ભારતનો ફાર્મા ઉદ્યોગ કસોટીની એરણ પર
- એન્ટેના - વિવેક મહેતા
- દવાના ભાવમાં ૫૯થી 80 ટકાનો ઘટાડો કરવાની સૂચના આપ્યા પછી ભારતના દવાના નિકાસકારો પર કેવી અસર પડશે
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વહીવટી તંત્રએ ભારતના ફાર્મા ઉદ્યોગને તેમની દવાઓના ભાવમાં ૫૯ ટકાથી ૮૦ ટકાનો ઘટાડો કરવાની સૂચના આપતો ઓર્ડર બહાર પાડી દીધો છે. તેને માટે તેમને ૩૦ દિવસન સમય આપવામાં આવ્યો છે. ટ્રમ્પની સરકારે ટેરિફમાં વધારો કર્યો ત્યારે ભારતીય ફાર્મા ઉદ્યોગને બક્ષી દીધો હતો. તેના પર કોઈ જ ટેરિફ વધારી નહોતી. ભારતીય ફાર્મા ઉદ્યોગે તેને પરિણામે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ હવે ભારતીય ફાર્મા ઉદ્યોગ પર અમેરિકામાં નિકાસ કરાતી દવાઓના ભાવમા ૫૯ ટકાથી ૮૦ ટકા સુધીનો ભાવ ઘટાડો કરવાનું દબાણ વધારવામાં આવી રહ્યું છે.
માર્ચ ૨૦૨૫માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નિકાસ વધે તો ત્યારબાદના ત્રિમાસિક ગાળમાં નિકાસમાં કેટલો વધારો થશે તેના પર નજર માંડી છે. સિપ્લા, ડૉ.રેડ્ડીઝ લેબોરેટરી, બાયોકોન સહિતની ઘણી કંપનીઓ અમેરિકાના બજારમાં નિકાસ વધારીને પોતાનું વર્ચસ્વ વધારવા તલપાપડ છે. ભારતની અને ગુજરાતની બીજી ઘણી કંપનીઓ પણ અમેરિકાના બજારમાં વર્ચસ્વ જમાવવા માગી રહી છે. તેમાં વળી અમેરિકા તરફથી દવાઓના ભાવમાં ઘટાડો કરવાનો આદેશ આવતા તેમની મૂંઝવણ વધી રહી છે.
ભારતમાંથી અમેરિકામાં નાનાથી માંડીને કેન્સર સુધીના મોટા રોગની દવાઓની નિકાસ થાય છે. કેન્સરમાં પણ બ્લડ કેન્સરની સારવાર કરવા માટેની દવાઓ મોકલવામાં આવી રહી છે. હાડકાંના રોગની સારવાર કરવા માટેની દવાઓ, લિમ્ફોમાસ લ્યુકેમિયાની સારવારની દવાઓ પણ અમેરિકાના બજારમાં ઉતારવામાં આવી રહી છે.
અમેરિકાની ખુદની કંપનીઓની દવાઓના ભાવ અમેરિકાના મોટાભાગના નાગરિકોને પરવડે તેવા જ નથી. તેથી જ અમેરિકાએ તેમના નાગરિકોની નારાજગી ન વહોરવી પડે તે માટે ભારતીય દવાઓ પર ટેરિફ જ ન લાદવાનો અને તેને ટેરિફની યાદીમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હવે અમેરિકાની પ્રજાના મનમાં વધુ સારી ઇમેજ ઊભી કરવા માટે ભારતીય નિકાસકારો પર દવાના ભાવ ઓછા કરવા માટેનું દબાણ વધારાનું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. હવે ભારતીય ઉત્પાદકો તેનો મહત્તમ લાભ લેવા માટે તત્પર થયા છે ત્યારે નવું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જોકે દવાનો ભાવ ઘટાડવાનો નિર્ણયને પરિણામે અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓના કામકાજ પર પણ મોટી અસર પડશે. ફાઈઝર કે એસ્ટ્રાઝેનેકા જેવી કંપનીઓના વેપાર પર પણ તેની મોટી અસર પડશે. અમેરિકન બહુરાષ્ટ્રીય કંપનીઓ રિસર્ચ અને ડેવલપમેન્ટને નામે દવાના ભાવ બહુ જ ઊંચા લઈ જાય છે. તેની સામે ભારતની કંપનીઓ ઓછી કિંમતની જેનરિક દવાઓના પ્રોડક્ટ્સ અમેરિકાના બજારમાં મૂકી રહ્યું છે.
અમેરિકા આ પગલું લઈને ભારતીય કંપનીઓના નફાના માર્જિન પર કાતર ચલાવી રહ્યું છે કે પછી પોતાના દેશની બહુરાષ્ટ્રીય કંપનીઓની દવાઓની ખરીદી કરવા તરફ પોતાના નાગરિકોને ધકેલી રહ્યું છે તે એક મોટો સવાલ છે.