- એન્ટેના - વિવેક મહેતા
- કંપનીના ફંડામેન્ટલ્સ જોયા વિના લિસ્ટિંગ ટાણે લાભ લેવા અરજી કરનારાઓ પણ પેટ ભરીને પસ્તાઈ શકે
છેલ્લા થોડા મહિનાઓથી SME-IPO બજારમાં અવિરત ચહલપહલ જોવા મળી રહી છે. માત્ર ૨૯ સપ્ટેમ્બરે જ BSE-SME પર ૨૧ કંપનીઓએ IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે. આ જ રીતે ૩૦મી સપ્ટેમ્બરે NSE-Rbso પર ૧૬ કંપનીઓએ આઈપીઓ માટે તેમના પબ્લિક ઇશ્યૂ માટે પેપર ફાઈલ કર્યા છે.
કમાઈ લેવાની લાયમાં આઈપીઓમાં અરજી કરીને નાના રોકાણકાર ફસાઈ ન જાય તે માટે સેબીએ મિનિમમ અરજી બે લોટની એટલે કે અંદાજે રૂ. ૨ લાખની કરવી પડે તેવો નિયમ કરી દીધો છે. અગાઉ આ મર્યાદા રૂ. ૧ લાખની હતી. બીજીતરફ આઈપીઓમાં અરજી કરનાર કંપનીએ નક્કી કરી આપેલા ભાવથી જ શેર્સ માટે બિડિંગ કરી શકશે. તેનાથી અલગ ભાવથી બિડિંગ કરનારની અરજી રદ થઈ જવાની શક્યતા રહેલી છે. તેમ જ એકવાર બિડ મૂકી દીધા પછી તેમાં ફેરબદલાવ કરવાની કે તે અરજી રદ કરવાની છૂટ મળશે નહિ.
સપ્ટેમ્બરમાં SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલા સ્ટોક્સમાંથી ૧૫ શેરના ભાવ તેની ઓફર પ્રાઈસ કરતાં ઓછા છે. શેર્સના ઓફર ભાવથી બજાર ભાવ ૨૦ ટકા નીચે હોવાનું જોવા મળી રહ્યું છે. રોકાણકારોએ SME-IPOમાં રોકાણ કરતાં પહેલાં જોખમો સમજવા જોઈએ. કંપનીના ફંડામેન્ટલ્સની સમજૂતી વિના રોકાણ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. પબ્લિક ઇશ્યૂ લાવ્યા પછી ઓફર ભાવ કરતાં ઓછા ભાવે લિસ્ટ થયેલી કંપનીઓની વાત કરીએ ૫૦ ટકાથી વધુ કંપનીઓમાં રોકાણ કરીને રોકાણકારો ભેરવાયા છે. બીજું, સારું રિટર્ન આપનારા એસએમઈ શેર્સમાં લિક્વિડિટી ઓછી છે. આઈપીઓના ભાવ કરતાં ઊંચા ભાવે લિસ્ટ થતાં હોય તેવી કંપનીઓ શેર્સના ભાવમાં તોફાની વધઘટ જોવા મળી શકે છે. તેથી જ છૂટક રોકાણકારોએ નાની અને મધ્યમ કદની કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા તેની પાછળના જોખમોનો ક્યાસ કાઢવો જરૂરી છે.
ગંગા બાથ ફિટિંગ્સ લિમિટેડનો શેર પબ્લિક ઇશ્યૂમાં રૂ. ૪૯ના ભાવે ઓફર કરી ને લિસ્ટિંગ રૂ. ૫૯ના ભાવે પરંતુ ત્રીજી ઓક્ટોબરે બજાર બંધ થયું ત્યારે તેનો ભાવ રૂ. ૨૪.૯૫નો હતો. થ્રીબી ફિલ્મ્સ લિમિટેડનો શેર રૂ. ૫૦ના ભાવે ઓફર કરાયો, લિસ્ટિંગ રૂ. ૪૮.૫૦ના ભાવે થયું અને ત્રીજી ઓક્ટોબરે તેના શેરનો બજાર ભાવ રૂ. ૩૦નો બોલાઈ રહ્યો છે. સિદ્ધિ કોટસ્પિનના શેરનો ભાવ રૂ. ૧૦૮ના ઓફર ભાવ સામે રૂ. ૮૬.૪૦ના ભાવે લિસ્ટ થય હતો. આમ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા કંપનીના ફંડામેન્ટલ્સ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાને ધ્યામાં રાખવી જરૂરી છે.


