Get The App

નોકરીઓ અપાવતી સંસ્થાઓ પાસે લેવાતો ટેક્સ ઘટાડી પાંચ ટકા કરો

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
નોકરીઓ અપાવતી સંસ્થાઓ પાસે લેવાતો ટેક્સ ઘટાડી પાંચ ટકા કરો 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- ટેક્સ ઓછો થાય તો મેનપાવર હાયર કરવાની કામગીરીમાં વધારો થઈ શકે છે

જીએસટી કાઉન્સિલની બેઠક આવી રહી છે ત્યારે લોકોની અપેક્ષા વધી રહી છે. કંપનીઓને કામચલાઉ અને કાયમી નોકરી માટે મેનપાવરે પૂરા પાડવાની કંપનીઓની સેવા પર લેવામાં આવતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી આપવાની માગણી ઇન્ડિયન સ્ટાફિંગ એસોસિયેસને કરી છે.  દેશભરના ૧૧૩૭ જેટલા એસોસિયેશનોની મેમ્બરશીપ ધરાવતી દેશવ્યાપી સંસ્થા ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશને રોજગારી પૂરી પાડવાની સેવા પૂરી પાડે છે. 

ટેક્સટાઈલ કે ફાર્માસ્યૂટિકલ્સ કંપનીઓના પ્રોડક્ટ્સ બહુધા પ ટકાના સ્લેબમાં આવે છે. તેઓ નિમણૂકો તો ખાસ્સી કરે છે. ખાસ કરીને કામચલાઉ નિમણૂકો વધારે કરે છે. પરિણામ તેમનું બિલ દર મહિને બનાવવામાં આવે છે. આ બિલની રકમ પર એટલે કે સંપૂર્ણ પગારની રકમ પર ૧૮ ટકા જીએસટી લગાડવામાં આવે છે. માત્ર સર્વિસના ચાર્જ પર જીએસટી લેવાતો નથી. આ નોકરી અપાવનારી અને નોકરી માટે મેનપાવર શોધનારી કંપની બંને માટે મોટા બોજારૂપ બની રહી છે.

પરિણામે કંપનીઓને માથે સતત મોટી રકમનો બોજ આવે છે. તેઓ કાચા માલ પર વધુ અને તૈયાર માલ પર ઓછો જીએસટી વસૂલતા હોવાથી તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં જમા પડી રહે છે. તેથી તેમને ૧૮ ટકા જીએસટીનો બોજ વધારે લાગે છે. ઇન્ડિયન સ્ટાફિંગ એસોસિયેશન ૬૫ જેટલા ઉદ્યોગોને માનવબળ પૂરું પાડે છે. દેશના ૧૯૦૦૦થી વધુ પિનકોડ નંબરના વિસ્તારમાં તેઓ આ સેવા પૂરી પાડી રહ્યા છે. તેમની આ સેવા થકી માસિક ૧,૪૭,૫૨૮ કરોડનું ટર્નઓવર થાય છે.તેના પર રૂા.૩૦,૫૬૮ કરોડ જીએસટી પેટે ચૂકવવાના આવે છે. આ ટેક્સ ઘટાડવામાં આવશે તો તેમની સેવા લેનારાઓના ચાર્જ પણ નીચે આવી શકે છે. પરિણામે રોજગારી માટે નવા માણસોની નિમણૂક કરવામાં વધારો આવી શકે છે.

ટેક્સ ઓછા થાય તો મેનપાવર હાયર કરવાની કામગીરીમાં વધારો થઈ શકે છે. ગુડ્સ એન્ડ સવસ ટેક્સ ઘટાડી દેવામાં આવે તો આરોગ્ય, છૂટક વેચાણ સહિતના સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધી જશે. રોજગારી પૂરી પાડવાના ક્ષેત્ર પાસેથી લેવામાં આવતા ગુડ્સ એન્ડ સવસ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો તેને પરિણામે સરકારની જીએસટીની આવકમાં કોઈ મોટું ગાબડું પડવાનું નથી.

જીએસટી કાઉન્સિલને સુપરત કરવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જીએસટીના દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવે તો તેને પરિણામે દોઢથી બે કરોડ નવી રોજગારી માટેની નિમણૂકની પ્રક્રિયા ચાલુ થઈ શકે છે. આમેય જીએસટીની કુલ આવકમાં સ્ટાફિંગના કામકાજ થકી થતી જીએસટીની આવકનો હિસ્સો ૦.૧૫ ટકા જેટલો જ એટલે કે પા ટકાથી પણ ઓછો છે.  

જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠક પહેલા જીએસટીમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી છે. આ બેઠક જુલાઈના અંત ભાગમાં મળે તેવી સંભાવના છે.