સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદઃ વહેલા ચોમાસા પછી હવે ગ્રામીણ માંગ વધવાની આશા જાગી
- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- હવે ચોમાસાની પ્રગતિ સારી થશે તો વરસાદ પછીના તહેવારોમાં કૃષિ ક્ષેત્ર તરફથી બજારમાં આવતી માગ સારી રહેવાની શક્યતા
દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. વિતેલા સપ્તાહના આરંભીક દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહટ દેખાઈ હતી પરંતુ ત્યારબાદ બજાર ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી અને ઘરઆંગણાના ઝવેરીબજારો વૈશ્વિક ચડઉતરને અનુસરતા જોવા મળ્યા હતા. દરમિયાન, દેશમાં આ વર્ષે મોનસુનનું આગમન વહેલું થયું છે અને તેના પગલે ગ્રામિણ તથા કૃષી વિસ્તારોમાં રાહત તથા આનંદની લાગણી જોવા મળી હતી. હવે આગળ ઉપર વરસાદની પ્રગતી કેવી થાય છે તેના પર બજારની નજર રહી છે. જો આગળ ઉપર દેશમાં એકંદરે વરસાદ સારો થશે તો ચોમાસા પછી આવનારી તહેવારોની મોસમમાં દેશના ઝવેરી બજારોમાં ખાસ કરીને કૃષી ક્ષેત્રે સંકળાયેલા વર્ગની તથા ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત વર્ગની માગ વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જોકે કિંમતી ધાતુઓના ભાવ એકંદરે નોંધપાત્ર ઉંચા તથા રેકોર્ડ સપાટીએ રહેતાં આ વર્ષે હવે પછી ઝવેરી બજારોમાં નવી માગ અપેક્ષાથી ધીમી રહેવાની ગણતરી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના એક તબક્કે રૂ.૯૯ હજારની અંદર ઉતર્યા પછી ફરી ઉંચકાઈ રૂ.૯૯ હજારની ઉપર બોલાતા જોવા મળ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઘટી રૂ.૯૬ હજાર થયા પછી ફરી વધી રૂ.૯૮ હજારને આંબી ગયા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના એક તબક્કે ઘટી ૩૩૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા પરંતુ ત્યારબાદ આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાઈ ૩૩૦૦ ડોલરની ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. એકંદરે વિશ્વબજારમાં સોનાના ભાવ નીચામાં ૩૨૨૫થી ૩૨૫૦ તથા ઉંચામાં ૩૩૦૦થી ૩૩૨૫ ડોલર વચ્ચે ફરતા રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ચાંદીના ભાવ પણ સોના પાછળ બેતરફી ઉછળકુદ બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૩૩ ડોલરની અંદર ગયા પછી ફરી ૩૩ ડોલરની ઉપર ગયાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૩૨.૫૦ તથા ઉંચામાં ૩૩.૫૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં તથા બોન્ડ યીલ્ડમાં બેતરફી વધઘટની ચાલ જોવા મળી છે અને વૈશ્વિક સોનાના ભાવ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સને અનુસરતા જોવા મળ્યા હતા. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટે છે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતું હોય છે અને જ્યારે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાય છે ત્યારે સોનામાં ફંડોનું સેલીંગ શરૂ થતું હોય છે.
વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં સરકારના માથે દેવું વધી જતાં મુડીઝ રેટીંગ એજન્સીએ અમેરિકાનું રેટીંગ ડાઉનગ્રેડ કર્યાના સમાચારના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ પર તેની અસર દેખાઈ છે. રશિયા તથા યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામ માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે પરંતુ તેને ધારી સફળતા મળી નથી અને રશિયા તથા યુક્રેન વચ્ચે છાશવારે છમકલાઓ થતા રહ્યા છે. ઈઝરાયલ તથા ગાઝાપટ્ટી વચ્ચે તંગદીલી વધી છે ઉપરાંત ઈઝરાયલે ઈરાનને પણ ચેતવણી આપી છે. આમ વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં તંગ વાતાવરણ જોવા મળ્યું છે અને તેના પગલે સોનામાં દરેક ઘટાડે બજારને સપોર્ટ મળતો જોવા મળ્યો છે. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચાર મળ્યા હતા અને તેની પણ સોનાના ભાવ પર પોઝીટીવ ઈમ્પેક્ટ દેખાઈ હોવાનું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની રેસી પ્રોકલ ટેરીફની નિતીના વિરુધ્ધમાં ત્યાંની કોર્ટે સંકેત આપ્યો છે અને આના પગલે વિશ્વના વિવિધ બજારોમાં ખાસ્સી ઉછળકુદ ભાવમાં જોવા મળી છે. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી તૂટયા હતા. ક્રૂડતેલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના સૂત્રોએ ઉત્પાદન વધારવાના સંકેતો આપ્યા છે.
અમેરિકાના આર્થિક વિકાસમાં તથા અર્થતંત્રમાં પીછેહટ દેખાઈ છે. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બેરલના ઉંચામાં બ્રેન્ટના ૬૬ ડોલર ઉપર ગયા પછી ઘટી ૬૪ ડોલરની અંદર ઉતર્યાના વાવડ મળ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૧૧૦૦ ડોલર ઉપર ગયા પછી ઘટયા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ઔંશના ૧૦૦૦ ડોલર ઉપર ગયા પછી નીચે ઉતર્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવમાં પણ બેતરફી ચાલ દેખાઈ હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૦ની ઉપર જઈ ૧૦૦.૫૦થી ૧૦૦.૫૫ સુધી પહોંચ્યા પછી ઘટી ફરી ૧૦૦ની અંદર ઉતરી ૯૨.૪૦થી ૯૯.૪૫ આસપાસ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વૈશ્વિક સોનામાં વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની નવી ખરીદી હાલ તુરત ધીમી પડી છે. વૈશ્વિક સોનામાં ઉંચામાં ૩૩૨૦ પછી ૩૩૪૫થી ૩૩૬૫ ડોલરના ભાવ આસપાસ પ્રતિકાર આવી રહ્યો છે જ્યારે નીચામાં ૩૨૭૫ નીચે ભાવ ૩૨૪૦થી ૩૨૨૦ ડોલર સુધી ઉતરવાની શક્યતા બજારના એનાલીસ્ટો બતાવી રહ્યા હતા.
હાલ તુરત વૈશ્વિક સ્તરે તેમજ ભારતના બજારોમાં સોનાના ભાવમાં બેતરફી વધઘટ વચ્ચે બજાર અથડાતી રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.