Get The App

જીએસટીમાં કપાત બાદ તહેવારોની મોસમમાં વેચાણ વધારવા ઈ-કોમર્સ દ્વારા AI નો સહારો

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
જીએસટીમાં કપાત બાદ તહેવારોની મોસમમાં વેચાણ વધારવા ઈ-કોમર્સ દ્વારા AI નો સહારો 1 - image

- AI કોર્નર

- લોકોમાં શું ટ્રેન્ડ છે તેની ગ્રાહકોને જાણકારી પૂરી પાડવા એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

- ઓન-લાઈન રિટેલમાં એઆઈનો એક મુખ્ય ઉપયોગ ગ્રાહકને તેમની પસંદગીના પ્રોડકટસની ભલામણ કરવા અંગેનો છે

દેશમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) માળખામાં નોંધપાત્ર ફેરબદલ બાદ પ્રથજ વખત આવી રહેલા દશેરા-દિવાળીના તહેવારોમાં ઈ-કોમર્સ તથા રિટેલ કંપનીઓ પોતાના વેચાણ વધારવા વિવિધ સ્કીમ્સની સાથોસાથ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીનો સહારો લેવા પણ સજ્જ થઈ રહી છે. જીએસટીમાં ઘટાડાને કારણે વર્તમાન વર્ષના તહેવારોમાં માલસામાનની માગમાં જોરદાર વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે ત્યારે વર્તમાન વર્ષની તહેવારોની મોસમ સ્વાયત્ત એઆઈ એજન્ટો મોટાપાયાની માગનું અસરકારક સંચાલન કરી શકે છે કે કેમ તેની કસોટી થઈ જવાની ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે. 

જીએસટી ઉપરાંત સરકારે આવકવેરામાં પણ મુક્તિમર્યાદામાં મોટો વધારો કર્યો છે જેને કારણે પણ માલસામાન ખાસ કરીને કન્ઝયૂમર ગુડસ જેમ કે ટીવી, ફ્રીજ, એસી જેવા રોજબરોજના વપરાશી સાધનોની માગમાં વધારો થવાની ધારણાં રાખવામાં આવી રહી છે. જંગી માગને પહોંચી વળવા વિવિધ ક્ષેત્રની કંપનીઓ ઉત્પાદનમાં વધારો કરી પૂરવઠા સાંકળને સજ્જ કરવા સાથે એઆઈ ટેકનોલોજી સમયને સાચવી લેશે તેવી અપેક્ષા સાથે તેનો પણ ઉપયોગ વધારી રહ્યા છે.

એક રિસર્ચ પેઢી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં  ભાગ લેનારા ઉપભોગતાઓમાંથી  ૭૦ ટકાથી વધુએ  એઆઈને કારણે પોતાને શોપિંગના અલગ જ  અનુભવ થયાનું જણાવ્યું હતું. એઆઈ સંચાલિત ઈ-કોમર્સ બજારનું કદ વર્તમાન વર્ષના અંતે ૮.૬૫ અબજ ડોલર પહોંચવાની સર્વે રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. એઆઈ એજન્ટનો સહારો લેવા વધુને વધુ ઈ-કોમર્સ કંપનીઓ તથા રિટેલરો ઉત્સુક હોવાનું પણ જણાયું હતું. 

ઈ-કોમર્સ હોય કે રિટેલ ચેઈન હોય  પોતાનો વેપાર વધારવા કંપનીઓ ગ્રાહકો સાથે સંપર્ક સાધવા અને કામકાજની આંતરિક ક્ષમતા વધારવા જનએઆઈને ઉપયોગમાં લઈ રહી છે. વર્તમાન વર્ષની તહેવારોની મોસમમાં એઆઈની ક્ષમતાનો ઉપયોગ કરવા કંપનીઓ તત્પર હોવાનું જણાઈ રહ્યું છે. ઓનલાઈન કરાતા સર્ચમાં સૂચિત ગ્રાહકોને પ્રોડકટની ભલામણ કરવાથી લઈને તેમના સર્ચને વેચાણમાં પરિવર્તીત કરવામાં એઆઈનો ઉપયોગ કરાતો હોવાનું એક ટેકનોલોજી કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું. બજારમાં કેવા કપડાની  કેવા પ્રકારની ફેશન ચાલી રહી છે, લોકોમાં શું ટ્રેન્ડ છે તેની ગ્રાહકોને જાણકારી પૂરી પાડવા એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યાનું એક ફેશન ડિઝાઈનિંગ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. 

તહેવારોની મોસમમાં પૂરવઠા સાંકળને જાળવવાની કામગીરી હમેશા પડકારરૂપ બની રહે છે. માલસામાનના પેકિંગથી લઈને ડિલિવરીના રિઅલ ટાઈમ ટ્રેકિંગ આજે માર્કેટિંગના એક મહત્વના અંગ બની ગયા છે તેને ધ્યાનમાં રાખીને પણ એઆઈ ટેકનોલોજી પાછળ ઈ-કોમર્સ કંપનીઓ જંગી રોકાણ કરી રહી છે. માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ વિતરકોને કરાતી ડિલિવરી તેમની પાસે પડેલા સ્ટોક તથા કયા પ્રોડકટસની કેટલી માગ છે તેની પણ જાણકારી મેળવવા એઆઈનો ઉપયોગ થઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દેશમાં ઈન્ટરનેટના  ફેલાવા   સાથે વપરાશમાં વધારો, સ્માર્ટફોનના વધી રહેલા ઉપયોગ અને મધ્યમ વર્ગની આવકમાં થઈ રહેલી વૃદ્ધિને કારણે ઈ-કોમર્સ ક્ષેત્રએ પણ નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે. પોતાના બજાર કદ તથા ગ્રાહક સ્તર વધારવાના ભાગરૂપ ઈ-કોમર્સ કંપનીઓ પોતાના કામકાજમાં ક્રાંતિ લાવવા એઆઈનો લાભ ઉઠાવી રહી છે.

 ઈ-કોમર્સમાં એઆઈનો એક મુખ્ય ઉપયોગ ગ્રાહકને તેમની પસંદગીના પ્રોડકટસની ભલામણ કરવા અંગેનો છે. ગ્રાહક દ્વારા ઓનલાઈન કરાતા સર્ચ, ગ્રાહકની ખરીદી ક્ષમતા તથા તેમની પસંદ નાપસંદ ઓળખી કાઢીને એઆઈ તેમને તે પ્રમાણે પ્રોડકટની જાણકારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ગ્રાહકોને તેમને અનુરૂપ શોપિંગનો અનુભવ પૂરો પાડીને તેમને પોતાની તરફ આકર્ષવા દેશની મોટી ઈ-કોમર્સ કંપનીઓ એઆઈ દ્વારા સંચાલિત ભલામણ એન્જિન્સનો ઉપયોગ કરી રહી છે. 

ગ્રાહકોના સવાલજવાબ અથવા તેમની કોઈ મુંઝવણ હોય તો તે દૂર કરવા ઈ-કોમર્સ કંપનીઓ એઆઈ સંચાલિત ચેટબોટસ અને વર્ચ્યુલ આસિસ્ટન્ટસનો ચોવીસ કલાક ઉપયોગ ચાલુ રાખે છે. ગ્રાહકોની મુંઝવણોને તાકીદે દૂર કરી તેમના સંતોષમાં વધારો કરવા સાથોસાથ ઈ-કોમર્સ કંપનીઓ કામકાજ પાછળના ખર્ચ અને સમયમાં બચત કરી લેતી હોવાનો ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. 

માત્ર ગ્રાહકોને જ નહીં પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ  ઈન્વેન્ટરી, ભાવ તથા લોજિસ્ટિકસ સંદર્ભમાં માહિતીસભર નિર્ણય લેવા માટે એઆઈનો સહારો લઈ રહી છે, જેથી બનિજરૂરી ખર્ચમાંથી બચી શકાય છે. ઐતિહાસિક ડેટા, સિઝનલ ટ્રેન્ડ અને હવામાન તથા રજાના સમયગાળાની એનાલિસિસ કરીને એઆઈ ઈ-કોમર્સ કંપનીઓને નિર્ણય લેવામાં મદદરૂપ થઈ રહી છે. એઆઈના ઉપયોગના લાભો  મેળવવામાં કેટલાક પડકારોનો પણ કંપનીઓએ સામનો કરવો પડી રહ્યો છે.