એરાઉન્ડ ધ માર્કેટ .
આઈસ્ક્રીમ બિઝનેસના ડિમર્જર માટે HULને મંજૂરી
હિન્દુસ્તાન યુનિલિવરને કંપનીના આઈસ્ક્રીમ વ્યવસાયના વિભાજન માટે બીએસઈ અને એનએસઈ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ દિગ્ગજ કંપનીના આઈસ્ક્રીમ વ્યવસાયમાં ક્વાલિટી વોલ્સ, કોર્નેટ્ટો અને મેગ્નમ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે અને આ ડિમર્જરથી એક નવી એન્ટિટી - ક્વાલિટી વોલ્સ (ઈન્ડિયા) લિમિટેડની રચના થશે. નિયમનકારી ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ કંપની બોર્ડ દ્વારા ડિમર્જરને મંજૂરી આપવાના નિર્ણય અંગેના પત્રના સંદર્ભમાં, બીએસઈ અને એનએસઈ તરફથી કોઈ વાંધો નહીં (નો ઓબ્જેક્શન)સાથે અવલોકન પત્ર મળ્યો છે. આ નિર્ણય આઈસ્ક્રીમ વ્યવસાયના વિવિધ ઓપરેટિંગ મોડેલને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો, જેમાં વિભિન્ન માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે.
નિસાન સાત ફેક્ટરીઓ બંધ કરશે
જાપાની કાર ઉત્પાદક કંપની નિસાને નબળા વેચાણને કારણે મોટા બિઝનેસ ઓવરઓલના ભાગ રૂપે વિશ્વભરમાં ૧૧,૦૦૦ વધુ નોકરીઓ ઘટાડવાની અને સાત ફેક્ટરીઓ બંધ કરવાની યોજના જાહેર કરી છે. આ પગલા સાથે, નિસાન જે નોકરીઓ ઘટાડવાની યોજના ધરાવે છે તેની કુલ સંખ્યા લગભગ ૨૦,૦૦૦ થઈ ગઈ છે - જે તેના વૈશ્વિક કાર્યબળના ૧૫% હિસ્સો ધરાવે છે, કંપની તેના ઉત્પાદન પ્લાન્ટની સંખ્યા પણ ૧૭ થી ઘટાડીને ૧૦ કરશે. નિસાન ચીનમાં ઘટી રહેલા વેચાણ અને તેના બે સૌથી મોટા બજારો યુએસમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે સંઘર્ષ કરી રહી છે, જેના કારણે તેની કમાણીને નુકસાન થયું છે. ડિસેમ્બર ૨૦૨૪માં, નિસાન અને હોન્ડાએ મર્જરની યોજના જાહેર કરી હતી, પરંતુ નિસાન ફેબુ્રઆરીમાં વાટાઘાટોમાંથી પાછળ હટી ગયું હતું.