Get The App

ઘટ સરભર કરવા પેટ્રોલ-ડીઝલના વેરા વધે તેવા એંધાણ

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
ઘટ સરભર કરવા પેટ્રોલ-ડીઝલના વેરા વધે તેવા એંધાણ 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- બોગસ બિલિંગ કરીને ખોટી ઇનપુટ ટેક્સ લેનારાઓ પર તવાઈ આવી શકે છે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા દર લાગુ કરવાની એટલે કે ચારમાંથી બે સ્લેબ કરી દેવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ત્રીજી-ચોથી સપ્ટેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠક મહત્વની સાબિત થાય તેમ છે. જીએસટીના દર ઓછા થતાં લોકોને ચીજવસ્તુઓ સસ્તી મળશે. પરંતુ તેને કારણે કેન્દ્ર સરકારની જીએસટીની વાષક આવકમાં રૂ. ૧.૧૦ લાખ કરોડનું ગાબડું પડવાની સંભાવના છે. રાજ્ય સરકારોની આવકમાં પણ અંદાજે રૂ. ૭૦૦૦૦ કરોડનું ગાબડું પડે તેવી સંભાવના છે.

હા, તેનો ફાયદો થશે. લોકોને ચીજવસ્તુઓ સસ્તી મળશે. તેનાથી જીડીપીમાં અડધા ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. ચીજવસ્તુઓના વપરાશને કારણે જીએસટીની આવક કરતાં કર્ણાટક અને તામિલનાડુને તેનો ફાયદો થશે. પરંતુ પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળને તેનાથી રૂ. ૯૦૦થી રૂ. ૧૦૦૦ કરોડની ખોટ જવાની સંભાવના છે. મહારાષ્ટ્રની આવકમાં પણ મોટો ઘટાડો થશે. આ રાજ્યોમાં ૪૦ ટકા આવક જીએસટીના માધ્યમથી થાય છે. તેમની આ આવકમાં ઘટાડો થતાં તેમના ગણિતો ખોરવાઈ જશે. આ ખોટને સરભર કોણ કરી આપશે તેવો સવાલ ઊઠાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર તેમાં કેટલી મદદ કરશે તે પણ સવાલ ઊઠી રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સૌથી વધુ આવક આપનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતની આવકમાં પણ ગાબડું પડવાની સંભાવના છે. તેમ જ કેરળ, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની આવકમાં પણ ગાબડું પડશે. આ રાજ્યોની ૩૦થી ૪૦ ટકા આવક જીએસટીના માધ્યમથી જ થાય છે. આ આવક ભરપાઈ કોણ કરશે તે સવાલ ઊઠી રહ્યો છે ત્યારે જ જીએસટીની ઘટનું વળતર આપવા માટે વસૂલવામાં આવતી સેસ ઓક્ટોબરથી બંધ થઈ રહી છે.  તેથી ઘટ પૂરી કરવા માટેનું આયોજન રાજ્ય સરકારોએ પોતે જ કરવાનું છે. રાજ્ય સરકારોને જીએસટીના દર ઓછા કરવાથી, આવકવેરાના સુધારેલા સ્લેબને પરિણામે લોકોના હાથમાં વાપરવા માટેના નાણાં બચવાના હોવાથી વધારાની ખરીદીને વેગ મળતા જીએસટીની જ આવક થવાની આશા છે. જોકે જાહેર જનતાના આરોગ્ય સામે જોખમ ઊભા કરતા તમાકુ સહિતની વસ્તુઓ તથા અલ્ટ્રા લક્ઝરી આઈટેમ્સ પરના ૪૦ ટકાના જીએસટી ઉપરાંત ૩૦થી ૫૦ ટકાની લાગતી સેસ થકી તેમને આવક વધશે તેવી આશા છે. તદુપરાંત રાજ્ય સરકારોએ અને કેન્દ્રિય જીએસટી કચેરીઓએ જીએસટીની ચોરી કરનારાઓ પર દબાણ વધારવું પડશે. બોગસ બિલિંગ કરનારાઓ પર ધોંસ વધારવી પડશે. તેને માટે દરેક રાજ્યએ તેમના વિજિલન્સ ડિપાર્ટમેન્ટને વધુ ચોક્કસ અને ચુસ્ત કામગીરી કરતાં કરવા પડશે. તેની સાથે જ રાજ્ય સરકારો પેટ્રોલ ને ડીઝલ પરના ટેક્સ વધારીને પણ જીએસટીની આવકમાં પડનારી ઘટને સરભર કરી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠક આગામી ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં કેટલાક રાજ્યો તેમની આવકમાં પડનારી ઘટનું વળતર કેન્દ્ર સરકાર આપે તેવો આગ્રહ રાખશે.


Tags :