Get The App

નવસારી-વલસાડ-તાપી-નર્મદાના ખેડૂતો માટે પામની ખેતીની તક

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
નવસારી-વલસાડ-તાપી-નર્મદાના ખેડૂતો માટે પામની ખેતીની તક 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- 2023-24માં રૂ. 68,100 કરોડના ખર્ચે 90 લાખ ટન પામતેલની આયાત ઘટાડી હૂંડિયામણ બચાવી શકાય

ભારતમાં ખાદ્યતેલની કૂલ જરૂરિયાતમાં ૭૦ ટકા પામ તેલનો વપરાશ છે. પામતેલની આયાત પાછળ રૂ. ૬૮૦૦૦ કરોડનું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે. તેથી ભારત ને ગુજરાત સરકાર પામવૃક્ષની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. પામતેલમાં આત્મનિર્ભર બનવાના પ્રયાસ કરી રહી છે. ભારતે ૨૦૨૩-૨૪માં  ૯૦ લાખ ટન પામતેલની આયાત કરી હતી. ભારતમાં પામતેલનું બજાર અંદાજે ૧૦૨ લાખ ટનનું છે. ૨૦૩૩ની સાલ સુધી તેમાં વરસે ૧૪.૦૧ લાખ ટનનો ઉમેરો થવાની સંભાવના છે.

પામતેલના વિશ્વના મોટામાં મોટા ઉત્પાદક ઇન્ડોનેશિયામાં ૫૩.૬ લાખ ટન પામતેલનું ઉત્પાદન થાય છે. તેમાંથી ૨૬.૧ લાખ ટન સ્થાનક વપરાશમાં જાય છે. તેની પાસે નિકાસ માટે માત્ર ૨૭.૫ લાખ ટન પામતેલ બચે છે. ઇન્ડોનેશિયામાં પામતેલનું ઉત્પાદન વધે તેવુ જણાતું નથી. ઉત્પાદન લગભગ સ્થગિત થવા આવ્યું છે. પરિણામે પામતેલની આયાત કરવાના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. તેથી ભારતમાં પામવૃક્ષની ખેતી વધારવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. 

ભારતમાં ૨૦૨૪-૨૫ના વર્ષમાં ભારતમાં ક્રૂડ પામ ઓઈલનું ઉત્પાદન ૨.૮૦ લાખ મેટ્રીક ટન થયું હતું. દેશમાં ૨૦૨૪-૨૫ના વર્ષમાં ક્રૂડ પામની ખેતીનો વિસ્તાર વધીને ૫.૫૬ લાખ હેક્ટર થયો છે. અત્યારે પામ ટ્રી પર ઓઈલ જનરેટ કરતાં ફળ બેસવાની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. આમ આગામી વરસોમાં ઉત્પાદનમાં ઝડપથી વધારો જોવા મળશે.

ગુજરાતમાં નાના પાયા પર પામની ખેતી ચાલુ કરી દેવાઈ છે. પામની ખેતી કરવા માટે દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠો અને વધુ વરસાદવાળો વિસ્તાર આદર્શ ગણાય છે. ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, તાપી, ભરૂચ, ડાંગ અને નર્મદા જિલ્લા પામની ખેતી માટે અનુકૂળ ગણાતા વિસ્તારો છે. જોકે સિંચાઈના પાણીથી પણ પામવૃક્ષની ખેતી કરવી શક્ય છે. 

ભારત સરકારે ખાદ્યતેલમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામ હેઠળ ગુજરાત સરકાર સહાય યોજના ચલાવી રહી છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ ૫૦૦૦ હેક્ટર જમીન પર પામ ટ્રીની ખેતી ચાલુ કરી દીધી છે. તેને પરિણામે ગુજરાતમાં ૧૦૦૦ મેટ્રિક ટન પામ તેલનું વરસેદહાડે ઉત્પાદન થવા માંડયું છે. પામ તેલના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં સાતમા ક્રમે છે.

પામ તેલની મિલ નાખવા માટે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટના ખર્ચના ૫૦ ટકા સહાય આપવામાં આવે છે. તેને માટે મહત્તમ સહાય રૂ. ૨.૫૦ કરોડની રાખવામાં આવેલી છે. હા, આ મિલની કલાકની ઉત્પાદન ક્ષમતા ૫ મેટ્રિક ટનની હોવી જરૂરી છે.

 તેમ જ મિલ માટે મકાન બનાવવાના થતાં કુલ ખર્ચની ૨૫ ટકા સુધી અને રૂ. ૫ લાખની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તેના પર વાર્ષિક વ્યાજના ખર્ચમાં ૫ ટકા સુધીની સબસિડી પાંચ વર્ષ સુધી આપવામાં આવે છે.