Get The App

વૃક્ષ 5 વર્ષ સુધી ઊભા ન રહે તો ગ્રીન ક્રેડિટ પોઈન્ટ મળશે નહિ

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
વૃક્ષ 5 વર્ષ સુધી  ઊભા ન રહે તો ગ્રીન ક્રેડિટ પોઈન્ટ મળશે નહિ 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- વૃક્ષારોપણ પછી 40 ટકા

- વૃક્ષોનું વાવેતર કરનારાઓને ગ્રીન ક્રેડિટ આપવાની યોજનાના નિયમોમાં ફેરફાર

વૃક્ષો કપાતા હોવાથી વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતું હોવાનું પણ જોવા મળે છે. વૃક્ષોની વાવણી છતાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ ઓછો કરવા માટે પૂરતા પ્રયાસો ન થતાં હોવાનું જોવા મળે છે. તેથી જ વૃક્ષોના વાવેતર કરનારાઓને ગ્રીન ક્રેડિટ આપવાની યોજના ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં ૨૯મી ઓગસ્ટ ૨૦૨૫ના ફેરફાર કરવામાં આવ્યો છે.

જંગલની પડતર જમીન, નકામી પડી રહેલી જમીન, ખુલ્લામાં ઝાડીઝાખરાં જ થતાં હોય તે જગ્યામાં વૃક્ષોનું વાવેતર કરવાની આ યોજના છે. યોજના મુજબ એક હેક્ટર જમીનમાં ઓછામાં ઓછા ૧૧૦૦ વૃક્ષનું વાવેતર થયેલું હોવું જરૂરી છે. એક વૃક્ષ રોપવા માટે એક ગ્રીન ક્રેડિટ આ યોજનામાં ભાગ લેનારને આપવામાં આવે છે. અત્યાર સુધી વેપાર ઉદ્યોગો એક સાથે હજારો વૃક્ષો રોપ્યાનો દાવો કરી લે છે. વાસ્તવમાં તે મોટા થતાં જ નથી. અત્યાર સુધી એક ફોટો પડાવી લઈને કે વિડીયો રેકોર્ડિંગ કરી લઈને ગ્રીન ક્રેડિટ મેળવી લેતા હતા. આ ગેરરીતિને દૂર કરવા માટે તેમણે રોપેલા વૃક્ષોની સંખ્યાને આધારે નહિ, પરંતુ બે વર્ષ પછી તેમાંથી વાસ્તવમાં ઉગીને મોટા થયેલા વૃક્ષોની સંખ્યાને આધારે ગ્રીન ક્રેડિટ પોઈન્ટ આપવા જોઈએ. આ હકીકત હવે સરકારને સમજાઈ ગઈ છે. 

૨૯મી ઓગસ્ટ ૨૦૨૫થી નવા ફેરફારો કરીને વૃક્ષારોપણ કરવાની જૂની પ્રથાને તિલાંજલી આપવામાં આવી છે. નવી પદ્ધતિમાં વાવેલા વૃક્ષની સંખ્યાને આધારે નહિ, પરંતુ વાવેલા વૃક્ષોમાંથી ઊગીને ટકી ગયેલા વૃક્ષાની સંખ્યોને આધારે અને તેનાથી પર્યાવરણમાં થતાં સુધારાને આધારે ક્રેડિટ પોઈન્ટ આપવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. બીજું, પહેલા ગમે તેની ક્રેડિટને ગમે તેની સાથે એક્સચેન્જ કરી શકાતી હતી. હવે તેવું શક્ય બનશે નહિ. હવે નિયમ નંબર ૫(૧) દાખલ કરીને ક્રેડિટ પોઈન્ટ એક્સચેન્જ કરવાની વ્યવસ્થાને ચુસ્ત કરવામાં આવી છે. તેથી ગ્રીન ક્રેડિટ પોઈન્ટ મેળવીને તેને તરત કે ગમે તને વેચી શકાશે નહિ. આમ ઓનલાઈન એક્સચેન્જમાં ગ્રીન ક્રેડિટની લિક્વિડિટી ઘટાડી દેવામાં આવી છે. ત્રીજું તેને કારણે જે તે વિસ્તારના વાતાવરણમાં કેટલો ફેર પડી રહ્યો છે તે બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

નાશ પામેલા વનને પ્રસ્થાપિત કરવા માટ નિયમ ૫(૧) હેઠળ હવે પાંચ વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આ ગાળામાં વૃક્ષારોપણ હેઠળના વિસ્તારમાં ગ્રીનરીના આવરણમાં ઓછામાં ઓછા ૪૦ ટકાનો વધારો થવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો ૪૦ ટકા વૃક્ષ બચેલા હોવા જરૂરી છે. જૂના વૃક્ષને બદલે નવા વૃક્ષ દીઠ એક ગ્રીનક્રેડિટ પોઈન્ટ આપવામાં આવશે. પાંચ વર્ષ પછી રોપેલા વૃક્ષમાંથી ૪૦ ટકા વૃક્ષ ઉગેલા અને અડીખમ હોવા જરૂરી છે.