Get The App

ટ્રક ટ્રાન્સપોર્ટર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ જતી કરવા સરકારે સમજાવ્યા પણ ન માન્યા

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રક ટ્રાન્સપોર્ટર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ જતી કરવા સરકારે સમજાવ્યા પણ ન માન્યા 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- ટ્રક-ટાયરની ખરીદી પરની ટેક્સ ક્રેડિટ ટ્રાન્સપોર્ટર્સને જતી કરવી પરવડે તેમ નથી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આગામી બેઠકમાં મોટા નિર્ણયો આવવાની સંભાવના રહેલી છે. જીવન વીમાના પ્રીમિયમ, જીએસટીના સ્લેબનું રિસ્ટ્રક્ચરિંગ અને સંખ્યાબંધ ચીજવસ્તુઓના ટેક્સના દરમાં ઘટાડો થવાની અને ૧૨ ટકાના સ્લેબની વસ્તુઓમાંથી સંખ્યાબંદ વસ્તુઓ ૧૮ ટકાના સ્લેબમાં પહોંચી જવાની સંભાવના રહેલી છે. એક તરફ આ હકીકતની ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજીતરફ ટ્રાન્સપોર્ટર્સ પાસેથી વસૂલવામાં આવતા જીએસટીમાં પણ કેટલાક ફેરફારો કરવાની ફિરાકમાં સરકાર હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. પરિણામે જીએસટી કાઉન્સિલની આગામી બેઠક પર તમામ વેપારીઓ નજર રાખીને બેઠાં છે. આ બેઠકમાં બહુ જ મોટા નિર્ણયો આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

ટ્રાન્સપોર્ટર્સ રિવર્સ ચાર્જ મિકેનિઝમથી કે પછી ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમથી માત્ર ૫ ટકા જીએસટી  ભરવાની જવાબદારી સ્વીકારી લઈને તમામ ઇનપુટ માટે જમા કરાવવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જતી કરે  તેવી દરખાસ્ત સીબીઆઈસીએ આઠમી જુલાઈએ દેશભરના ટ્રાન્સપોર્ટર્સની બોલાવેલી એક બેઠકમાં મૂકી હતી.

આઠમી જુલાઈએ દિલ્હીમાં નોર્થ બ્લોકમાં યોજાયેલી આ બેઠકમાં હાજરી આપનાર ઓલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતું કે ટ્રક ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં પડેલા સાહસિકે ટ્રકની ખરીદી પર ૨૮ ટકા, ટાયરની ખરીદી પર ૧૮ ટકા સહિત મોટી રકમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ચૂકવે છે. તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાને પાત્ર બને છે. પરંતુ આ બધી જ ઇનપુટ ટેક્સ ક્રેડિટને ભૂલી જઈને અમને માત્ર રિવર્સ ચાર્જ મિકનિઝમથી  કે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમથી માત્ર ૫ ટકા જીેસટી જમા કરાવી દેવાનો વિકલ્પને સ્વીકારવા ધરાર તૈયાર નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે આપેલો વિકલ્પ સાવ જ ગેરવાજબી છે. અમારી લાખો કરોડોની જીએસટીની જમા રકમ પર મોટી રકમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરત લેવાની થાય છે. આ બધી જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અમે જતી કરી શકીએ તેમ જ નથી. સરકારની આ દરખાસ્તને સ્વીકારી લેવામાં આવે તો ટ્રાન્સપોર્ટના સેક્ટરમાં પડેલા સાહસિકોને મોટી રકમનું નુકસાન વેઠવું પડે તેમ છે. તેથી અમને તેમની આ દરખાસ્ત સ્વીકાર્ય જ નથી. અત્યારે ટ્કની ખરીદી પર ૨૮ ટકા, ટાયરની ખરીદી પર ૧૮ ટકા અને ટ્રકના વીમા પર ૧૨ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. અત્યારે ટ્રાન્સપોર્ટની સર્વિસ લેનારના માધ્યમથી ૫ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. તેને રિવર્સ ચાર્જ મિકેનિઝમથી જીએસટી વસૂલ્યો હોવાનું જણવામાં આવે છે. આ તમામ પર લેવાથી થતી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગુમાવવી પરવડે તેમ જ નથી. તેથી ટ્રાન્સપોર્ટર્સ આ દરખાસ્તને સ્વીકારવા તૈયાર જ નથી. અત્યારે જીએસટીમાં રજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટર્સ અને અનરજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટર્સ છે. અનરજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટર્સ ૫ ટકા જીેસટી ચૂકવે છે. જ્યારે  રજિસ્ટર્ડ વેપારીઓ પાસે આઈટેમ પ્રમાણે ૧૨ ટકા કે તેનાથી વધુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવે છે. તેના પર તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર છે.

Tags :