Get The App

સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા ડોલર ઈન્ડેક્સ પાછળ વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા ડોલર ઈન્ડેક્સ પાછળ વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ 1 - image


- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- અમેરિકામાં નોન- ફાર્મ પેરોલ્સના જોબગ્રોથના ડેટા સારા આવતાં હવે વ્યાજ દરમાં ઘટાડો પાછો ઠેલાવાની શક્યતા

દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધી ગયાના સમાચાર હતા. વિશ્વબજારમાં ભાવ ઉંચા જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં કિંમતી ધાતુઓના ભાવ ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર જે તાજેતરમાં ઘટી નીચામાં રૂ.૯૫૩૦૦થી ૯૫૬૦૦ આસપાસ ઉતરી ગયા હતા તે ફરી ઉછળી ઉંચામાં રૂ.૯૭ હજારની સપાટી પાર કરી રૂ.૯૭૪૦૦થી ૯૭૫૦૦ સુધી બોલાતા થયા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ પણ જીએસટી વગર કિલોના રૂ.૧૦૬૦૦૦ની અંદર જતા રહ્યા હતા તે ફરી વધી રૂ.૧૦૭૦૦ની નજીક બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના જે ઘટી તાજેતરમાં નીચામાં ૩૩૦૦ ડોલરની અંદર ઉતરી ૩૨૫૫થી ૩૨૬૦ ડોલર સુધી ઉતરી ગયા હતા તે ફરી બાઉન્સ બેક થઈ ૩૩૦૦ ડોલરની સપાટી પાર કરી ૩૩૫૦ ડોલર નજીક  પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના જે તાજેતરમાં ઘટી નીચામાં ૩૬ ડોલરની અંદર ઉતરી ૩૫.૭૫થી ૩૫.૮૦ ડોલર સુધી ગયા તે ફરી ઉંચકાઈ ૩૬ ડોલરની ઉપર બોલાતા થયા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે આયાત પડતર ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ તાજેતરમાં ઘટી નીચામાં ૯૭ની અંદર ઉતરી ગયો હતો અને ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ઘટયા મથાળે ફંડો ફરી ગોલ્ડ ખરીદવા બજારમાં દાખલ થયાના નિર્દેશો મળ્યા હતા. સોનાના ભાવ વધતાં તેની પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવ પણ વધી આવ્યા હતા. દરમિયાન, વૈશ્વિક સ્તરે પ્લેટીમના ભાવ પણ ફરી વધી ઔંશના ૧૪૦૦ ડોલર નજીક પહોંચ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઔંશના ફરી ૧૧૦૦ ડોલર પાર કરી ૧૧૫૦ ડોલર નજીક પહોંચ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ ઉંચકાતાં તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી જ્યારે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધી બ્રેન્ટ ક્રૂડના ફરી ૬૮ ડોલરનો આંબી ગયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલી ટેક્સ રાહતની તથા સ્પેન્ડીંગ વિષયક દરખાસ્તને મંજૂરી મળ્યાના સમાચાર મળ્યા હતા.

વિશ્વબજારમાં જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સોનામાં ઉંચામાં ૩૩૫૦ ડોલરની સપાટી મહત્ત્વની ગણાય છે. આ સપાટી ઉપર ભાવ ૩૩૭૫થી ૩૪૦૦ ડોલર સુધી જવાની શક્યતા છે જ્યારે નીચામાં ૩૩૧૫ ડોલરની સપાટી રસાકસીની મનાય છે તથા એ સપાટી તૂટશે તો સોનાના વૈશ્વિક ભાવ વધુ નીચા ઉતરી ૩૨૯૦ તથા ૩૨૭૦ ડોલર સુધી જવાની શક્યતા વિશ્વબજારમાં  ચર્ચાતી સંભળાઈ છે. ઘરઆંગણે ચોમાસાની મોસમ શરૂ થતાં ઝવેરીબજારોમાં નવી માગ ધીમી પડી ગઈ છે તથા હવે પછી તહેવારોની માગ શરૂ થવાને હજી સમય છે એ જોતાં આ ગાળામાં સોનાના ભાવની વધઘટ વિશ્વબજાર પાછળ થતી રહેશે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વરસાદ સારો થશે તો કૃષી ક્ષેત્રમાં રાહત થશે અને આમ થશે તો આગામી તહેવારોમાં દેશના ઝવેરીબજારોમાં ગ્રામિણ ક્ષેત્રની માગ સારી રહેવાની આશા છે. જોકે કિંમતી ધાતુઓના ભાવ તાજેતરમાં ટૂંકા ગાળામાં ખાસ્સા ઉપર ગયા છે એ જોતાં ઉંચા ભાવના કારણે માગ પર અસર પડી છે. હવે ઘણા લોકો હલકા વજનના તથા ઓછા કેરેટના સોના તરફ પણ વળી રહ્યાના સંકેતો મળ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં તાજેતરમાં બેતરફી વધઘટ જોવા મળી હતી અને તેની અસર પણ ઝવેરીબજાર પર દેખાઈ હતી.

અમેરિકામાં હવે પછી વ્યાજના દરમાં ઘટાડો ક્યારે કરવામાં આવે છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી. અમેરિકાના ફેડરલ રિઝર્વના અધ્યક્ષના જણાવ્યા મુજબ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ નિતીના કારણે ફુગાવો વધ્યો છે અને તેના પગલે ત્યાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરતા પૂર્વે થોભો અને રાહ જુઓની નિતી અપનાવવી જરૂરી છે. જોકે પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા મુજબ અમેરિકામાં વ્યાજના દરમાં વહેલી તકે ઘટાડો કરવો જરૂરી છે. અમેરિકામાં પ્રમુખ તથા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરની અસર પણ વિશ્વબજારમાં સોનાના ભાવ પર તથા ડોલરના ભાવ પર જોવા મળી હતી. જોકે ઈરાન તથા ઈઝરાયેલનું યુધ્ધ હવે સમાપ્ત થયું છે પરંતુ યુનાઈટેડ નેશન્સની ટીમને ઈરાને પોતાના દેશમાં ન્યુકલીયર વિશેના વિસ્તારોને તપાસવાની મંજૂરી આપી નથી અને તેના પગલે આ પ્રશ્ને બજારોમાં ફરી વૈશ્વિક સ્તરે અજંપો વધ્યો હોવાના વાવડ પણ મળ્યા હતા. ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ૧૫ દિવસમાં આશરે સાત જવેલરી- શો યોજવામાં આવનાર છે એવું જાણકારોએ જણાવ્યું હતું. આવા જવેલરી- શોને કેવો પ્રતિસાદ મળે છે તેના પર પણ બજારની નજર હવે પછી રહેશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં  મશીન મારફત બનતા દાગીનાઓનું ચલણ વધતાં દાગીના ઘડતા કારીગરોનું ભવિષ્ય આગળ ઉપર કેવું હશે એ વિશે પણ બજારમાં તાજેતરમાં ચર્ચા સંભળાઈ હતી.

Tags :