Get The App

સોનામાં ઉંચામાં ભાવ રૂ.122,000 નજીક પહોંચી ગયાઃ નવી માંગ ધીમી પડીઃ ઈટીએફમાં રોકાણ વધ્યાના નિર્દેશો

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
સોનામાં ઉંચામાં ભાવ રૂ.122,000 નજીક પહોંચી ગયાઃ નવી માંગ ધીમી પડીઃ ઈટીએફમાં રોકાણ વધ્યાના નિર્દેશો 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- ચાંદી દોઢ લાખ નજીકઃ હવે દિવાળીના તહેવારો પર બજારની નજરઃ વિશ્વબજાર વધ્યા પછી ઘટયાના સંકેતો

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં બજારમાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વબજારમાં ઐતિહાસિક તેજી આગળ વધતાં તથા ઘરઆંગણે સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધારતાં દેશાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોેસ્ટ વધુ ઉંચી ગઈ છે. ઉપરાંત ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ ડોલરના કારણે વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આના પગલે દેશના ઝવેરીબજારોમાં તેજીનો ચરુ ઉકળતો રહ્યો હતો. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૭૯૦૦થી વધુ ઉછળી રૂ.૧૨૧૪૦૦ બોલાયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૧૮૨૦૦ વાળા વધી રૂ.૧૨૧૭૦૦ને આંબી જતાં બજારના ખેલાડીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. સોના પાછળ ચાંદીના ભાવમાં પણ રેકોર્ડ તેજી આગળ વધી હતી. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૪૫૦૦ વાળા વધુ વધી રૂ.૧૪૮૫૦૦ બોલાઈ ગયા હતા તથા ચાંદીમાં દોઢ લાખ રૂપિયાનો ભાવ એકદમ નજીક આવી જતાં બજારમાં ખાસ્સી ચકચાર જાગી હતી.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૩૭૫૯થી ૩૭૬૦ ડોલર વાળા વધુ વધી ઉંચામાં ભાવ ૩૮૦૦ ડોલરની સપાટી કુદાવી ભાવ ૩૯૦૦ની નજીક ૩૮૯૫ ડોલર સુધી પહોંચી ગયાના વાવડ મળ્યા હતા. જોકે ત્યારબાદ વૈશ્વિક સોનાના ભાવ ઉંચા મથાળેથી પ્રત્યાઘાતી પીછેહટ વચ્ચે નીચામાં ૩૮૫૧થી ૩૮૫૨ ડોલર સુધી ટ્રેડ થતા પણ જોવા મળ્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૪૬.૦૮થી ૪૬.૦૯ ડોલરવાળા વધી ઉંચામાં ૪૭ ડોલરની સપાટી વટાવી ભાવ ૪૭.૬૦થી ૪૭.૬૫ ડોલર સુધી જતા રહ્યા હતા અને ત્યારબાદ ટોચ પરથી પ્રત્યાઘાતી પીછેહટ વચ્ચે ચાંદીના વૈશ્વિક ભાવ ફરી ઘટી ૪૭ ડોલરની સપાટીની અંદર ઉતરી નીચામાં ભાવ ૪૬.૮૭થી ૪૬.૮૮ ડોલર સુધી તાજેતરમાં જોવા મળ્યા હતા. ઘરઆંગણે તહેવારોની મોસમમાં તાજેતરમાં નવરાત્રી તથા દશેરાના તહેવારો પૂરણ થયા છે અને હવે ઝવેરીબજારોના ખેલાડીઓની નજર દિવાળીના તહેવારો પર રહી છે. ઝવેરીબજારોમાં રેકોર્ડબ્રેક ભાવોના પગલે જોકે તાજેતરમાં તહેવારોની મોસમી માગ પર અસર પડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. ઝવેરીબજારોમાં ચહલપહલ ધીમી પડી ગઈ છે તથા ગ્રાહકો હવે ઓછા વજનના તથા ઓછા કેરેટના સોનાની પૂછપરછ કરતા પણ જોવા મળ્યા હતા. આવા માહોલમાં હવે દિવાળીમાં પણ બજારમાં મોસમી માગ પર અસર પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે દિવાળી પૂર્વેના દિવસોમાં સોના- ચાંદીના ભાવ જો ટોચ પરથી નોંધપાત્ર નીચા આવશે તો બજારમાં તહેવારોની માગ વધુ આવવાની આશા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. દરમિયાન, મુંબઈ ઝવેરીબજારોમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૧૩૪૦૦થી વધી રૂ.૧૧૭૧૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૧૩૮૫૦ થી વધી રૂ.૧૧૭૫૫૦ બોલાયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૪૨૦૦૦થી વધી રૂ.૧૪૬૦૦૦ સુધી ઉછળ્યા હતા. મુંબઈ બજારમાં સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવનથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન મુંબઈ બજારમાં સોનાના ભાવ ગયા વર્ષે દશેરા ટાંણે રૂ.૭૬૩૦૦થી ૭૬૪૦૦ રહ્યા હતા તથા બજારમાં એક જ વર્ષમાં સોનાના ભાવ મુંબઈ બજારમાં આશરે ૧૦ ગ્રામના રૂ.૪૦થી ૪૧ હજાર વધી જતાં આવી ઝડપી તેજી આ પૂર્વે ક્યારેય જોવા મળી નથી એવું બજારના પીઢ અનુભવી ઝવેરીઓએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ બજારમાં ૨૦૨૩માં દશેરા વખતે સોનાના ભાવ રૂ.૬૦૬૦૦થી ૬૦૭૦૦ રહ્યા હતા જ્યારે એ પૂર્વે ૨૦૨૨માં દશેરા વખતે સોનાના ભાવ રૂ.૫૦૮૦૦થી ૫૦૯૦૦ રહ્યા હતા.

દરમિયાન, સરકારે તાજેતરમાં ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૮.૮૫થી વધારી રૂ.૮૯.૭૦ કર્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં અમેરિકામાં સરકારી ખર્ચાઓ માટે સ્પેન્ડીંગનું ભંડોળ છૂટું કરવાની બાબતમાં શાસક પક્ષ તથા વિરોધ પક્ષ વચ્ચે તાજેતરમાં મડાગાંઠ સર્જાતાં અમેરિકામાં શટડાઉનની સ્થિતિ જોવા મળી હતી. ત્યાં આ પૂર્વે આવું સરકારી શટડાઉન ૨૦૧૮માં જોવા મળ્યું હતું. અમેરિકામાં તાજેતરમાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના ડેટા પણ નબળા આવ્યા હતા. દરમિયાન, અમેરિકામાં શટડાઉનના પગલે જોબલેસ કલેઈમ્સના આંકડા બહાર પડવામાં વિલંબ થયાના વાવડ પણ મળ્યા હતા.

વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૫૦ આસપાસ થયા પછી ઉંચામાં આ ઈન્ડેક્સ  ૯૮.૧૨થી  ૯૮.૧૩ થઈ ૯૭.૮૫થી  ૯૭.૮૬ આસપાસ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ આંચકા પચાવી ફરી ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી વધતી પણ જોવા મળી હતી.

દરમિયાન, દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટડી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં પણ સરકારે તાજેતરમાં ફેરફારો કર્યાના સમાચાર મળ્યા હતા. આવી ટેરીફ વેલ્યુ સોના માટે ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૧૨૩૧ ડોલર કરવામાં આવી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૧૫૧૫ ડોલર કરવામાં આવી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોના- ચાંદી પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ ઉછળતા જોવા મળ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૧૬૦૦ ડોલરની નજીક ૧૫૯૦થી ૧૫૯૫ ડોલર સુધી પહોંચી ગયા હતા જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંશના વધી ઉંચામાં ૧૩૦૦ ડોલર નજીક પહોંચી ૧૨૮૪થી ૧૨૮૫ ડોલર સુધી તાજેતરમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. જોકે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી અને તેના કારણે વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે સાવચેતીનો સૂર પણ સંભળાયો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી નીચામાં બેરલના ૬૪ ડોલર નજીક ઉતરી ગયા હતા. વિશ્વબજારમાં ક્રૂડમાં માગ સામે સપ્લાય ઉંચી જઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ તાજેતરમાં નવી ટોચે જ્યારે ચાંદીના ભાવ ૧૪ વર્ષની ટોચે પહોંચ્યા હતા. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૫૦ ડોલર સુધી પહોંચ્યા હતા. ૧૯૮૦માં પણ ભાવ ૫૦ ડોલર થયા હતા પરંતુ એ વખતે રૂપિયા સામે ડોલરના ભાવ હાલના ભાવ કરતાં ખાસ્સા નીચા રહ્યા હતા અને આ વખતે ડોલર ઉંચો હોતાં તથા વૈશ્વિક ચાંદી પણ ઉંચી જતાં દેશના બજારોમાં ચાંદીનો ભાવ દોઢ લાખ નજીક પ્રથમ વાર પહોંચ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ગોલ્ડ ઈટીએફના રોકાણના સંદર્ભમાં ભારતનું સ્થાન વધી સાતમા ક્રમાંકે પહોંચી ગયું હોવાના સમાચાર પણ મળ્યા હતા.