- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- ચાંદીમાં જોકે ઝડપી ઘટાડોઃ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશોઃ ટેરીફ વેલ્યુ ઘટતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. સોનાના ભાવ એક તબક્કે ઘટાડા પર રહ્યા પછી ફરી વધી આવ્યા હતા. જોકે ચાંદીના ભાવમાં આ દરમિયાન ખાસ્સી પીછેહટ દેખાઈ હતી. વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૦ની સપાટીને આંબી જતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી. જોકે ઘરઆગણે કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૮ નજીક પહોંચી જતાં દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોનાના ભાવ આરંભમાં વિશ્વબજાર પાછળ ઘટયા પછી કરન્સી બજાર પાછળ સોનાના ભાવ ફરી ઉંચા જતાં જોવા મળ્યા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર નીચામાં રૂ.૯૮ હજારની અંદર ઉતર્યા પછી ફરી વધી રૂ.૯૮ હજારની સપાટી ફરી વટાવી ગયા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૩૩૫૦ ડોલર ઉપર ગયા પછી ગબડી નીચામાં ૩૩૦૦ની અંદર ઉતરી ગયા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઉંચામાં ઔંશના ૩૯ ડોલર નજીક પહોંચ્યા પછી ઝડપી તૂટી નીચામાં ૩૭ ડોલરની અંદર ઉતરી ૩૬.૨૫થી ૩૬.૩૦ ડોલર સુધી પહોંચ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ઉંચામાં રૂ.૧ લાખ ૧૫ હજાર સુધી પહોંચી ગયા પછી ભાવ તૂટી નીચામાં રૂ.૧ લાખ ૧૦ હજારની અંદર ઉતર્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં ચાંદીના ભાવ રૂ.૧ લાખ ૧૧ હજાર આસપાસ તથા સોનાના ભાવ રૂ.૧ લાખ ૧૦૦૦થી ૧ લાખ ૧૫૦૦ આસપાસ રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૧૪૦૦ ડોલર થયા પછી નીચામાં ૧૩૦૦ ડોલરની અંદર ઉતર્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૦૦ ડોલર આસપાસ રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં મળેલી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દર ઘટાડવાના બદલે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. જોકે ફેડરલ રિઝર્વની કમિટિના બે સભ્યો અને વ્યાજના દરમાં પા ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી પરંતુ બહુમતી મેમ્બરોએ વ્યાજના દર જાળવી રાખવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં જીડીપીના આંકડા અપેક્ષાથી સારા આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. ત્યાં લેબર માર્કેટ, કન્ઝયુમર એકટીવીટીના આંકડા પણ એકંદરે સારા રહ્યા છે. આના પગલે ફેડરલ રિઝર્વ દ્વારા ત્યાં તાજેતરની મિટિંગમાં વ્યાજના દર ઘટાડવાના બદલે જાળવી રાખવાનું ક્કી કર્યાના વાવડ મળ્યા હતા. જોકે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વ્યાજના દર ઘટાડવા માટે હાકલ કરી હતી પરંતુ આ હાકલને અવગણીને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવાના બદલે વ્યાજના દર ફેરફાર વિના જાળવી રાખવાનું નક્કી કર્યું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. હવે પછી ત્યાં સપ્ટેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે કે નહિં એ વિશે તર્ક વિતર્કો અત્યારથી જ શરૂ થઈ ગયા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ નિતિના પગલે અમેરિકામાં હવે પછી ફુગાવો વધે છે કે નહિં એના પર ફેડરલ રિઝર્વની નજર રહી છે અને આના આધારે આગળ ઉપર ત્યાં વ્યાજના દરમાં ઘટાડો કરવો કે નહિં એનો નિર્ણય કરવામાં આવશે એવું વિશ્વબજારના એનાલીસ્ટો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમેરિકાએ જાપાન તથા યુરોપના દેશો સાથે ટ્રેડ કરાર તાજેતરમાં કર્યા છે તથા અમેરિકા અને અન્ય દેશો વચ્ચે આવા થનારા વેપાર કરારો પર પણ બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, અમેરિકાના ફેડરલ રિઝર્વની મિટિંગ તાજેતરમાં બુધવારે સમાપ્ત થઈ હતી અને એ દિવસે વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચો ગયો હતો તથા સોનાના વૈશ્વિક ભાવ નીચા ગયા હતા. દરમિયાન ચીનના ગોલ્ડ ઈટીએફમાંથી તાજેતરમાં આઉટફલો વધ્યાના વાવડ પણ મળ્યા હતા. ત્યાં સોનાના ઈન્વેસ્ટરો ગોલ્ડ ઈટીએફમાંથી નિકળી શેરબજાર તરફ વળ્યાની પણ ચર્ચા હતી. એશિયન લીસ્ટેડ ગોલ્ડ ઈટીએફમાં ગોલ્ડનું પ્રમાણ તાજેતરમાં મધ્ય- જુલાઈમાં વધી ૩૨૪થી ૩૨૫ ટન નોંધાયું હતું તે ત્યારબાદ ચીનના વિથડ્રોવલના પગલે ઘટી નીચામાં ૩૧૭ ટન સુધી ઉતર્યું હતું. અમેરિકામાં વિશ્વના સૌથી મોટા ગણાતા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆરમાં સોનાનું હોલ્ડીંગ જે તાજેતરમાં વધી ઉંચામાં ત્રણ મહિનાની ટોચે ૯૫૫થી ૯૬૦ ટન સુધી પહોંચ્યું હતું. તેમાં ત્યારબાદ પીછેહટ દેખાઈ હતી.
દરમિયાન, ફિડેલીટી ઈન્ટરનેશનલના એનાલીસ્ટોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દર ઘટશે તથા ડોલર ઈન્ડેક્સ નીચો ઉતરશે ત્યારે વૈશ્વિક સોનાના ભાવ ઉછળી ઉંચામાં ઔંશદીઠ ૪૦૦૦ ડોલર ઉપર જવાની શક્યતા જણાય છે. આ વર્ષે એપ્રિલમાં સોનાના ભાવ ઉંચામાં ૩૫૦૦ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચી ગયા પછી પ્રત્યાઘાતી ઘટતા જોવા મળ્યા હતા. વૈશ્વિક સ્તરે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો ગોલ્ડની ખરીદી કરતી તાજેતરમાં જોવા મળી હતી. અમેરિકાની ટેરીફ નિતીના પગલે અમેરિકામાં રેવેન્યુની આવક સરકારને વધી હોવાના સમાચાર પણ તાજેતરમાં મળ્યા હતા. સોનાના ભાવ આગળ ઉપર ઉંચા જવાની શક્યતા ગોલ્ડમેન સેક દ્વારા બતાવાઈ હતી જ્યારે સીટી ગુ્રપે સાવચેતીનો સૂર પણ દર્શાવ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, વૈશ્વિક સ્તરે બુલીયન વોલ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૫ના વર્તમાન વર્ષના અંત સુધીમાં ચાંદીના વૈશ્વિક ભાવ વધી ઔંશના ઉંચામાં ૪૧ ડોલર સુધી તથા સોનાના ભાવ ઉંચામાં ઔંશના ૩૬૮૦ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.


