Get The App

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની જૂની પધ્ધતિને અલવિદા કરી દેવાશે ?

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની જૂની પધ્ધતિને અલવિદા કરી દેવાશે ? 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- નવી સિસ્ટમમાં ખર્ચ કરવા માટે હાથમાં પૈસા બચે છે અને ખર્ચ કરવાની માનસિકતા વધતી હોવાથી સરકારની જીએસટીની આવક વધે છે

ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવનારા ૨૦૨૬-૨૭ના વર્ષના બજેટમાં જૂની ટેક્સ રિજિમને કાયમને માટે વિદાય આપી દેવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે. કારણ કે ૮૦ ટકાથી વધુ કરદાતાઓએ પહેલેથી જ નવા રેજીમમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું પસંદ કર્યું છે. ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષમાં ફાઈલ થયેલા આવકવેરાના કુલ ૯.૧૯ કરોડ રિટર્નમાંથી ૮૦ ટકાથી વધુ રિટર્ન નવા ટેક્સ રિજિમ પ્રમાણે ફાઈલ થયા છે. ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન દેશમાંથી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા લગભગ ૧૦ કરોડ સુધી પહોંચી શકે છે. છેલ્લા બજેટમાં સરકારએ નવા રેજીમ હેઠળ ૧૨ લાખ સુધીની આવકને અસરકારક રીતે ટેક્સ-ફ્રી કરી દીધી છે. તેથી લગભગ ૭૫ ટકાથી વધુ કરદાતાઓ નવા રેજીમને પસંદ કરી ચૂક્યા છે.

ભારતની બચત પ્રણાલી હજી પણ જૂના રેજીમ પર આધારિત છે. આવકવેરા ધારાની કલમ ૮૦ભ, ૮૦ઘ, ૨૪(મ) જેવી કપાતોના લાભ મેળવવા માટે ભારતના મોટી સંખ્યામાં પરિવારની લાંબા ગાળાની બચત કરવાનું પસંદ કરે છે. તેને માટે તેઓ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ, જીવન વીમા, પેન્શન, હાઉસિંગ લોન લઈને તેના ખર્ચા આવકમાંથી બાદ મેળવે છે. આ કલ્ચર હજી સંપૂર્ણપણે નાબૂદ થયું નથી. આવકમાંથી ઉપરોક્ત ખર્ચ બાદ આપવાનું બંધ કરાતા બચતના દરમાં ઘટાડો આવી જશે. નિવૃત્તિ સમય માટે કરવામાં આવતી બચત અને આયોજનો અટકી પડશે. ભારતના મોટા ભાગના મધ્યમ વર્ગ હોમ લોન, ઇન્સ્યોરન્સ અને પેન્શન પર જ નિર્ભર છે. વેરાના લાભ મળતાં હોવાથી જ તેઓ  હોમ લોન, વીમો લે છે. તેમ જ પેન્શનની આવક થતી રહે તે માટેના આયોજનો કરે છે. ભલે નવો રિજીમ સસ્તો હોય કે ઓછો ખર્ચ કરાવનાર હોય, પરંતુ કલમ ૮૦-સી અથવા હાઉસરેન્ટ જેવી છૂટો ન મળવાથી મધ્યમ વર્ગને ટેક્સનું બોજ વધારે લાગશે.

આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાના નવા રિજીમમાં લોકોના હાથમાં ખર્ચવા માટે વધુ પૈસા બચે છે. તેથી ખર્ચ વધતા સરકારની જીએસટીના આવક વધે છે. જૂની સિસ્ટમમાં કરદાતાઓની બચત વધે છે. નવી સિસ્ટમને વધુ આકર્ષક બનાવી દીધી છે. આવકવેરાના દર ઘટાડી દીધા છે. આવકવેરામાં મળતા રિબેટ વધારી દીધા છે. હા, ટેક્સ વગર પણ બચત જાળવવાની ખાતરી મળતી હોય તો સરકાર જૂના રિજિમને તરત જ ખતમ કરી શકે છે. નાણાંના ખર્ચ અને બચત વચ્ચે સંતુલન આવે તે વખતે જૂની સિસ્ટમને રદ કરી શકાય છે. તદુપરાંત નવા રેજીમમાં ૯૦-૯૫ ટકા કરદાતા સ્થળાંતર કરી જાય તે પછી જૂની સિસ્ટમ રદ કરવાનો વિચાર કરી શકાય છે. ૮૦ ટકા કરતાં વધુ લોકો નવા રેજીમમાં હોવા છતાં જૂની વેરા પદ્ધતિમાં બચતની માનસિકતા જળવાઈ રહે છે.  આ તમામ કારણોસર સરકાર બંને રેજીમને હજી થોડા વર્ષો ચાલુ રાખે એવી પૂરી શક્યતા છે.