- AI કોર્નર
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વિસ્તરણ અને એઆઈ સંબંધિત પ્રવૃત્તિઓમાં વધારાને કારણે ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી)માં વળતર આપવાના તથા માગવાના નવા ગણિતો બની રહ્યા છે, કારણ કે સંપૂર્ણ વિશ્વ માટે નવા જ પ્રકારની આ ટેકનોલોજીમાં મનુષ્યબળની માગ સામે પૂરવઠાની ભારે અછત જોવા મળી રહી છે. એઆઈ આધારિત ટૂલ્સ વિકસાવવા અને ચલાવવા, પૂરતી સ્કીલ સાથેના ડેવલપરો તથા યુઝર્સ માટેની માગ આવા ટાસ્કસ પૂરા કરી શકે તેવી વ્યક્તિઓની સંખ્યા કરતા ઘણી જ વધુ છે. આને પરિણામે, આઈટી કંપનીઓ પર પોતાના કર્મચારીઓ માટે સ્કીલિંગ કાર્યક્રમો હાથ ધરવાનું દબાણ વધી રહ્યું છેે. એઆઈ ક્ષમતા સાથેની ટેલેન્ટને ભરતી કરવાના કંપનીઓના પ્રયાસ રહેલા છે. વિશ્વના બીજા દેશોની જેમ ભારત પણ ટેલેન્ટની માગ-પૂરવઠા વચ્ચેના અંતરને પૂરવા સંઘર્ષ કરી રહ્યું છે. માગ પ્રમાણે પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાથી એઆઈ ટેલેન્ટ સાથેના એન્જિનિયરોને આઈટી કંપનીઓ ઊંચા વળતરની ઓફર કરી રહી હોવાનું ચિત્ર છે. મનુષ્યબળ મેળવવા એઆઈ ક્ષેત્રની અનેક આગેવાન કંપનીઓ વચ્ચે રીતસરની સ્પર્ધા શરૂ થઈ છે એટલું જ નહીં હરિફ કંપનીઓ પોતાના કર્મચારીઓને પ્રલોભન આપી પોતાની તરફ ખેંચી રહી હોવાના પણ કંપનીઓ વચ્ચે આપસમાં આક્ષેપો થઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં એકલા ચીનમાં જ ઓછામાં ઓછા ૬૦ લાખ એઆઈ વ્યવસાયીકોની આવશ્યકતા રહેશે, પરંતુ સૂચિત માગમાંથી અંદાજે ૪૦ ટકા માગ જ પૂરી થઈ શકવાનો પણ અંદાજ મુકાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કંપનીઓ વચ્ચે સ્કીલ્ડ વર્કફોર્સ ખેંચવાની સ્પર્ધા વધવાની શકયતા નકારાતી નથી.
માત્ર ટેકનિકલ સ્કીલ્સ જ નહીં પરંતુ એઆઈ વ્યવસાયીકો વિવિધ ક્ષેત્રમાં સેવા પૂરી પાડી શકે અને વેપારની તકો શોધી શકે તેવા પણ હોવા જરૂરી હોવાનું આઈટી કંપનીઓ માની રહી છે. ભારતમાં ૨૦૨૭ સુધીમાં એઆઈ જોબ ઓપનિંગ્સ ૨૩ લાખના આંકને પાર કરી જવાનો અન્ય એક રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. પરંતુ એઆઈ ટેલેન્ટ સાથેના ૧૨ લાખ જ વ્યવસાયીકો ઉપલબ્ધ બની શકવાની પણ રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે. આમ બાકીના ૧૧ લાખ કર્મચારીઓને મેળવવા માટે આઈટી કંપનીઓ પર તેમના હાલના કર્મચારીઓના સ્કીલિંગ તથા અપસ્કીલિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. દેશમાં એઆઈ ટેલેન્ટની સૂચિત અછતને પૂરી કરવા હાલની શૈક્ષણિક વ્યવસ્થામાં ફેરબદલ કરવાની જરૂરત હોવાનું એઆઈ ક્ષેત્રના એક નિષ્ણાતે મત વ્યકત કર્યો હતો. ૨૦૪૭ સુધીમાં મધ્યમ આવક સાથેના દેશમાંથી ઊંચી આવક સાથેના વિકસિત દેશ બનવા માટે ભારત માટે ટેકનોલોજીમાં આધુનિકતા સાથોસાથ પોતાના કર્મચારીબળની ગુણવત્તા સુધારવાનું અતિ આવશ્યક છે. સંશોધન તથા વિકાસને પરિણામે નવા પ્રકારના એઆઈ મોડેલ્સની થઈ રહેલી રચના આ ઉદ્યોગને એક નવા સ્તર પર પહોંચાડશે અને આગામી ચાર વર્ષમાં વૈશ્વિક એઆઈ માર્કેટનું કદ ૧.૩૯ ટ્રિલિયન ડોલર પર પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે. વર્તમાનમાં ચીન અને અમેરિકા એઆઈ ક્ષેત્રે આગળ છે પરંતુ આ ક્રાંતિમાં ભારત પણ વ્યાપક તક ધરાવી રહ્યું છે. ૭૦ લાખ જેટલા આઈટી વ્યવસાયીકો, ૩૪૦ અબજ ડોલરના સ્ટાર્ટઅપ ક્ષેત્ર તથા ટેકનોલોજી કંપનીઓની દેશમાં જોરદાર હાજરી એઆઈ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે ભારત પાસે એક મજબૂત આધાર છે. ૧૪૦ કરોડની લોકસંખ્યા એઆઈ ક્ષેત્રે નવી શોધના પરિક્ષણ માટે ભારત એક મુખ્ય મથક બની શકે છે.
એઆઈના ઉપયોગ થકી અનેક સિદ્ધિઓ મેળવી શકાય એમ છે ત્યારે દેશમાં એઆઈ ટેકનોલોજીના સ્વીકાર મારફત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો પોતાના વિકાસ માટે એઆઈના ઉપયોગ કરવામાં કેટલી તત્પરતા દર્શાવે છે તે આવનારા દિવસોમાં જોવાનું રહેશે. એઆઈની શક્તિને દેશના ઉદ્યોગોએ પારખવાની રહેશે . એઆઈ શું કરી શકે છે, તેણે શું કરવું જોઈએ અને વેપાર રચના સાથે તેને કેવી રીતે જોડી શકાય તે વેળાસર ઓળખી લેવાની નાનામોટા દરેક ઉદ્યોગો માટે આવશ્યક છે એવો પણ ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતે મત વ્યકત કર્યો હતો.
એઆઈનો સ્વીકાર કરવા ભારતની કંપનીઓ તૈયાર છે, પરંતુ એઆઈના ઉપયોગ માટે આવશ્યક ભંડોળ ઠાલવવામાં હજુ આપણે પાછળ છીએ, એવું જણાય છે. કર્મચારીઓને એઆઈ તાલીમ પાછળ નાણાં ખર્ચ કરવામાં બહુ ઓછી કંપનીઓ તૈયાર હોવાનું જોવા મળે છે. ટેકનોલોજી ક્ષેત્રે જે રીતે સતત નવીનતા શોધાઈ રહી છે તેને જોતા દેશના ૫૦ ટકાથી વધુ કર્મચારીઓ તથા કંપનીઓ આજની સ્કીલ પાંચ વર્ષ પછી આઉટડેટેડ થઈ જવાનો ભય સેવી રહ્યા છે. માત્ર ભારત જ નહીં વૈશ્વિક સ્તરે પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે એઆઈ ક્ષેત્રના સ્વતંત્ર વ્યવસાયીકોએ કલાયન્ટસને અપેક્ષિત પરિણામો પૂરા પાડવા ટૂલ્સ અથવા સોલ્યુશન્સ વિકસાવવામાં સ્પર્ધાત્મકતાનો સતત સામનો કરવાનો વારો આવી શકે છે. ટેકનોલોજીના વિકાસ માટે ભારતે એઆઈ મિશન લોન્ચ કર્યું છે. પરંતુ આપણું ધ્યાન હાલમાં ડાઉનસ્ટ્રીમ સાધનોમાં છે. જ્યારે એઆઈ એજન્ટિક એક આશાસ્પદ ક્ષેત્ર છે એમ એઆઈ ક્ષેત્રના નિષ્ણાત દાવો કરી રહ્યા છે. એઆઈ એજન્ટિકમાં વેપાર પ્રક્રિયાને ઓટોમેટ કરી શકાય છે. એઆઈને વેપાર સ્તરે આવરી લેવાના વ્યૂહને ભારતીય કંપનીઓ સ્વીકારતી થશે ત્યારથી ઘરઆંગણેની બજારમાં એઆઈ ટેલેન્ટ માટેની માગમાં વધારો જોવા મળશે. દેશમાં અનુભવી એઆઈ ટેલેન્ટના હાલમાં નીચા વોલ્યુમ અને એઆઈ અપસ્કિલીંગની ધીમી ગતિને જોતા આગામી બે-ત્રણ વર્ષમાં દેશમાં માગ પ્રમાણે એઆઈ ટેલેન્ટનો સમતુલિત પૂરવઠો જોવા મળવાની હાલમાં શકયતા જણાતી નથી.


