Get The App

પાક સામેનું જોખમ ઓછું કરવા વેધર ડેરીવેટીવ્સ ચાલુ કરાશે

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
પાક સામેનું જોખમ ઓછું કરવા વેધર ડેરીવેટીવ્સ ચાલુ કરાશે 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- વેધર ડેરીવેટિવ્સ માટે દરેક વિસ્તારની એક જ નહિ, પરંતુ અલગ અલગ હવામાન કચેરીના ડેટાને ધ્યાનમાં લેવા જરૂરી

ક્લાઈમેટ ચેન્જને કારણે આબોહવામાં આવતા એકાએક બદલાવને પરિણામે ખેતઉપજ ખતમ થઈ જવાથી ઊભા થતાં જોખમોને પહોંચી વળવા માટે ભારત સરકારે વેધર ડેરીવેટીવ્સ ચાલુ કરશે. એનસીડીઈએક્સએ વેધર ડેરિવેટિવ્સ માટે ૨૬મી જૂન ૨૦૨૫ના એનસીડીઈએક્સ કોમોડિટી એક્સચેન્જ અને ભારત સરકારના ઇન્ડિયન મીટીરોલોજિકલ ડિપાર્ટમેન્ટ સાથે સમજૂતી કરાર કરી લીધા છે. વેધર ડેરીવેટિવ્સમાં ખેડૂતો, બિઝનેસમેન અને નાણાં સંસ્થાઓ આબોહવાની અનિશ્ચિતતાનું પણ હેજિંગ એટલે આવનારા જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા કરી શકશે.

વેધર ડેરીવેટીવ્સ માટેના આ પરિબળોમાં ટેમ્પરેચર એટલે કે ગરમી અને ઠંડી, વરસાદ, બરફવર્ષા અથવા તો હવાની ગતિનો સમાવેશ થાય છે. પરંપરાગત પાક વીમા કરતાં વેધર ડેરીવેટિવ્સની વ્યવસ્થા સાવ જ અલગ છે. વેધર ડેરીવેટિવ્સમાં નક્કર નુકસાનનું વળતર મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વેધર ડેરીવેટિવ્સ માટે હિટિંગ ડિગ્રી ડે (અતિશય ગરમીના દિવસો) અને કૂલિંગ ડિગ્રી ડે (અતિશય ઠંડીના દિવસો) પર નજર રાખવામાં આવે છે. વેધર ડેરીવેટીવ્સમાં હવાની ગતિ, બરફવર્ષા સહિતના નવા નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવશે. આરંભમાં વરસાદ આધારિત ડેરીવેટિવ્સ ચાલુ કરવામાં આવશે. તેમાં મોસમ અને લોકેશનને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ભારતીય હવામાન ખાતાના શ્રેષ્ઠ ડેટાઓ-આબોહવાને લગતી આગાહીઓને આધારે ડેરીવેટિવ્સ તૈયાર કરવામાં આવશે. વેધર ડેરીવેટિવ્સમાં ઠંડી, ગરમી અને વરસાદના પ્રમાણને આધારે કૉલ અને પુટ ઓપ્શન પસંદ કરવામાં આવે છે. બનાસકાંઠામાં કોઈ ખેડૂત એરંડા, મગફળી કે કપાસની ખેતી કરે છે. તેના પર વરસાદની પડનારી અસરને આધારે કોલ અને પુટ ઓપ્શન લઈ શકાય છે. ઇન્ડિયન મીટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટે બનાસકાંઠાના વિસ્તારોમાં ૬૦૦ મિલીમીટર વરસાદ પડવાની આગાહી કરે છે. બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ઓછો વરસાદ પડે તો તેની સામે રક્ષણ મેળવવા માટે પુટ ઓપ્શન લેવા છે. જૂનથી ઓગસ્ટ મહિનાના ત્રિમાસિક ગાળામાં પડનારા વરસાદ માટે આ પુટ ઓપ્શન છે. પુટ ઓપ્શન લેવા ખેડૂતે રૂ. ૧૦,૦૦૦નું પ્રીમિયમ જમા કરાવવું પડે છે. હવે વરસાદ ૬૦૦ મિલીમીટર પડી જાય તો ખેડૂતે તમામ રૂ. ૧૦,૦૦૦ ભૂલી જવાના રહેશે. પરંતુ ૬૦૦ મિલીમીટરને બદલે ૪૫૦ મિલીમીટર વરસાદ જ પડે તો તેવા સંજોગોમાં ખેડૂતને ૧૦ મિલીમીટરદીઠ રૂ. ૧૦૦૦ પ્રમાણે ૧૫૦ મિલીમીટર ઓછો વરસાદ પડયો તેથી રૂ. ૧૫,૦૦૦ પરત મળશે. પરંતુ ૬૦૦ મિલીમીટર વરસાદ પડવાની આગાહી સામે ૬૫૦ મિલીમીટર વરસાદ પડે તો પણ ખેડૂતે રૂ. ૧૦,૦૦૦નું પ્રીમિયમ ગુમાવી દેવાનું આવશે.