Get The App

AI ને કારણે રોજગાર નિર્માણ થશે કે નાબુદ તે કહેવુ હાલમાં વહેલુ ગણાશે

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
AI ને કારણે રોજગાર નિર્માણ થશે કે નાબુદ તે કહેવુ હાલમાં વહેલુ ગણાશે 1 - image


- AI કોર્નર

- જે કામગીરી માટે કર્મચારીની પ્રત્યક્ષ હાજરી આવશ્યક હોય છે  ત્યાં  એઆઈની અસર જોવા નહીં મળવા પ્રવર્તતો મત

ભારતની મોટી ઈન્ફરમેશન ટેકનોલોજી (આઈટી) કંપનીઓમાંની એક ટીસીએસ દ્વારા તાજેતરમાં જ પોતાના છ લાખ વર્કફોર્સમાંથી બે ટકા એટલે કે ૧૨૦૦૦ જેટલા કર્મચારીઓને વર્તમાન વર્ષમાં છૂટા કરવાની જાહેરાત આવી પડી છે. ટીસીએસની આ જાહેરાતે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીને કારણે દેશમાં રોજગાર છીનવાઈ રહ્યા છે કે કેમ તેવી ચર્ચાને ફરી ગતિ આપી છે. આ અગાઉ પણ ૨૦૦૮ની નાણાંકીય કટોકટી હોય કે પછી કોરોનાની અસર દેશના આઈટી ક્ષેત્રમાં  રોજગાર  સાથે સંકળાયેલાઓએ અનેક ચડાવઊતાર જોયા છે. અત્યારસુધીના ભૂતકાળ પર નજર નાખીએ તો કોઈપણ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીના આગમન સાથે તેની સીધી અને પ્રથમ અસર કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિમાં બદલાવના રૂપમાં જોવા મળે છે, એઆઈ પણ આમાંથી બાકાત નથી અને તેને કારણે કામની પદ્ધતિ ખાસ કરીને એકની એક કામગીરી પાર પાડવામાં મોટા ફેરબદલ આવી રહ્યા છે. 

કર્મચારીઓની ભરતી માટેની સેવા પૂરી પાડતી પેઢીઓ નાણાંકીયથી લઈને અનેક પ્રકારના સેવા ક્ષેત્રમાં એઆઈને કારણે રોજગાર ઘટી રહ્યાનો દાવો કરી રહી છે, પરંતુ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રોજગાર પરના એક અહેવાલમાં એઆઈને કારણે વૈશ્વિક સ્તરે રોજગાર ગુમાશે તેના કરતા તેનું નિર્માણ વધુ થશે તેવી ગણતરી મૂકવામાં આવી છે. ફોરમના રિપોર્ટ પ્રમાણે આજથી પાંચ વર્ષમાં રોજગારમાં સાત ટકા અથવા ૭.૮૦ કરોડનો ઉમેરો થવાની ધારણા ંછે. ભારતની વાત કરીએ તો  અહીંં કર્મચારીઓની સ્કીલિંગમાં બદલાવ આવશે. કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતી વધુ પસંદગીકૃત બની રહેશે.   ગ્રાહક સેવા એજન્ટો, ડેટા એન્ટ્રી ઓપરેટરો, ઈનવોઈસ પ્રોસેસર્સ તથા જુનિયર ઓડિટ સ્ટાફની કામગીરીમાં એઆઈની ભૂમિકા વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે. આ ક્ષેત્રોમાં પ્રથમ સ્તરની કામગીરી મોટેભાગે એઆઈ દ્વારા જ પાર પડાઈ રહી હોવાનું  પણ જોવા મળે છે. 

સેવા ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા રોજગાર  કેન્દ્ર મનાતા બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ અને નોલેજ પ્રોેસેસિંગ આઉટસોર્સિંગમાં પણ રોજગાર દબાણ હેઠળ આવી ગયા છે. વૈશ્વિક સ્તરે અંદાજે ૩૦ ટકા કસ્ટમર સર્વિસ રિકવેસ્ટને એઆઈ દ્વારા પાર પાડવામાં આવે છે. આ ઉપરાંત કાનૂન તથા ઓડિટને લગતી સેવામાં દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પણ એઆઈ દ્વારા હાથ ધરાતી થઈ છે જેને પરિણામે જુનિયર સ્તરના કર્મચારીઓના રોજગાર જોખમમાં આવવા લાગ્યા છે. જો કે આ ઘટાડો તાત્કાલિક જોવા નહીં મળે પરંતુ  તે તબક્કાવાર જોવા મળશે. આમછતાં રોજગારના પ્રકારમાં બદલાવથી કર્મચારીબળમાં પ્રવેશતા નવા યુવા રોજગારઈચ્છુકો સામે અવરોધ ઊભા થવાનું જોખમ રહેલું છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કાર્યરત બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ અને નોલેજ પ્રોેસેસિંગ આઉટસોર્સિંગમાં બેરોજગારી ઊભી થવાની શકયતા નકારાતી નથી. બેરોજગારીના કિસ્સામાં શહેરી વિસ્તારોમાં આવક મોરચે અસમાનતા ઊભી થવાનું જોખમ નકારાતું નથી. માત્ર નવા રોજગાર ઈચ્છુકોમાં જ નહીં પરંતુ ૧૫થી ૨૦ વર્ષના અનુભવ સાથેના કર્મચારીબળને પણ એઆઈના આગમનથી રોજગારમાં ખલેલ જોવા મળી શકે છે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  દ્વારા હાલમાં છેડાયેલી ટેરિફ વોર વચ્ચે કંપનીઓ પોતાની આવશ્યકતા પ્રમાણે જ કર્મચારીઓની સંખ્યા રાખવા તરફ વળી છે ત્યારે એઆઈએ પણ ખાસ  તાલીમ સાથેના કર્મચારીઓની માગ  ઊભી કરી છે. એઆઈને કારણે  બદલાઈ રહેલી  વ્યવસાયીક કામગીરી વચ્ચે કંપનીઓએ કર્મચારીઓને નવા પ્રકારની તાલીમો આપવાની તથા તેમની કામકાજની પદ્ધતિમાં બદલ લાવવાની ફરજ પડી રહી છે.   વિશ્વમાં  હાલમાં  એઆઈનો જે  ઝડપથી વિકાસ થઈ  રહ્યો છે તેને જોતા આવનારા  વર્ષોમાં કેવા પ્રકારની ટેકનોલોજી વિકાસ પામશે અને કેવા પ્રકારની ટેકનોલોજી  અદ્રષ્ય થઈ જશે તેનો અંદાજ મેળવવો મુશકેલ છે. એઆઈ, ડેટા સાયન્સ તથા સાયબરસિક્યુરિટીમાં સ્કીલ ધરાવતા હોય તેવા કર્મચારીઓની ભરતી પર જ આઈટી કંપનીઓ વધુ ધ્યાન આપી રહી છે. કર્મચારીઓની ભરતી તથા તેમને જાળવી રાખવાની નીતિમાં બદલાવ કંપનીઓ દ્વારા ચોક્કસ પ્રકારના વર્કફોર્સની માગ વધી રહી હોવાના સંકેત આપે છે. કંપનીઓના કામકાજમાં એઆઈનું સંકલન માટે આઈટી ક્ષેત્રમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રની કંપનીઓમાં પણ ઝડપથી વધી રહ્યું છે. એઆઈ ભલે દરેક પ્રકારના રોજગારનું સ્થાન લઈ નહીં શકે પરંતુ તેના આગમનને કારણે આઈટી ઉપરાંત અન્ય ક્ષેત્રના રોજગારમાં ખલેલ પડી શકે છે. જો કે જે કામગીરી માટે કર્મચારીની પ્રત્યક્ષ હાજરી આવશ્યક હોય છે તેવા રોજગાર પર એઆઈની અસર જોવા નહીં મળે તેવો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. 

એઆઈના આગમનને કારણે ઊભી થઈ રહેલી રોજગારની સમશ્યાનો કોઈ ઉકેલ નથી અને સ્પર્ધામાં ટકી રહેવા કંપનીઓ એઆઈનો સ્વીકાર કરવાથી દૂર રહી શકે એમ નથી. આમછતાં, એઆઈના વિકાસમાં પાવરધા હોય તેવા સ્કીલ વર્કફોર્સની માગમાં વધારો થશે તેમાં બેમત જણાતો નથી. રોજગારમાં ટકી રહેવું હોય તો સ્કીલિંગ કાર્યક્રમમાં ભાગ લેવા અથવા તો પોતાને રિસ્કીલ કરવા આઈટી કંપનીઓ કર્મચારીઓને આગ્રહ કરી રહી છે. દેશમાં એઆઈને કારણે ઊભા થનારા પડકારો અને તેના થકી મળનારા લાભો પ્રાપ્ત કરવા હશે તો સરકાર, શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાનો સમય પાકી ગયો છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.


Tags :