોના પાછળ ચાંદી ઉછળતાં અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ ઉંચકાયા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ઉંચામાં ઔંશના ૧૪૦૦ ડોલર તથા વૈશ્વિક પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૨૦૦ ડોલરને આંબી ગયા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ઉંચામાં રૂ.૧ લાખ ૧૦ હજાર નજીક તથા મુંબઈ ચાંદીના ભાવ વધી ઉંચામાં જીએસટી વગર રૂ.૧ લાખ ૨૫ હજાર નજીક પહોંચ્યા હતા. જ્યારે મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, દેશમાં સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ તાજેતરમાં નોંધપાત્ર ઉંચી ગઈ હોવા છતાં આવી ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ બજારમાં બોલાતા ભાવ નીચા બોલાઈ રહ્યા હતા અને ઈમ્પોર્ટ કોસ્ટ સામે બજાર ભાવમાં ડિસ્કાઉન્ટ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં તાજેતરમાં જોબગ્રોથ વિષયક વિવિધ આંકડાઓ નબળા આવતાં તથા તેના પગલે ત્યાં હવે પછી ટૂંકમાં મળનારી અમેરીકન ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એ વાત નિશ્ચિત બનતાં વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ દબાણ હેઠળ રહ્યો હતો જ્યારે તેની સામે સોનાના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. સોનાના ભાવ ઐતિહાસિક ઉછળતાં આવી તેજીના માહોલમાં વૈશ્વિક અર્થતંત્ર તથા વૈશ્વિક નાણાં બજારોની સ્થિતિ વિશે હવે શંકા- કુશંકાઓ પણ જાગી હોવાનું મોર્ગન સ્ટેનલીના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. સોનાના ભાવમાં આવો ઉછાળો હવે પછી બનનારી વૈશ્વિક મોટી ઘટનાઓને સંકેત આપે છે એવું જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ નોંધપાત્ર પ્રમાણમાં ખરીદી કરી છે. આ સેન્ટ્રલ બેન્કોના ફોરેક્સ રિઝર્વમાં હવે સોનાનું પ્રમાણ વધી ગયું છે. ૧૯૯૬ પછી પ્રથમ વખત આવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વબજારમાં સોના પર આધારીત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં ઈન્ફલો વધતો રહ્યો છે તથા તાજેતરમાં ઓગસ્ટમાં આવો ઈન્ફલો મંથલી ધોરણે આશરે પાંચ અબજ ડોલરનો નોંધાયાના સમાચાર દરીયાપારથી આવ્યા હતા. ગોલ્ડ ઈટીએફમાં આવો ઈન્ફલો આ પૂર્વ ૨૦૨૦માં જોવા મળ્યો હતો અને હવે પાંચ વર્ષ પછી ફરી આવા ઈન્ફલોનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે.
આ વર્ષના અંત સુધીમાં વૈશ્વિક સોનાના ભાવ વધુ વધી ઉંચામાં ૩૮૦૦ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા મોર્ગન સ્ટેન્લીના જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ઉંચા ભાવના પગલે જ્વેલરીની માગ ઘટી ગઈ હોવાનું આ એનાલીસ્ટોએ જણાવ્યું હતું. અમેરિકામાં છેલ્લા વ્યાજના દરમાં ઘટાડો ૨૦૨૪ના ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો અને હવે આ વર્ષે આ મહિને સપ્ટેમ્બરમાં ટૂંકમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા વિશ્વબજારમાં ચર્ચાઈ રહી છે.
દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં ઓગસ્ટ મહિનાના જોબગ્રોથના નોન- ફાર્મા પેરોલના ડેટા નબળા આવ્યા છે તથા બાર મહિનાના આ પૂર્વે બહાર પડેલા જોબગ્રોથના કુલ આંકડાઓમાં પણ અમેરિકામાં ડાઉનવર્ડ રિવીઝન આશરે ૯ લાખથી વધુનું કરવામાં આવ્યું છે. આમ ત્યાં અંદાજ કરતાં જોબગ્રોથ નોંધપાત્ર ધીમો પડયો છે.
અમેરિકામાં તાજેતરમાં બેરોજગારીના દાવાઓ જોબલેસ કલેઈમ્સ વધી ચાર વર્ષની ટોચે પહોંચ્યા છે. આવા દાવાઓ ત્યાં તાજેતરમાં વધુ ૨૭ હજાર વધી ૨ લાખ ૬૩ હજારની સપાટીએ પહોંચ્યા છે. આવા દાવાઓ વધતાં અમેરિકામાં જોબમાર્કેટની વધુ નબળાઈ સામે આવી છે તથા ત્યાં વ્યાજના દર ઘટાડાશે એ વાત નિશ્ચિત બની છે. જોકે વ્યાજના દરમાં આવો ઘટાડો પા ટકાનો કરાશે કે અડધા ટકાનો કરાશે એ વિશે વિશ્વબજારના ખેલાડીઓમાં મત મતાંતરો જોવા મળ્યા છે. દરમિયાન, વિશ્વબજારમાં સિલ્વર (ચાંદી)ના ઈટીએફમાં પણ ઈનફલો વધ્યો છે. સાઉદી અરેબીયાની સેન્ટ્રલ બેન્કેે ચાંદીમાં આશરે ૪૦૦ લાખ ડોલરનો ઈનફલો ઠાલવ્યો છે. જ્યારે રશિયાની સરકારે ત્રણ વર્ષમાં આશરે ૫૩થી ૫૪ કરોડ ડોલરની ચાંદી ખરીદવાનો તથા ચાંદીનો આવો રિઝર્વ વધારવાનું નક્કી કર્યાના સમાચાર વિશ્વબજારમાંથી તાજેતરમાં મળ્યા હતા.


