- AI કોર્નર
- સાઈબર હુમલામાં વધુ આધુનિકતા લાવવા નવી ટેકનોલોજીનો થઈ રહેલો દૂરુપયોગ
પોલીસની બે આંખ તો ચોરની ચાર આંખ જેવો ઘાટ હાલમાં નવી વિકસી રહેલી ટેકનોલોજી આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં જોવા મળી રહ્યો છે. વપરાશકારોની સવલત માટે વિવિધ કંપનીઓ દ્વારા બજારમાં મુકાઈ રહેલા એઆઈ ટુલ્સમાંની નબળાઈઓને ઓળખી કાઢી હેકર્સો પોતાનો સ્વાર્થ સાધી રહ્યા હોવાના કિસ્સા જોવા મળી રહ્યા છે, જેને પરિણામે સાઈબર સિક્યુરિટીની ક્ષમતા દાવ પર લાગી ગઈ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં સાઈબર હુમલાને કારણે ભારતના ચારમાંથી એક વેપારગૃહે દસ લાખ ડોલરનું નુકસાન ભોગવ્યાનું એક સર્વે રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. જો કે મોટી કંપનીઓ હુમલાનો ભોગ વધુ બની રહી છે. વર્ષે પાંચ અબજ ડોલર કે તેથી વધુની રકમ કમાતી કંપનીઓમાંથી ૪૫ ટકા જેટલી કંપનીઓએ ઓછામાં ઓછા દસ લાખ ડોલરનું નુકસાન કર્યાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. સાઈબર હુમલા સામે રક્ષણ મેળવવા મોટાભાગની કંપનીઓ સાઈબરસિક્યુરિટી પાછળના ખર્ચમાં વધારો કરવા યોજના ધરાવે છે. સલામતિ પૂરી પાડતી કંપનીઓ એઆઈ પ્રેરિત સાઈબર સુરક્ષા પૂરી પાડવામાં વધારો કરી રહી છે. જો કે સાઈબર સુરક્ષા માટે એઆઈનો વપરાશ કરવા આવશ્યક નિષ્ણાત કર્મચારીઓની અછત મોટો પડકાર હોવાનું પણ કંપનીઓ માની રહી છે.
અન્ય એક અહેવાલ પ્રમાણે યુકેની એક કાર ઉત્પાદક કંપનીના ઉત્પાદન એકમ પર થયેલા સાઈબરએટેકને કારણે સદર કંપનીને ૨.૫૦ અબજ ડોલરનું નુકસાન થયાનો અંદાજ મુકાયો છે. મોટાભાગનું નુકસાન કંપની ખાતે ઉત્પાદનમાં પડેલી ઘટના સ્વરૂપમાં થયું છે. આ ઉપરાંત કંપનીના પૂરવઠેદારોએ પણ સહન કરવાનું આવ્યું હતું, એમ સાઈબર મોનિટરિંગ સેન્ટર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. સાઈબર એટેક માત્ર વેપારગૃહો પૂરતા જ મર્યાદિત નથી રહ્યા પરંતુ વેન્ડર્સ તથા પૂરવઠેદારો પણ તેના સકંજામાં આવી રહ્યા છે. સાઈબરએટેકને પરિણામે માત્ર યુકેની કાર ઉત્પાદક કંપનીને જ નહીં પરંતુ યુકેના અર્થતંત્ર પર પણ તેની પરિણામકારક અસર જોવા મળી હતી. હુમલાને કારણે કાર ઉત્પાદન એકમ દોઢ મહિના બંધ રાખવાની ફરજ પડી હતી. એઆઈના આગમન બાદ સાઈબર એટેકની પદ્ધતિ વધુને વધુ આધુનિક બનતી જાય છે. દરેક ટુલ જે સાઈબરએટેકને ખાળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે તેને જ હુમલાખોરો ટાર્ગેટ બનાવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
એઆઈ જેવી ઊભરતી ટેકનોલોજીઓના ઝડપથી વધી રહેલા સ્વીકાર એક નવા જોખમોનું નિર્માણ કરી રહ્યા છે. કારણ કે હુમલામાં વધુ આધુનિકતા લાવવા સાઈબર ક્રિમિનલ્સ આ ટેકનોલોજીઓનો દૂરુપયોગ કરતા થયા છે. ડેવલપરો દ્વારા વિકસાવવામાં આવતા એઆઈ ટુલ્સનો હેકરો નાણાં પડાવવા માટે પણ ઉપયોગ કરતા થયાના અહેવાલો આવી રહ્યા છે. એઆઈ સામેથી જેમ જેમ જોખમો વધી રહ્યા છે તેમ તેમ વિશ્વભરની સરકારો સાઈબર ક્રાઈમ સામે લડવા એઆઈને જ કામે લગાડી રહી છે. હાલમાં ઓટીટી પર ચાલી રહેલી એક વેબ સીરિઝમાં ટેકનોલોજીના ઉપયોગ મારફત હેકર્સો ની મેલીમુરાદને કેવી રીતે નિષ્ફળ બનાવવામાં આવતી હોય છે તેનું સીરિઝના કેટલાક હિસ્સામાં ઉદાહરણ જોવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ આવેલા એક અહેવાલમાં સાઈબર ડીફેન્સ સહિતની પોતાની એઆઈ ક્ષમતામાં વધારો કરવામાં મદદ મેળવવા અમેરિકાના સંરક્ષણ વિભાગે ઓપન એઆઈને ૨૦ કરોડ ડોલરનો કોન્ટ્રેકટ આપ્યો છે. માઈક્રોસોફટે પણ યુરોપની સરકારોને સાઈબર સિક્યુરિટી કાર્યક્રમ ઓફર કર્યા છે જે મારફત સરકારો સાઈબર જોખમો સામેથી સંરક્ષણ સુવિધાઓનું રક્ષણ કરી શકે. આ પ્રોગ્રામનો હેતુ એઆઈ પ્રેરિત જોખમોની માહિતીની આપલે કરવાની કામગીરીમાં વધારો કરવાનો છે જેથી કરી નવી ટેકનોલોજી મારફતના સાઈબર એટેકને અટકાવી શકાય અને તેની સામે અવરોધ પણ ઊભો કરી શકાય.
ભારતની વાત કરીએ તો સાઈબર સિક્યુરિટીમાં એઆઈપર એઆઈના આક્રમણથી તે સાવચેત બની ગયું છે. દેશના ધ ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ, નેશનલ ઓટોમેટેડ ફેસિઅલ રિકગ્નિશન સિસ્ટમ તથા નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રીડે સિક્યુરિટીના સંચાલનને ડિજિટાઈઝડ બનાવવા તરફ ખાસ પગલા હાથ ધર્યા હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું હતું.
મહત્વના માહિતી માળખાઓની સલામતિ માટે ભારતે ખાસ કેન્દ્રિય એજન્સીની રચના પણ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિ માટે આવશ્યક એવા ક્ષેત્રો જેમ કે પરિવહન, બેન્કિંગ, ટેલિકમ્યુનિકેશન અને વીજ ઉપક્રમો સાથે આ એજન્સી સહયોગ સાધી નજીકથી કામગીરી કરી રહી છે. એક તરફ સાઈબર હુમલામાં વધારો થવાને કારણે આ હુમલા સામે સલામતિ પૂરી પાડી શકે તેવા સાઈબર સિક્યુરિટી વ્યવસાયીકોની માગ વધી રહી છે ત્યારે ભારતમાં આવા પ્રકારના વ્યવસાયીકોની વ્યાપક અછત જોવા મળી રહી છે જે એઆઈના સ્વીકારમાં અવરોધરૂપ બની શકે છે. આઈટી, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ તથા અન્ય વેપારગૃહોમાં સાઈબરસિક્યુરિટીની ભૂમિકા માટે હાલમાં ૨૮૦૦૦થી ૩૦,૦૦૦ એન્જિનિયરો માટે ઓપનિંગ્સ જોવા મળી રહ્યા છે, પરંતુ તેની સામે ઉપલબ્ધતા૩૫થી ૪૦ ટકા જેટલી ઓછી હોવાનું એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. સાઈબર સિક્યુરિટીની આવશ્યકતા માત્ર આઈટી ઉદ્યોગ પૂરતી જ મર્યાદિત નથી પરંતુ જે જે ઉદ્યોગો એઆઈનો સ્વીકાર કરી રહ્યા છે તે દરેકમાં સાઈબરસિક્યુરિટીની જરૂરિયાતો ઊભી થઈ રહી છે. ટેક સર્વિસ કંપની હોય કે રિટેલ અથવા કિવક સર્વિસ કંપની દરેક જણ એજન્ટિક એઆઈ અથવા જનએઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે જેમાં ડેટાનો જંગી વપરાશ થાય છે. સરકારી એજન્સીઓ હોય કે વેપાર ગૃહો દરેકે જોખમો સામે સુરક્ષિત રહેવા નવા ટુલ્સ સાથે સજ્જ થતા રહેવું પડશે. જેમ જેમ એઆઈનો વપરાશ વધી રહ્યો છે તેમ એઆઈ વિરુદ્ધ એઆઈનું યુદ્ધ પણ વધી રહ્યું છે જેને ખાળવાની તાકિદે આવશ્યકતા છે અન્યથા વિશ્વના મોટાભાગના દેશો માટે એઆઈ એક આશીર્વાદ કરતા અભીશાપ વધુ બની રહેશે તેમ કહીશુ તો ખોટું નહીં ગણાય.


