- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- સોનામાં રૂ.૧૨૮૦૦૦નો નવો રેકોર્ડ : ચાંદી ઉછળી રૂ.૧૭૦૦૦૦ બોલાઈઃ જોકે વિશ્વબજારમાં સોનું ૪૦૦૦ ડોલર ઉપર ગયા પછી ફરી ઘટયાના સંકેતો
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી વેગથી આગળ વધતાં બજાર જૂના બધા રેકોર્ડ તોડીને નવી ટોચ પર પહોંચી જતાં બજારના જૂના અને પીઢ ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. દિવાળીના તહેવારો હવે નજીક આવ્યા છે ત્યારે ઝવેરીબજારોમાં રેકોર્ડ તેજીનું તોફાન ચાલુ રહેતાં બજારમાં હવે તહેવારોમાં રહેતી મોસમી માગ પર તેની અસર પડવાની ભીતી વચ્ચે બજારના ઝવેરીઓમાં ખાસ્સી ચિંતા પણ જોવા મળી હતી. ઝવેરીબજારોના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં તાજેતરમાં સોના તથા ચાંદીના ભાવમાં એકધારી ઐતિહાસિક તેજી ઝડપથી આગળ વધી હતી અને વિશ્વબજાર નવી ઉંચાઈ પર પહોંચી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં નવી નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં ભાવમાં રોજેરોજ નવા વિક્રમો સર્જાતા જોવા મળ્યા છે. ઝવેરીબજારોમાં પ્રત્યાઘાતી ઘટાડો આવશે એવી આશા રાખતો વર્ગ એકધારી તેજી વણથંભી આગળ વધતાં હેબતાઈ ગયો છે તથા પ્રેક્ષકની જેમ રોજેરોજ બદલાતા ભાવને જ જોતો રહ્યો છે. વિશ્વબજારમાં સોના તથા ચાંદીના ભાવ ઉછળતાં તેની પાછળ પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી અને કિંમતી ધાતુઓના ભાવ પણ ઝડપી વધી ગયાના વાવડ દરીયાપારથી મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૮૮૬થી ૩૮૮૭ ડોલરવાળા એકધારી તેજી આગળ વધતાં તાજેતરમાં ઉંચામાં ૪૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. સોનાના ભાવ ૨૦૨૬માં ૪૦૦૦ ડોલર થશે એવી આગાહી તાજેતરમાં ઘણા ઈન્વેસ્ટમેન્ટ બેન્કરો દ્વારા કરવામાં આવી હતી પરંતુ ૨૦૨૬ના બદલે ૨૦૨૫માં જ સોનાના ભાવ ૪૦૦૦ ડોલરને આંબી જતાં બધા ચોંકી ગયા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ વધુ ઉછળી ઔંશદીઠ ઉંચામાં ૫૦ ડોલર પાર કર્યા પછી ૫૧ ડોલરની સપાટીને પણ પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૨૨૨૦૦ વાળા વધુ વધી ઉંચામાં તાજેતરમાં રૂ.૧૨૭૨૦૦ બોલાતાં દિવાળી પૂર્વે સોનાના ભાવમાં રૂ.પાંચ હજારની નવી વૃધ્ધિ થયાના નિર્દેશો મળ્યા હતા. અમદાવાદ સોનાના ૯૯૯ના ભાવ રૂ.૧૨૨૫૦૦થી વધી રૂ.૧૨૮૦૦૦ને આંબી ગયા હતા. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧ લાખ ૫૦ હજાર થયા પછી વધુ ઉછળી ઉંચામાં રૂ.૧ લાખ ૭૦ હજાર બોલાઈ જતાં બજારમાં વ્યાપક ચકચાર જાગી હતી. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા રહેતાં આયાતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં વધુ વૃધ્ધિ થતાં ઝવેરીબજારની વિક્રમી તેજીને પીઠબળ મળ્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકામાં સરકારી શટડાઉન લાગુ થતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે પણ સેફહેવન બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ સોનાની ખરીદી ચાલુ રહી હતી. ચીનની સરકારે અમેરીકન ટ્રેઝરી વેંચી સોનું ખરીદવાની નિતી અપનાવતાં તેની અસર પણ સોનાના વિશ્વબજાર પર તાજેતરમાં દેખાઈ હતી. અમેરિકન ડોલરનું પ્રભુત્વ ઘટાડવા ચીનની સરકારે પ્રયત્નો શરૂ કર્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૪૦૫૫થી ૪૦૬૦ ડોલર સુધી ગયા પછી ભાવ નીચા ઉતરી નીચામાં ૩૯૫૮થી ૩૯૫૯ ડોલર સુધી ટ્રેડ થતા પણ તાજેતરમાં દેખાયા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં જે ૫૧.૨૦થી ૫૧.૨૫ ડોલર થઈ ગયા હતા તે ત્યારબાદ નીચામાં ૪૮.૭૫થી ૪૮.૮૦ ડોલર સુધી પણ ઉતર્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના ઉંચામાં રૂ.૧૨૨૧૦૦થી ૧૨૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ ઉંચામાં રૂ.૧૨૨૬૦૦થી ૧૨૨૭૦૦ સુધી ગયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉંચામાં રૂ.૧૫૯૫૦૦થી ૧૫૯૬૦૦ સુધી ગયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવઆ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના વધી ઉંચામાં ૧૬૯૦ ડોલર સુધી પહોંચી ગયા પછી નીચામાં ૧૬૨૪થી ૧૬૨૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૨૬૪થી ૧૨૬૫ ડોલરવાળા ઝડપી વધી ઉંચામાં ભાવ એક તબક્કે ૧૫૦૦ ડોલરની સપાટી વટાવી ઉંચામાં ભાવ ૧૫૦૪થી ૧૫૦૫ ડોલર થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ ભાવ ફરી નીચા ઉતરી નીચામાં ૧૪૦૬થી ૧૪૦૭ ડોલર સુધી ટ્રેડ થતાં દેખાયા હતા. કિંમતી ધાતુઓના પગલે વિશ્વબજારમાં ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. કોપરના વૈશ્વિક ભાવ વધી ટનના ૧૦ હજાર ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૧૧હજાર ડોલર સુધી ઉછળ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રાઝીલે સપ્ટેમ્બરમાં વધુ ૧૫થી ૧૬ ટન સોનાની ખરીદી કરી છે તથા બ્રાઝીલમાં સરકારે પાસે સોનાનું રિઝર્વ વધી હવે ૧૪૫ ટનને આંબી ગયું છે. અમેરિકામાં હવે વ્યાજના દરમાં થનારા વધુ ઘટાડા પર કરન્સી બજારો તથા બુલીયન બજારોની નજર રહી છે. સોનાના ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં આશરે ૫૪થી ૫૫ ટકા જેટલા વધી ગયા છે. સોનાના વૈશ્વિક ભાવ આગળ ઉપર ૪૩૦૦થી ૪૫૦૦ ડોલર થવાની શક્યતા પણ વિશ્વબજારના અમુક તજજ્ઞાો બતાવી રહ્યા હતા. જોકે હાલ તુરત બજાર ઓવરબોટ ઝોનમાં આવી હોવાની ગણતરી પણ બજારમાં ચર્ચાઈ રહી હતી. દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં ઘરઆંગણે તથા વૈશ્વિક સ્તરે ઈન્ફલો વધતું જોવા મળ્યું છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ ઓક્ટોબરમાં આ મહિને ૨૮ તથા ૨૯ તારીખે મળવાની છે તથા આ મિટિંગના વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.


