Get The App

દેશના ઝવેરીબજારોમાં તહેવારો ટાણે તેજી આવતાં મોસમી માગને અસર પડવાની ભીતિ

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
દેશના ઝવેરીબજારોમાં તહેવારો ટાણે તેજી આવતાં મોસમી માગને અસર પડવાની ભીતિ 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- વૈશ્વિક ભાવ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધીઃ સરકારે આયાતકારો માટે ડોલરના દર વધારતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ થયેલી વૃધ્ધિ

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં તહેવારો ટાંણે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઝડપી ઉંચા જતાં જોવા મળ્યા હતા. તહેવારોની મોસમમાં ભાવ ઉંચા જતાં બજારમાં મોસમી માગને અસર પડશે એવી ભીતી વચ્ચે ઝવેરીબજારોમાં અજંપો પણ દેશવ્યાપી ધોરણે દેખાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં સોનાના ભાવ ઝડપી ઉંચા જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી ગઈ છે અને તેની અસર બજાર ભાવ પર તેજીથી જોવા મળી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધારતાં તેના કારણે કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ વૃધ્ધિ થયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૬.૮૦થી વધારી રૂ.૮૮.૬૦ કર્યાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૬૩થી ૩૩૬૪ ડોલર વાળા ૩૪૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૩૪૦૯થી ૩૪૧૦ ડોલર સુધી પહોંચ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાયા પછી ફરી ઘટતાં તેના પગલે વૈશ્વિક સોનાાં ફંડોનું એકટીવ બાઈંગ જોવા મળ્યું હતું. વિશ્વબજારમાં સોનામાં ચીનની સેન્ટ્રલ બેન્કની ખરીદી પણ તાજેતરમાં વધ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં તેજીનો ચમકારો દેખાયો હતો.

અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં  રૂ.૧૦૩૫૦૦ સુધી પહોંચ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૩થી ૪ હજાર વધી ઉંચામાં ભાવ કિલોદીઠ રૂ.૧ લાખ ૧૫ હજારની સપાટી વટાવી ગયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૭.૦૦થી ૩૭.૦૫ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૩૮ ડોલર પાર કરી ૩૮.૩૦થી ૩૮.૩૫ ડોલર સુધી પહોંચ્યા હતા. વૈશ્વિક સ્તરે પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૧૩૦૦ ડોલર વટાવી ઉંચામાં ભાવ ૧૩૫૦ ડોલરની પણ સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના જોકે જે ૧૨૦૦ ડોલર ઉપર ગયા હતા તે ત્યારબાદ ઘટી નીચામાં ૧૧૫૫થી ૧૧૬૦ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ વધી ટનના ૯૭૦૦ ડોલર ઉપર જતાં તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર પણ પોઝીટીવ દેખાઈ હતી. જોકે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટાડા પર રહેતાં તેના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં ઉંચા મથાળે તેજી ધીમી પડયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ જે ઉંચામાં બેરલના ૭૧ ડોલર ઉપર ગયા હતા તે નીચામાં ૬૭ ડોલરની અંદર ઉતરી ૬૬.૨૫થી ૬૬.૩૦ ડોલર સુધી પહોચ્યા હતા. ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા ઉત્પાદન વૃધ્ધિનો નિર્ણય કરાયાના સમાચારની અસર ક્રૂડતેલના ભાવ પર દેખાઈ હતી.

દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા તાજેતરની મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરવાના બદલે જાળવી રાખવાનો નિર્ણય કર્યાના સમાચાર આવ્યા હતા. અમેરિકાના પ્રમુખે વ્યાજના દર ઘટાડવા માટે તાજેતરમાં ફેડરલ રિઝર્વ પર દબાણ વધાર્યું હતું. પરંતુ ફેડરલ રિઝર્વ દ્વારા આ દબાણને અવગણવામાં આવ્યું હતું. જોકે બજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વની હવે પછી સપ્ટેમ્બરમાં મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવી શક્યતા વધી છે. બ્રિટનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજના દર તાજેતરમાં ઘટાડયા હતા જ્યારે ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજના દર વધુ ઘટાડવાના બદલે જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન, ભારત દ્વારા રશિયાનું ક્રૂડતેલ આયાત કરવાના નિર્ણય સામે અમેરિકાના પ્રમુખ રોષે ભરાતાં ભારત માટે અમેરિકાએ આકરી ટેરીફ લાદવાનાં સંકેત આપ્યાના વાવડ વચ્ચે ઘરઆંગણે કરન્સી બજાર તથા બુલીયન બજાર ઉપરાંત વિવિધ વેપાર- ઉદ્યોગ ક્ષેત્રમાં અજંપો વધ્યો હોવાનું એનાલીસ્ટો જણાવી રહ્યા હતા. આ દરમિયાન રશિયા તથા યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામની વાત પણ ચર્ચાતી સંભળાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં સોનામાં ચીનની ખરીદી વધી હોવાના નિર્દેશો મળ્યા હતા. ચીન દ્વારા છેલ્લા સતત નવ મહિનાથી સોનાની ખરીદી વિશ્વબજારમાં કરાતી જોવા મળી છે. જુલાઈ મહિનામાં પણ આવી બાઈંગ ચીન દ્વારા ચાલુ રાખવામાં આવી હતી. ચીને જુલાઈમાં વધુ ૬૦ હજાર ઔંશ સોનાની ખરીદી કરાયાના વાવડ હતા. નવેમ્બરથી ગણતાં જુલાઈ સુધીમાં ચીન દ્વારા વિશ્વબજારમાંથી આશરે ૩૬ ટન સોનું ખરીદવામાં આવ્યું છે. અન્ય દેશોની સેન્ટ્રલ બેન્કોએ પણ સોનાની ખરીદી આ વર્ષે વધારી છે. આના પગલે સોનાના ભાવમાં આ વર્ષે આશરે ૩૦ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચામાં ૩૫૦૦ ડોલર તથા નીચામાં ૩૩૦૦ ડોલર વચ્ચે રહેવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ઉંચામાં રૂ.૧ લાખ ૧૦૦૦ નજીક પહોંચ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૧ લાખ ૧૫ હજારની ઉપર ગયા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધ્યા મથાળેથી ઘટી નીચામાં ૯૮ની સપાટીની અંદર ઉતરતાં તાજેતરમાં સોનામાં ફંડ બાઈંગ વધ્યું હતું. દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવા- જોબલેસ કલેઈમ્સ તાજેતરમાં વધી ૨૨૬૦૦૦ આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં જોબ માર્કેટમાં નબળાઈનો સંકેત મળ્યો હતો. આ પૂર્વે ત્યાં જુલાઈ મહિનાના જોબગ્રોથના આંકડા પણ નબળા આવ્યા હતા. આવા માહોલમાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા બળવત્તર બની છે  અને આની અસર  આગળ  ઉપર સોનાના ભાવ પર પોઝીટીવ પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.