Get The App

ચાંદી પછી હવે સોનાના ભાવ પણ વધુ ઉછળી સવા લાખ રૂપિયા થઈ જવાની પ્રબળ શક્યતા

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદી પછી હવે સોનાના ભાવ પણ વધુ ઉછળી સવા લાખ રૂપિયા થઈ જવાની પ્રબળ શક્યતા 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું એકટીવ બાઈંગઃ ઘરઆંગણે રૂપિયો તૂટતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં થયેલી વૃધ્ધિ

દેના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવતાં સપ્તાહ ઐતિહાસિક બન્યું હતું. વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં નવો તીવ્ર ઉછાળો આવતાં તથા ઘરઆંગણે સરકારે આયાતકારો માટે ડોલરના ભાવ વધારતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી ઉંચી ગઈ હતી અને તેની અસર બજાર ભાવો પર દેખાઈ હતી તથા તેજીનો ચરુ ઉકળતો રહ્યો હતો. આ દરમિયાન, ઈમ્પોર્ટ ડયુટી ગણવા સરકારે બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં પણ સોના- ચાંદી માટે વધારો કરતાં તેના કારણે પણ કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી ગઈ હોવાનું ઝવેરીબજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકારે ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૭.૯૦થી વધારી તાજેતરમાં રૂ.૮૯ કર્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ઉછળી ૧૦ ગ્રામના રૂ.૧ લાખ ૧૦ હજાર નજીક પહોંચી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઉછળી કિલોદીઠ ઉંચામાં રૂ.૧ લાખ ૨૫ હજાર સુધી પહોંચી જતાં બજારના ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ સોનાના વૈશ્વિક ભાવ  ઔંશના ૩૪૪૦થી  ૩૪૫૦ ડોલરથી વધુ ઉછળી ઉંચામાં ૩૫૦૦ ડોલરની રેકોર્ડ  સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૩૫૬૦થી ૩૫૬૫ ડોલર સુધી પહોંચી ગયા હતા. વિશ્વબજારમાં સોનામાં ફંડોની લેવાલી તાજેતરમાં વેગથી વધતાં વધતી બજારે સટ્ટોડીયાઓ પણ બજારમાં જોરશોરથી દાખલ થયા હતા તથા ફોરવર્ડ સોનાના વૈશ્વિક વાયદા બજારમાં શોર્ટ પોઝીશન ઘટી હતી તથા લોંગ પોઝીશન વધી હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. હવે સોનાના વૈશ્વિક બજારના ખેલાડીઓની નજર ૩૬૦૦ ડોલરના ભાવ પર ઠરી છે, એવું બજારના સૂત્રો જણાવી રહ્યા છે. સોનાના વૈશ્વિક ભાવ ઓગસ્ટમાં આશરે ૪.૭૦ ટકા વધી જતાં ઓગસ્ટ મહિનો ચાર મહિનાનો શ્રેષ્ઠ તેજીનો મહિનો ગણાયો હતો અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બરના આરંભમાં પણ સોનામાં તેજીની ચાલ વણથંભી આગળ વધતાં મોટું આશ્ચર્ય સર્જાયું હતું. આવી ઐતિહાસિક તેજી ટૂંકા ગાળામાં જોવા મળશે એવી કલ્પના પણ ન હતી એવું બજારના પીઢ જાણકારો જણાવી રહ્યા હતા. સોનાના વૈશ્વિક ભાવ ઝડપી ઉછળતાં સોનાની ખાણો (માઈન્સ)ની કંપનીઓના શેરોના ભાવ પણ વિશ્વબજારમાં વધી ગયાના નિર્દેશો મળ્યા હતા.

વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધ્યા મથાળેથી ઘટી આવતાં વૈશ્વિક સોનામાં ફંડોની ખરીદી વેગથી વધી હતી. અમેરિકામાં તાજેતરમાં જોબ ઓપનિંગના આંકડા નબળા આવ્યા હતા તથા ત્યાં જોબલેસ કલેઈમ્સ પણ તાજેતરમાં વધ્યાના વાવડ હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા તાજેતરમાં ૮ હજાર વધી ૨ લાખ ૩૭ હજાર આવતાં આવા જોબલેસ કલેઈમ્સ વધી જૂન પછીની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા અને તેના પગલે ત્યાં  હવે આગળ મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દર ઘટાડવામાં આવશે એવી શક્યતા વધતાં ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવ્યો હતો જ્યારે સોનાના ભાવમાં મોટી તેજી આવી હતી એવું વિશ્વબજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

આ દરમિયાન અમેરિકામાં વેપાર ખાધ ટ્રેડ ડેફીસીટ પણ વધી ચાર મહિનાની ટોચે પહોંચી હોવાના સમાચાર આવતાં વૈશ્વિક સોનાની તેજીને નવું કારણ મળ્યું હતું. આવી વેપાર ખાધ ત્યાં વધી ૭૮ અબજ ડોલર પાર કરી ૭૮.૩૦ અબજ ડોલર પાર કરી ૭૮.૩૦ અબજ ડોલર થયાના વાવડ તાજેતરમાં અમેરિકાથી મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં ૯૯ થયા પછી નીચામાં ૯૮ નજીક ઉતર્યો હતો. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં ઉછળી રૂ.૮૮ની સપાટી પાર કરી જતાં રૂપિયો નવા નીચા તળીયે ઉતરી ગયો હતો અને તેના પગલે પણ કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટના સમીકરણો બદલાઈ ગયા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં  સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ ઉછળતા જોવા મળ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૯.૭૦થી ૩૯.૭૫ ડોલરવાળા વધુ ઉછળી પ્રથમ તબક્કે ૪૦ ડોલરની સપાટી પાર કરી વધુ વધી ઉંચામાં ૪૧ ડોલરની સપાટી પણ વટાવી ઉંચામાં ૪૧.૨૦થી ૪૧.૨૫ ડોલર સુધી જોતજોતામાં પહોંચી ગયા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ઔંશના ઉંચામાં ૧૪૦૦ ડોલર ઉપર જતા રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઔંશદીઠ ઉંચામાં ૧૧૦૦ ડોલર પાર કરી ૧૨૦૦ ડોલર નજીક પહોંચ્યા હતા. આના પગલે દેશના ઝવેરીબજારોમાં સોના- ચાંદી ઉપરાંત અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ ઝડપી ઉંચા જતા દેખાયા હતા.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ આગળ ઉપર ૧૬ તથા ૧૭ સપ્ટેમ્બરે યોજવામાં આવનાર છે. આ મિટિંગમાં ત્યાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એ વાત હવે ચોક્કસ જણાઈ રહી છે એવું વિશ્વબજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે ઝવેરીબજારમાં ભાવ રેકોર્ડ ઉંચા મથાળે પહોંચી જતાં બજારમાં આવતી મોસમી માગને પ્રતિકૂળ અસર પડી હોવાનું ઝવેરીબજારના સૂત્રોએ  જણાવ્યું હતું. વ્યાજ દર ઘટાડવા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ફેડરલ રિઝર્વ પર દબાણ પણ વધારવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. સોનાના ભાવ ત્રણ વર્ષ અગાઉ ઘરઆંગણે  ઓગસ્ટ ૨૦૨૨માં ૧૦ ગ્રામના  રૂ.૫૧ હજારથી ૫૧ હજાર ૫૦૦ આસપાસ રહ્યા હતા તે તાજેતરમાં વધી ઉંચામાં રૂ.૧ લાખ ૧ ૦ હજાર નજીક પહોંચી ગયા છે એ જોતાં સોનાના ભાવ ત્રણ વર્ષમાં બમણાથી પણ વધુ વધી ગયા હોવાનું બજારના પીઢ જાણકારો જણાવી રહ્યા હતા. આ જાણકારોના જણાવ્યા મુજબ હવે પછી આવનારા ત્રણ વર્ષમાં ૨૦૨૮ સુધીમાં સોનાના ભાવ વધી ઉંચામાં રૂ.બે  લાખ સુધી પહોંચી જાય તો નવાઈ નહિં! અમેરિકામાં ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા ટ્રમ્પના કારણે જોખમમાં મુકાતાં વૈશ્વિક સ્તરે ઈન્વેસ્ટરો ટ્રેઝરી વેંચી સોનું ખરીદવા તરફ વળી રહ્યાના સંકેતો જોતાં વૈશ્વિક સોનાના ભાવ ઉંચામાં પાંચ હજાર ડોલર સુધી પહોંચી જવાની શક્યતા તાજેતરમાં ગોલ્ડમેન સેક દ્વારા બતાવવામાં આવતાં વિશ્વબજારમાં ખાસ્સી ચકચાર જાગી છે. આ વર્ષના અંત સુધીમાં વૈશ્વિક સોનાના ભાવ વધી ૩૮૦૦ ડોલર તથા આગામી વર્ષે ૨૦૨૬માં વધુ વધી ૪૦૦૦ ડોલર સુધી પહોંચી જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.