Get The App

ચેક રિટર્નના કેસમાં પેમેન્ટ કરાવવા જિલ્લા સ્તરે ક્યૂઆર કોડથી ચાલતી સિસ્ટમ ચાલુ કરો

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
ચેક રિટર્નના કેસમાં પેમેન્ટ કરાવવા જિલ્લા સ્તરે ક્યૂઆર કોડથી ચાલતી સિસ્ટમ ચાલુ કરો 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- ચેક રિટર્નના કેસોમાં વિલંબ દૂર કરવા સુપ્રીમ કોર્ટ સક્રિયઃ  આરોપીને પિટીશન એડમિટ કરતાં પહેલા સાંભળવા જરૂરી નથી

બેન્કમાં ક્લિયર થયા વિના અનપેઈડ પરત ફરતાં ચેકના કિસ્સાઓમાં પિટીશન એડમિટ કરતાં પહેલા ચેક ઇશ્યૂ કરનાર પાર્ટી એટલે કે આરોપીને સાંભળવા ફરજિયાત નથી. ચેક ઇશ્યૂ કર્યા પછી બેન્કમાંથી સિકરાયા વિના અનપેઈડ ફરતાં ચેકના કિસ્સાઓમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કેસ કરવામાં આવે છે. આમ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૨૩માં કરવામાં આવેલીજોગાઈ હેઠળ પિટીશન એડમિટ કરતાં પહેલા આરોપીને સમન્સ મોકલવા જરૂરી નથી.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હઠળ કરવામાં આવતા કેસોના નિકાલમાં થઈ રહેલા વિલંબને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટે લીધેલા વલણને સ્વીકાર્યું છે. કર્ણાટક હાઈકોર્ટે અશોક વિરુદ્ધ ફૈયાઝ અહેમદના કેસમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળની પિટીશન  એડમિટ કરતાં પહેલા આરોપીને સમન્સ આપવા જરૂરી ન હોવાના લીધેલા સ્ટેન્ડને સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરવામાં આવતા કેસના ઝડપી નિકાલ માટે માર્ગદર્શિકા આપી છે. કલમ ૧૩૮ના કેસોનો મેટ્રો કોર્ટમાં ખડકલો થઈ રહ્યો હોવાનું જણાવતા ંકહ્યું હતું કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ રિટર્ન થતાં ચેક માટે સજા કરાવવાનો જ હેતુ નથી. પરંતુ સંબંધિત પક્ષકારને તેના પૈસા અપાવવાનો અને ચેકને ક્લિયર કરાવવાનો હેતુ છે. રોકડના પેમેન્ટની અવેજમાં ચેકથી કરાતું પેમેન્ટ વિશ્વસનીય વિકલ્પ છે તે પ્રસ્થાપિત કરવાનો પણ હેતુ છે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ૧૩૮ના કેસમાં પિટીશન એડમિટ કરતાં પહેલા સામા પક્ષને બોલાવીને તેમને સાંભળવાની જરૂર નથી. તેને કારણે જ ખાસ્સો વિલંબ થાય છે.ફરિયાદી પોતે આરોપીને તેની જાણ કરે તેવી વ્યવસ્થા હોવી જરૂરી છે. ઈ-મેઈલ કે પછી વૉટ્સએપ મેસેજથી પણ આરોપીને ફરિયાદી તેની જાણકારી આપી શકે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં આ અંગેના નિયમો તૈયાર કરવામાં આવેલા છે. ફરિયાદીને આરોપીનો અધિકૃત સંપર્ક નંબરની ચકાસણી કરીને પૂરો પાડવો ફરજિયાત છે. 

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસમાં એફિડેવિટ આપવી ફરજિયાત કરવી જોઈએ. ખોટી એફિડેવિટ આપવા માટે સજા ભાગવવાની તૈયારી સાથે એફિડેવિટ લેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે દરેક જિલ્લામાં ક્યૂઆર કોડથી અથવા તો પછી યુપીઆઈ લિન્કથી આરોપીએ આપવાની થતી રિટર્ન થયેલા ચેકની રકમનું પેમેન્ટ કરાવી શકાય તેવી અલાયદી સુવિધા હોવી જરૂરી છે. આરોપીને પહેલા જ બાકી રકમની ચૂકવણી કરવાની ફરજ પાડવી જોઈએ. પેમેન્ટ થઈ ગયા પછી કલમ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૪૭ હેઠળ કેસ ચલાવીને બીએનએસએસ એક્ટની કલમ ૨૫૫ હેઠળ કેસને સમેટી લેવાની પ્રક્રિયા કરવી જોઈએ.