સોના- ચાંદીમાં રેકોર્ડ તેજીની આગેકૂચ : ઊંચા ભાવથી તહેવારોની માંગ પર પડેલી અસર
- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમ, કોપર તથા ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલી ઊછળકુદઃ ડોલરની ચાલ પર હવે ખેલાડીઓની નજર
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં શરૂ થયેલી તહેવારોની મોસમ છતાં નવી માગ અપેક્ષાથી ધીમી રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. જોકે વિશ્વબજારમાં તાજેતરમાં સોના- ચાંદીના ભાવ ઉંચકાતાં અને રેકોર્ડ નવી ઊંચાઈએ પહોંચતા ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી જતાં દેશના ઝવેરીબજારોમાં ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૭૧થી ૩૩૭૨ ડોલરવાળા ઉંચામાં ભાવ ૩૪૧૫થી ૩૪૨૦ ડોલરરહ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના ઈન્ડેક્સમાં તાજેતરમાં જોવા મળેલી બેતરફી વધઘટના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં પણ બેતરફી ચાલ તાજેતરમાં દેખાઈ હતી. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં ૯૯ તથા નીચામાં ૯૮ની સપાટી વચ્ચે અથડાતો જોવા મળ્યો હતો. દરમિયાન, વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચો ગયો હતો ત્યારે વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી આવી હતી તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચો ઉતરતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી ગોલ્ડ ખરીદવા બજારમાં દાખલ થતા દેખાયા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧,૦૫,૫૦૦ વિક્રમી સપાટીએ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧,૧૮,૦૦૦ની વિક્રમી સપાટીને આંબી ગયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ઊંચામાં શુક્રવારે ૩૯.૧૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧ લાખ ૨૩૦૦ આસપાસ તથા ૯૯૯ના રૂ.૧ લાખ ૨૭૦૦ આસપાસ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧,૧૭,૬૦૦રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત સામે આકરી ટેરીફ લાદવામાં આવતાં ભારતના બજારોમાં તાજેતરમાં અજંપો વધ્યો હતો. મુંબઈ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
રૂપિયો તૂટતાં ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૮.૩૨ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. રૂપિયો તૂટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ સોના- ચાંદીમાં બજાર ભાવ નીચા રહેતાં ડિસ્કાઉન્ટની સ્થિતિ પણ જોવા મળી હતી.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૦૦થી ૧૪૦૦ ડોલર વચ્ચે તથા પેલેડીયમના ભાવ ૧૦૯૦થી ૧૧૫૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં પણ બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ બેતરફી ચાલ જોવા મળી હતી. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડતેલના ભાવ બેરલના ૬૭થી ૬૮ ડોલર વચ્ચે તથા યુએસ ક્રુડના ભાવ ૬૩થી ૬૪ ડોલર વચ્ચે રહ્યાના નિર્દેશો મળ્યા હતા. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ તથા ફેડરલ રિઝર્વ વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યાના સમાચાર મળ્યા હતા. ટ્રમ્પે અમેરિકાના ફેડરલ રિઝર્વના ગવર્નરને અમુક કારણસર બરતરફ કર્યાના સમાચાર પણ આવ્યા હતા. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવો જરૂરી હોવાનું ટ્રમ્પ ઘણા સમયથી જણાવી રહ્યા હતા. જોકે હવે અમેરિકામાં સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવા સંકેતો વહેતા થયા છે. ત્યાં વ્યાજના દર ઘટશે તો વિશ્વબજારમાં ડોલરના ભાવ ઘટશે અને વૈશ્વિક સોનાના ભાવ વધશે એવી ગણતરી વિશ્વબજારના તજજ્ઞાો બતાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે ટેરીફ નિતી વિશે હવે પછી અમેરિકાના પ્રમુખ કેવો અભિગમ બતાવે છે તેના પર વિશ્વના બજારોની નજર રહી હતી. રશિયા તથા યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામ માટે તાજેતરમાં ટ્રમ્પ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તથા રશિયા, અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગો પણ યોજવામાં આવી હતી. જોકે આ પ્રયત્નો છતાં યુધ્ધના છમકલા ચાલુ રહ્યાના સમાચાર વિશ્વબજારમાંથી મળ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ ૧૭ સપ્ટેમ્બરે મળવાની છે તથા આ મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતાની ટકાવારી તાજેતરમાં વધી ૮૭ ટકા થયાના સમાચાર વિશ્વબજારમાંથી મળ્યા હતા. દરમિયાન, રશિયામાંથી ક્રૂડતેલની નિકાસ તાજેતરમાં ઘટયાના સમાચાર મળ્યા હતા. રશિયામાં ક્રૂડતેલની પાઈપલાઈનો પર ડ્રોન હુમલો થયાના વાવડ મળ્યા હતા. રશિયાથી આવી નિકાસમાં તાજેતરમાં દૈનિક ધોરણે ૩ લાખ ૨૦ હજાર બેરલ્સનો ઘટાડો થયાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં આવતો રશિયન ક્રૂડનો પુરવઠો તાજેતરમાં ઘટી ચાર સપ્તાહના તળીયે ઉતર્યો હતો. ભારતમાં સરકાર જીએસટીના માળખામાં ફેરફારો કરનાર હોવાના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. આ દિશામાં હવે ભારત સરકાર આગળ ઉપર કેવી જાહેરાત કરે છે તેના પર પણ દેશના બજારોની નજર રહી હતી.