જીએસટી કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય વીમાનું પ્રીમિયમ ઘટવાની શક્યતા
- એન્ટેના - વિવેક મહેતા
- શહેરી-ગ્રામીણ વિસ્તારના મળીને 40 ટકા લોકો પાસે જ આરોગ્ય અને ટર્મ ઇન્સ્યોરન્સનું સંરક્ષણ
જુલાઈ માસમાં મળનારી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠકમાં જીવન વીમા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પર લાગતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવે ેતેવી શક્યતા છે. જોકે છેલ્લા દોઢેક વર્ષથી આ મુદ્દે સમગ્ર દેશમાંથી જીએસટી કાઉન્સિલને રજૂઆત કરવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન્સની હાલત આ જીએસટીને કારણે ખરાબ થઈ ગઈ હોવાની બૂમ ઊઠી રહી છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ આરોગ્ય વીમા અને જીવન વીમાના પ્રીમિયમ પર લેવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માફ કરી દેવાની દરખાસ્તને સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી છે. તદુપરાંત વીમાના મુદ્દે બનેલી મંત્રીઓની સહિયારી સમિતિએ વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય વીમાની પોલીસી અને તેમ જ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની રકમ પર લેવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સંપૂર્ણ માફી આપવાની ભલામણ કરી છે.
હવે તો મોટી રકમના નહિ, પરંતુ રૂ. ૫ લાખ આરોગ્ય વીમાની પોલીસીના પ્રીમિયમની રકમ પર લેવાતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રકમમાં સંપૂર્ણ માફી આપવી જરૂરી છે. તેને માટે પણ જીએસટી અંગેની સમિતિમાં ચર્ચાઓ છેડાઈ છે. સમિતિ તરફથી કરવામાં આવેલી પ્રસ્તુત ભલામણો અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં વીમા ઉદ્યોગનું નિયમન કરતી સંસ્થા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો અભિપ્રાય પણ માગવામાં આવ્યો હતો. ઇરડાએ ડિસેમ્બર ૨૦૨૪માં જ પ્રીમિયમ પરનો જીએસટી જતો કરવાની સહમતી આપી દીધી છે. આ ભલામણોને મંજૂરી મળી જશે તો ૨૦૨૫ વર્ષમાં આરોગ્ય વીમો કે ટર્મ ઇન્સ્યોરન્સ લેનારાઓ પરનો પ્રીમિયમનો બોજ ખાસ્સો હળવો થઈ જશે.
વીમાના પ્રીમિયમની રકમ પરના જીએસટીની બાદબાકી થઈ જાય તો ટર્મ ઇન્સ્યોરન્સ અને આરોગ્ય વીમો લેનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ જશે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વીમો લેવો પણ શક્ય બની જશે. આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવું એ એક પ્રગતિશીલ પગલું છે. આ અભિગમ લોકોને આરોગ્ય ખર્ચની યોજના બનાવીને નાણા સંભાળવામાં મદદરૂપ થશે. ભારતમાં આજે શહેરી વિસ્તારના અને ગ્રામીણ વિસ્તારના મળીને માત્ર ૪૦ ટકા લોકો પાસે જ આરોગ્ય વીમો છે. સિનિયર સિટીઝન્સને તો નિવૃત્તિ પછી વધતા જતાં આરોગ્ય વીમાના પ્રીમિયમ પરવડતા જ નથી. તેથી તેઓ આરોગ્ય વીમો લેવાનું ટાળવા માંડયા છે. વીમાના પ્રીમિયમ પર લેવાતો જીએસટી કાઢી કે ઘટાડી નાખવામાં આવે તો ભારત સરકારની આવકમાં અંદાજે રૂ. ૨૬૦૦ કરોડનો ઘટાડો થઈ શકે છે. તેમાં આરોગ્ય વીમાની આવકમાં ૨૪૦૦ કરોડનો અને ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પરની જીએસટીની આવકમાં રૂ. ૨૦૦ કરોડનું ગાબડું પડી શકે છે.