- એન્ટેના - વિવેક મહેતા
- 5 ટકાના સ્લેબની વસ્તુ વધતા સામાન્યજનને લાભ થશે, કેટલીક વૈભવી વસ્તુઓ મોંઘી થશે
જીએસટીના સ્લેબમાં ઘટાડો થવાને કારણે ભારત સરકારની આવકમાં રૂ. ૮૫૦૦૦ કરોડથી રૂ. ૧.૧૦ લાખ કરોડનું ગાબડું પડી જવાની દહેશત છે. હા, ભારત સરકાર જીએસટીના દર સમતોલ કરવાની કવાયત કરી રહી હોવાથી આ સ્થિતિ નિર્માણ થઈ શકે છે. જીએસટીના ૧૨ અને ૨૮ ટકાના સ્લેબને અલવિદા કરી દેવાની ફિરાકમાં છે. હા, તેને પરિણામે મોટરકાર સહિતની સંખ્યાબંધ વસ્તુઓ સસ્તી થવાની ધારણા સાથે તેની ખરીદીમાં વધારો થવાની અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે. હા, તેનાથી અર્થતંત્રના વિકાસને વેગ મળવાની ગણતરી છે. વિકાસને મળનારો વેગ આ આવકના ઘટાડાને સરભર કરી આપશે. જોકે એક માન્યતા એવી પણ છે કે મોટરકારને ૨૮માંથી ૧૮ ટકાના સ્લેબમાં લાવવામાં આવશે, પરંતુ એસવીયુની કેટેગરીમાં આવતી ગાડીઓને ૪૦ ટકાના સ્લેબમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
જીએસટીના દર ઘટતા ચીજવસ્તુઓના વેચાણમાં વધારો થશે. વેચાણ વધતા જીએસટીની આવકમાં એક વર્ષમાં ૧.૯૮ લાખ કરોડનો વધારો થઈ શકે તેવા અંદાજો પણ બાંધવામાં આવી રહ્યા છે. સરકારે ૨૦૨૫-૨૬ના વર્ષમાં આવકવેરાના દરમાં પણ ફેરફાર કર્યા છે. રૂ. ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓને કોઈ જ આવકવેરો ચૂકવવો ન પડે તેવી જોગવાઈ કરી છે. આ જોગવાઈને પરિણામે પણ સરકારની ઇન્કમટેક્સની આવકમાં ઘટાડો થવાની ધારણા છે. પરંતુ તેને પરિણામે લોકોના હાથમાં ખર્ચ કરવા માટેના વધારાના નાણાં રહેશે. આ નાણાંનો ઉપયોગ બચત કરવા માટે નહિ, પરંતુ નવી વસ્તુઓની ખરીદી કરવા માટે કરવામાં આવે તેવી સંભાવના છે. પરિણામે ચીજવસ્તુઓની ડીમાન્ડમાં ૫.૩૧ લાખ કરોડનો વધારો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. ચીજવસ્તુઓના દામ ઘટવાથી જીએસટીની આવકમાં વધારો આવશે. આ વધારો અંદાજે રૂ. ૫૨,૦૦૦ કરોડનો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.
ચીજવસ્તુઓ સસ્તી થવાને પરિણામે કન્ઝયુમર પ્રાઈસ ઇન્ડેક્સમાં ૨૦થી ૨૫ બેઝિસ પોઈન્ટ એટલે કે પા ટકાનો ઘટાડો થવાની પણ ધારણા રાખવામાં આવી રહી છે. ખાદ્ય સામગ્રી , ટેક્સટાઈલ જેવી આવશ્યક વસ્તુઓ પરનો વેરો ઘટી જશે. કન્ઝયુમર પ્રાઈસ ઇન્ડેક્સ નક્કી કરવા માટેની ચીજવસ્તુઓની યાદીમાં સ્થાન પામેલી વસ્તુઓના દામ નીચે જતાં કન્ઝયુમર પ્રાઈસ ઇન્ડેક્સમાંના તેમના વજનને કારણે ઇન્ડેક્સમાં ઘટાડો થશે.
જીએસટીના બે જ સ્લેબ કરી દેવાને પરિણામે જીએસટીની સરેરાશ ૨૦૧૯માં ૧૧.૬ ટકા હતી, તે ૨૦૨૫માં ઘટીને ૯.૫ ટકા પર આવી જશે. જીએસટીના સમતોલીકરણમાં ૨૮ ટકાના સ્લેબને અદવિદા કરી દેવામાં આવશે. આ આઈટેમ્સમાંથી મોટાભાગની આઈટેમ્સને ૧૮ ટકાના સ્લેબમાં નાખી દેવામાં આવશે. પરંતુ કેટલીક વસ્તુઓને ૪૦ ટકાના સ્લેબ પર નાખી દેવામાં આવશે.


