- AI કોર્નર
- ભારે સ્પર્ધાને કારણે કંપનીઓએ વ્યાપક રોકાણ કરવાની ફરજ પડી રહી છે
આજથી પાંચ દાયકા પહેલા જ્યારે કોમ્પ્યુટરની તેજી ચરમસીમાએ હતી ત્યારે ઉત્પાદનક્ષમતા સંદર્ભમાં નકારાત્મક માન્યતા ઊભી થઈ હતી. તે વેળાએ કંપનીઓ દ્વારા નવી ટેકનોલોજીમાં જંગી ઈન્વેસ્ટમેન્ટ છતાં, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થયાના બહુ ઓછા પુરાવા પ્રારંભમાં જોવા મળ્યા હતા. આવી જ સ્થિતિ આજના સમયની નવી ટેકનોલોજી આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની બાબતમાં જોવા મળી રહી છે. એક રિસર્ચ પેઢી દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દર ૧૦માંથી ૮ કંપનીઓએ જનરેટિવ એઆઈનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે આમછતાં આ કંપનીઓના નફામાં ખાસ વધારો જોવા મળ્યો નથી. જનરેટિવ એઆઈ એક એવા પ્રકારની એઆઈ છે જે વર્તમાન ડેટાનું એનાલિસિસ કરવાને બદલે નવી જ માહિતી પૂરી પાડવા પર ધ્યાન આપે છે. જનરેટિવ એઆઈ ટેક્સ્ટ, તસવીર, કોડ, વિડીયો વગેરેનું સર્જન કરી શકે છે. જનરેટિવ એઆઈને આ ક્ષમતા જંગી ડેટાસેટસમાંથી શીખવાની તેની શક્તિમાંથી આવે છે અને તેના આધારે તે વપરાશકારને નવા પ્રકારના જ પરિણામ આપે છે.
અનેક ફાયદાઓને કારણે કૃત્રિમ બુદ્ધિ (એઆઈ) એકવીસમી સદીની સૌથી ચર્ચાસ્પદ ટેકનોલોજી બની રહી છે. એઆઈના ઉપયોગના અનેક લાભો છે ત્યારે તેના ઘણા પડકારો પણ રહેલા છે. ભારત જેવા વિકાસસિલ દેશે એઆઈના વિકાસની સાથોસાથ તેની સામે રહેલા પડકારોને ઓળખી લેવાની જરૂર હોવાનો નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે જેથી તેના વપરાશકારો અને તેમાં નાણાં રોકતી કંપનીઓમાં એઆઈ માટેના વિશ્વાસ વધારવામાં મદદ મળે.
એઆઈ ટેકનોલોજીના ઉપયોગ બાબતમાં મોટી ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ વચ્ચે હાલમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે જેને કારણે એવી અપેક્ષા ઊભી થઈ છે કે આ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ બેક ઓફિસ એકાઉન્ટિંગથી લઈને ગ્રાહક સેવામાં ક્રાંતિ લાવશે. સ્પર્ધામાં આગળ નીકળી જવા કંપનીઓ દ્વારા જે રીતે ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે તેમને વળતર મળતું નહીં હોવાનું દેશની આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓના તાજેતરની કામગીરી પરથી કહી શકાય એમ છે.
આયોજનપૂર્વકના ખર્ચમાં લાંબા ગાળાની ધીમી ગતિ, બૃહદ આર્થિક અનિશ્ચિતતા તથા કલાયન્ટસ દ્વારા નિર્ણય લેવામાં ઢીલને પરિણામે આઈટી કંપનીઓની નફાશક્તિ હાલમાં દબાણ હેઠળ આવી ગઈ છે. જેને પરિણામે દેશની ટોચની પાંચ આઈટી કંપનીઓની સંયુકત માર્કેટ કેપમાં વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૨૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેમનું વેલ્યુએશન પણ ઘટી પાંચ વર્ષની નીચી સપાટીએ આવી ગયું છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારો આઈટી કંપનીઓમાંથી નોંધપાત્ર રોકાણ પાછા ખેંચી રહ્યા છે. કંપનીઓના અર્નિંગ્સમાં ઘટાડાને કારણે શેર ભાવને ઘસારો પહોંચ્યો છે. વર્તમાન વર્ષના જૂન ત્રિમાસિકમાં આઈટી કંપનીઓના અર્નિંગ્સ અને રેવેન્યુમાં વૃદ્ધિ દર નબળા રહ્યા હતા. ટોચની પાંચ આઈટી કંપનીઓનું સંયુકત નેટ વેચાણ જૂન ત્રિમાસિકમાં માત્ર ચાર ટકા વધી રૂપિયા ૧.૭૧ ટ્રિલિયન રહ્યું હતું જે છેલ્લા ચાર ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી વૃદ્ધિ હતી. એઆઈને કારણે આઈટી કંપનીઓએ સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
નિષ્ણાતોની વાત માનીએ તો સ્પર્ધામાં આગળ રહેવા વેપારગૃહોએ જનરેટિવ એઆઈમાં ઈન્વેસ્ટમેન્ટ વધારતા રહેવુ પડશે. વર્તમાન વર્ષમાં કંપનીઓ દ્વારા જનરેટિવ એઆઈમાં ઈન્વેસ્ટમેન્ટમાં ૯૦ ટકાથી વધુનો વધારો થઈને ૬૧.૯૦ અબજ ડોલર રહેવાની રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. જોકે એઆઈનો પ્રાયોગિક ઉપયોગ શરૂ કરીને તેને પડતી મૂકી દેતી કંપનીઓની માત્રા ૨૦૨૪માં વધી ૪૨ ટકા પર પહોંચી ગઈ હતી, જે ૨૦૨૩માં ૧૭ ટકા હતી. ૧૦૦૦ જેટલી ટેકનોલોજી તથા અન્ય ક્ષેત્રની કંપનીના મેનેજરોના સર્વે પરથી આ હકીકત જણાઈ હતી. પ્રોજેકટો પડતા મૂકવા અથવા તેમાં નિષ્ફળતા માટેના કારણમાં ટેકનિકલ અવરોધો ઉપરાંત માનવ પરિબળો જેમ કે સ્કીલ સાથેના કર્મચારીઓનો અભાવ રહેલું છે. જ્યાંસુધી નવી ટેકનોલોજીના ઉપયોગમાં લાભ અને વળતર નથી જોવા મળતા ત્યાંસુધી તેના સ્વીકારમાં વેપારગૃહો ખચકાટ અનુભવતા હોય છે જે કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટના આગમન વખતે જોવા મળ્યું હતું.
એઆઈ ટેકનોલોજીનો સૌથી મોટો લાભ હાલમાં તેના વિકાસકો અને સંશોધકોને થઈ રહ્યો છે, જેઓ એઆઈ સોફટવેર ઓફર કરી રહ્યા છે. એઆઈને કારણે મોટા ભાગના ક્ષેત્રોમાં કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવશે. જો કે આ બદલાવ આજે આવશે કાલે આવશે કે વર્ષો પછી આવશે તેનો આધાર વેપારગૃહો દ્વારા તેમના કામકાજમાં એઆઈનો કેટલો સ્વીકાર કરવામાં આવે છે તેના પર રહેલો છે.
એઆઈ સોલ્યુશન્સ અથવા ટુલ્સ વિકસાવવા જંગી માત્રામાં વિશ્વસ્નિય ડેટાની આવશ્યકતા રહે જે મેળવવા સમય તથા નાણાંનો ખર્ચ કરવાનું જરૂરી બની રહે છે. કેટલાક ક્ષેત્રોમાં ડેટા અપૂરતા અથવા તો આધારભૂત હોતા નથી, જેને કારણે એઆઈ સિસ્ટમ્સનો ઉપયોગ કરવાનું જોખમરૂપ પણ સાબિત થઈ શકે છે. વિશ્વની જાયન્ટ ટેક કંપનીઓ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ દ્વારા ભારતમાં પ્રભુત્વ જમાવવા ચાલી રહેલી હોડને જોતા વિશ્વમાં ભારત એઆઈ ટેકનોલોજી ક્ષેત્રમાં વ્યાપક ઈન્વેસ્ટમેન્ટ આવવાની શકયતા જોવાઈ રહી છે. ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોની હાજરી, સરકાર દ્વારા પૂરા પડાતા ટેકા તથા વિવિધ ક્ષેત્રો દ્વારા એઆઈ સંચાલિત સોલ્યુશન્સ માટે વધી રહેલી માગને કારણે ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધામાં છે. પોતાના કલાયન્ટસને એઆઈ આધારિત સોલ્યુશન્સ પૂરા પાડવા કંપનીઓ ભારતમાં જંગી રોકાણ પણ કરી રહી છે, પરંતુ તેના પર વળતરને લઈને ચિંતા પણ જોડાયેલી હોવાનું કહેવું અસ્થાને નહીં ગણાય.


