AI ટેકનોલોજી ક્ષેત્રે બિનતંદૂરસ્ત સ્પર્ધાને સ્થાન ન મળી રહે તેની ખાતરી જરૂરી
AI કોર્નર
દેશમાં એઆઈ ક્ષેત્રે રહેલી તકને ઝડપવા એમએન્ડએ અને વીસી ઈન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર આકર્ષણ
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની શોધે ભારત સહિત વિશ્વભરમાં વેપાર કામકાજ કરવાની પરંપરાગત પદ્ધતિમાં ધરમૂળથી બદલાવ તોળાઈ રહ્યો છે. એઆઈએ વેપાર પદ્ધતિમાં નવીનતા લાવવાનું શરૂ કરી દીધું છે અને ઉપભોગતાની પસંદગીની નવેસરથી વ્યાખ્યા કરી છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ એઆઈએને કારણે મિશ્ર તકોની સાથોસાથ નિયમનકારી પડકારો પણ ઊભા થયા છે. અનેક પડકારોમાં એક પડકાર કોમ્પિટિશન લો સંદર્ભનો છે. વિવિધ વેપાર ક્ષેત્રે એઆઈના વધી રહેલા ઉપયોગને કારણે યોગ્ય સ્પર્ધાના ધોરણ સામે ખતરો ઊભો થયો છે. કારણ કે એઆઈ ટેકનોલોજીના ઉપયોગ કરનારા વેપારગૃહની સ્થિતિ જે તે સેવા અથવા પ્રોડકટસમાં તેને જ સમકક્ષ અન્ય વેપારગૃહના પરંપરાગત પદ્ધતિના ઉપયોગ સાથેની સેવા અથવા પ્રોડકટસ કરતા સારી રહે છે. ખાસ કરીને બજારમાં પ્રભુત્વ મેળવવામાં એઆઈ સંચાલિત કંપનીઓ આગળ રહેતી હોવાનું અત્યારસુધીમાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે દેશના સત્તાવાળા માટે હાલના કોમ્પિટિશન લોની વ્યાખ્યામાં ફેરબદલ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. આ પડકારાને પહોંચી વળવા કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ ખાસ અભ્યાસ હાથ ધરવાની પહેલ કરી છે, જે માટે તણે ંમેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટ સોસાયટી સાથે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં હાથ મિલાવ્યા હતા. મુખ્ય એઆઈ ટુલ્સ, તેમના પર નિયમન લાવી શકાય તેવા માળખાની ઓળખ કરવા ઉપરાંત હિસ્સેદારોના મતો સદર અભ્યાસના પાસા રહેલા છે. આધુનિક એલ્ગોરિધમ્સ અને ભરપૂર માત્રામાં ડેટાના ટેકા સાથે એઆઈ કંપનીઓને ગ્રાહકોની ભાવિ પસંદનાપસંદની માહિતી પૂરી પાડવા ઉપરાંત કામકાજમાં સરળીકરણ લાવે છે. આને કારણે જે તે કંપનીના પ્રોડકટમાં નવીનતા લાવવામાં મદદ મળે છે અને ઉત્પાદનક્ષમતાંમાં વધારો પણ થાય છે જે છેવટે યોગ્ય સ્પર્ધાત્કતાના ધોરણોને ભંગ કરાવનારા બની રહે છે. એઆઈના ઉપયોગમાં પારદર્શીતાના અભાવને કારણે જવાબદારી નિશ્ચિત કરવાનું નિયમનકારી સંસ્થાઓ માટે કઠીન બની રહે છે.
એઆઈને કારણે ખાસ કરીને વ્યવસાયીક ક્ષેત્રમાં સંઘર્ષ ઊભા થવાની શકયતાઓ વધી ગઈ છે. સામાન્ય રીતે વેપાર ક્ષેત્રે ઈજારાશાહી ન રહે તેની નિયામકો ખાતરી રાખવાના પ્રયાસ કરતા હોય છે અને તે હેતુસર જ સીસીઆઈની રચના થયેલી છે. ઉત્પાદન ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ થવા સાથે સીસીઆઈની કામગીરી પણ હવે બદલાતી જશે તેવો ઉદ્યોગ ક્ષેત્રના વર્તુળો મત વ્યકત કરી રહ્યા છે. બજારમાં પ્રભુત્વ વધારવામાં એઆઈ ટેકનોલોજી નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. આ હકીકતને નજરમાં રાખીને જ મોટી ટેકનોલોજી કંપનીઓ પોતાના કામકાજમાં એઆઈ પાછળ જંગી નાણાંનું રોકાણ કરી રહી છે. જેને કારણે તેઓ પોતાની હરિફ કંપની કરતા મજબૂત સ્થિતિમાં રહી શકે. આવી સ્થિતિમાં બજારમાં પ્રભુત્વના ંમૂલ્યાંકન માટેના પરંપરાગત ધોરણો પર ફેરવિચાર કરવાની અને તેને વર્તમાન સંજોગો પ્રમાણે તૈયાર કરવાની આવશ્યકતા રહે છે.
ભારતમાં એઆઈના વિકાસ માટે રહેલા અવકાશને ધ્યાનમાં રાખતા એઆઈનો જ્યાં હાલમાં વધુ પ્રસાર થયો છે તે ફિનટેક ક્ષેત્રમાં મર્જર એન્ડ એક્વિઝિશન (એમ એન્ડએ) અથવા વેન્ચર કેપિટલ (વીસી )ઈન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર આકર્ષણ જોવા મળી રહ્યું છે. જૂન ત્રિમાસિકમાં ૩૫૫ કરાર મારફત દેશમાં વીસી ઈન્વેસ્ટમેન્ટ વધી ૩.૫૦ ડોલર રહ્યું છે.જૂન ત્રિમાસિકમાં આવેલા વીસી ફન્ડિંગમાં સૌથી વધુ ફન્ડિંગ ફિનટેક ક્ષેત્રમાં જોવા મળ્યું છે. અમેરિકામાં ફિનટેકના જાહેર ભરણાંને મળેલી સફળતાથી આ ક્ષેત્ર માટે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે આ ક્ષેત્ર માટે સ્થિતિ આશાસ્પદ જણાય છે.
સ્પર્ધા સામે ટકી રહેવા મોટી ટેકનોલોજી કંપનીઓ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણ કરવા લાગી છે જેથી તેમની પાસેના ડેટાને મેળવી શકે. આને કારણે બજારમાં નવીનતાની સાથોસાથ બિનતંદૂરસ્ત સ્પર્ધા ઊભી થવાનું જોખમ પણ રહ્યું હોવાનું ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે.
ફિનટેકના કામકાજમાં એઆઈના ઉપયોગના વ્યાપક ફાયદા રહેલા છે ત્યારે તેની સાથે કેટલાક જોખમો પણ જોડાયેલા છે. ઓટોમેટેડ નિર્ણય પ્રક્રિયામાં પારદર્શીતાનો અભાવ રહેતો હોય છે. નિષ્ણાતોની વાત માનીએ તો એઆઈના ડેવલપરો આ બાબતે કેટલીક મર્યાદાઓ ધરાવતા હોય છે. નાણાંકીય ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં લોનના વહીવટમાં એઆઈના ઉપયોગ દરમિયાન કોઈપણ ભૂલના કિસ્સામાં જવાબદારી એક મુદ્દો બની જાય છે. સ્વાયત્ત રીતે કામ કરવાના એઆઈના સ્વભાવને જોતા કોઈપણ ભૂલના કિસ્સામાં નિયમનકારી માળખાના અભાવે જવાબદારી નિશ્ચિત કરવાનું જટિલ બની શકે છે.
એઆઈ ક્ષેત્રે પ્રવર્તતી સ્પર્ધા બિનતંદૂરસ્ત ન બની રહે તે અટકાવવા સીધી રીતે નિયમન કરતો હોય તેવો કોઈ અસરકારક કાયદો ભારતમાં હાલમાં અસ્તિત્વમાં નથી, પરંતુ એઆઈના ઉપયોગ તેની રચના માટેની કેટલીક માર્ગદર્શિકા તથા માળખા તૈયાર કરવામાં આવી રહ્યા છે ખરા. દેશમાં એઆઈનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે પરંતુ એઆઈને લગતા કાયદાઓ સંદર્ભે હજુપણ અવકાશ પ્રવર્તી રહ્યો છે, ત્યારે સ્પર્ધા વચ્ચે પ્રભાવ પાડવાની એલ્ગોરિધમની ભૂમિકાને સારી રીતે જાણતા સીસીઆઈએ આ મુદ્દાને વેળાસર ગંભીરતાથી ધ્યાનમાં લીધો છે, અન્ય ક્ષેત્રોની જેમ જે દેશમાં એઆઈ ટેકનોલોજીના ક્ષેત્રમાં દરેકને યોગ્ય બજાર મેળવવાની પૂરતી તક આપવામાં આવશે તો જ આ નવી ટેકનોલોજી પૂરી પાડતી કંપનીઓને લાંબા ગાળા સુધી ટકી રહેવાનું સરળ બનશે અન્યથા બિનતંદૂરસ્ત સ્પર્ધાના પરિણામો કેવા રહે છે તે દેશમાં આ અગાઉ અનેક ક્ષેત્રોમાં જોવા મળ્યું છે તેવુ જ ચિત્ર એઆઈ ટેકનોલોજીમાં જોવા મળશે તો નવાઈ નહીં ગણાય.