Get The App

AI ના આક્રમણને કારણે રોજગારની સ્થિતિ સુધરશે કે બગડશે તે અંગે પ્રવર્તતા મતમતાંતર

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
AI ના આક્રમણને કારણે રોજગારની સ્થિતિ સુધરશે કે બગડશે તે અંગે પ્રવર્તતા મતમતાંતર 1 - image

- AI કોર્નર

- ઓટોમેશન અને ટેકનોલોજીના વિકાસ સાથે રોજગાર બજારના સમીકરણો બદલાતા રહે છે

તાજેતરંમાં આવેલા એક અહેવાલમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે દેશ-વિદેશમાં ઉદ્યોગોમાં કામગીરીની પદ્ધતિમાં આવી રહેલા ધરમૂળથી ફેરબદલો અને  ખર્ચમાં બચત કરવાના  ભાગરૂપ અમેરિકન કંપનીઓ દ્વારા વર્તમાન વર્ષમાં અંદાજે ૧૦ લાખ કર્મચારીઓને ઘરભેગા કરી દેવાયા હોવાનું જણાવાયું હતું. 

 માત્ર ઓકટોબર મહિનામાં કરાયેલી છટણીના આંક પર નજર નાખીએ તો  કર્મચારીઓની કરાયેલી છટણીનો આંક બે દાયકામાં કોઈપણ કોઈપણ ઓકટોબર મહિનાનો સૌથી ઊંચો રહ્યો છે. ગયા મહિને અમેરિકન કંપનીઓ દ્વારા કુલ દોઢ લાખ  જોબ કટસની જાહેરાત કરાઈ હતી જે ગયા વર્ષના ઓકટોબરની તુલનાએ લગભગ ત્રણ ગણો આંક છે.  કર્મચારીઓની સૌથી વધુ છટણી ટેકનોલોજી અને વેરહાઉસિંગ ક્ષેત્રની કંપનીઓ દ્વારા કરવામાં આવી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો હતો. 

૨૦૦૩ના ઓકટોબર બાદ વર્તમાન વર્ષના ઓકટોબરમાં આ સૌથી મોટી છટણી  કરવામાં આવી છે જે એઆઈની  રોજગાર પર અસર પડી રહી હોવાના સ્પષ્ટ સંકેત આપે છે. ૨૦૦૩માં સેલફોનમાં ક્રાંતિથી ટેલિકોમ ક્ષેત્રે મોટા ફેરબદલો જોવા મળ્યા હતા.  કેટલીક કંપનીઓ જેમણે કોરોનાના કાળમાં મોટી ભરતી કરી નાખી હતી તેમાં તેઓ  હવે કાપ મૂકી રહી છે પરંતુ ઓકટોબરની છટણી મોટે ભાગે એઆઈના મળી રહેલા પરિણામો અને કોસ્ટ કટિંગના ભાગરૂપ જ આવી પડી હોવાનું ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે. 

જે લોકોને  રજા આપી દેવામાં આવી છે તેમની માટે અમેરિકામાં હાલની સ્થિતિમાં રોજગાર  મેળવવાનું મુશકેલ જણાઈ રહ્યું છે જેને કારણે  આવનારા દિવસોમાં અમેરિકામાં લેબર માર્કેટ વધુ નબળી જોવા મળવાનું જોખમ ઊભુ થયું છે. કર્મચારીઓની કપાતની સામે  ભરતીની જાહેરાત ૨૦૧૧ બાદ સૌથી નીચી જોવા મળી છે.

ભારતની વાત કરીએ તો ગયા મહિને નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા અહેવાલમાં એઆઈને કારણે  ટેકનોલોજી ક્ષેત્રમાં વીસ લાખ રોજગાર ઘટી જવાની ચિંતા વ્યકત કરવામાં આવી હતી. જો કે આગામી પાંચ વર્ષમાં એઆઈને કારણે ચાલીસ લાખ નવા રોજગાર નિર્માણ થવાની પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. દેશનો ટેકનોલોજી ક્ષેત્ર હાલમાં ૮૦ લાખ લોકોને રોજગાર પૂરા પાડે છે.  ૨૦ લાખ લોકોની નોકરી ગુમાઈ જવાનો અર્થ અન્ય બેથી અઢી કરોડ લોકો પર સીધી અથવા આડકતરી અસર પડવી એવો થઈ શકે. 

એઆઈને કારણે રોજગારની રૂપરેખા  મોટેપાયે બદલાઈ રહી હોવાનું જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડીમોનના તાજેતરના એક નિવેદન પરથી કહી શકાય એમ છે. તેમણે કરેલા દાવા પ્રમાણે હાલમાં આપણે જે કામગીરી એક સપ્તાહમાં પૂરી કરીએે છીએ તે એઆઈને કારણે સાડાત્રણ દિવસમાં સમાપ્ત કરી શકાશે. આગામી ૨૦,૩૦,૪૦ વર્ષમાં વિશ્વના દરેક કામોમાં એઆઈની દખલગીરી વધી ગઈ હશે. વિકસિત દેશો પોતાની સપ્તાહની કામગીરી સાડાત્રણ દિવસમાં પૂરી કરતા થઈ જશે તેવો તેમણે દાવો કર્યો હતો. નવી ટેકનોલોજી એવી સાબિતી પૂરી પાડે છે, કે અનેક કલાકો માગી લેતી   કામગીરી થોડાઘણાં કલાકોમાં પૂરી થઈ શકે છે, જે કામગીરીની પરંપરાગત પદ્ધતિ બદલાઈ રહ્યાનું ઉદાહરણ છે. 

તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે એઆઈ રોજગાર નાબુદ કરી નાખશે, જીવનમાં ટકી રહેવા લોકોએ નવી સ્કીલ્ડ કેળવવી પડશે. નવેસરથી તાલીમ આપી કાર્યબળમાં બદલાવ માટે તૈયાર થવા તેમણે  સરકાર અને વેપારગૃહોને સલાહ આપી છે. 

કર્મચારીઓની ભરતી માટેની સેવા પૂરી પાડતી પેઢીઓ નાણાંકીયથી લઈને અનેક પ્રકારના સેવા ક્ષેત્રમાં એઆઈને કારણે રોજગાર ઘટી રહ્યાનું   જણાવી રહી છે, બીજી બાજુ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રોજગાર પરના  તાજેતરના એક અહેવાલમાં એઆઈને કારણે વૈશ્વિક સ્તરે રોજગાર  નાબુદ થશે તેના કરતા તેનું નિર્માણ વધુ થશે તેવી ગણતરી  મુકાઈછે.  ભારતની વાત કરીએ તો અહીંં કર્મચારીઓની સ્કીલિંગ કાર્યક્રમમાં બદલાવ  આવી રહ્યો છે. કર્મચારીઓની ભરતીમાં કપંનીઓ  પહેલા કરતા વધુ  સિલેકટિવ બની રહેશે.   ગ્રાહક સેવા,  ડેટા એન્ટ્રી ઓપરેટરો, ઈનવોઈસ પ્રોસેસર્સ તથા ઓડિટ સ્ટાફની કામગીરીમાં એઆઈએ પગપેસારો કર્યો હોવાનું મળી રહ્યું છે. આ ક્ષેત્રોમાં પ્રથમ સ્તરની કામગીરી મોટેભાગે એઆઈ દ્વારા જ પાર પડાતી થઈ છે. 

નવી ટેકનોલોજીના આગમનને કારણે ઊભા  થઈ રહેલા  પડકારો  હાલમાં કોઈ ઉકેલ નથી અને સ્પર્ધામાં ટકી રહેવા કંપનીઓ એઆઈનો સ્વીકાર કરવાથી અલિપ્ત રહી શકે એમ નથી. આમછતાં, એઆઈના વિકાસમાં પાવરધા હોય તેવા સ્કીલ વર્કફોર્સની માગમાં વધારો થશે તેમાં બેમત જણાતો નથી. રોજગારમાં ટકી રહેવું હોય તો સ્કીલિંગ કાર્યક્રમમાં ભાગ લેવા અથવા તો પોતાને રિસ્કીલ કરવા આઈટી કંપનીઓ કર્મચારીઓને આગ્રહ કરી રહી છે. દેશમાં એઆઈને કારણે  સૂચિત   સમશ્યા અને તેના થકી મળનારા લાભો પ્રાપ્ત કરવા સરકાર, શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગોએ  સંયુકત રીતે કામ કરવાનો સમય પાકી ગયો છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. 

ઓટોમેશન અને  ટેકનોલોજીના  વિકાસે રોજગાર બજારના સમીકરણો  બદલી નાખ્યા છે. ભારતના  ખાસ કરીને ટેલિકોમ  અને આઈટી ક્ષેત્રમાં સતત બદલાવને કારણે  શક્ષિત - અર્ધશિક્ષિત યુવા-યુવતિઓને તેમનું ભવિષ્ય અનિશ્ચિત જણાય છે.  મોટી જનસંખ્યાનો લાભ મળવાને બદલે ભારત માટે તેની જનસંખ્યા રોજગારના અભાવે  બોજારૂપ બનતી જાય છે. ચીને તેની લોકસંખ્યાનો જે રીતે લાભ ઉઠાવ્યો છે તેવો  જનસંખ્યાનો   ફાયદો મેળવવામાં ભારત પાછળ રહી ગયું છેે.  એઆઈના આક્રમણથી  ભારત  અને વિદેશની રોજગાર બજારના ભાવિ અંગે વિભિન્ન મતો પ્રવર્તી  રહ્યા છે  ત્યારે એઆઈની રોજગાર પર અસરને હળવેકથી લઈ શકાય એમ નહીં હોવાનું પ્રવર્તમાન સંજોગો સંકેત આપી રહ્યા છે.