Get The App

વ્યક્તિગત માહિતીની તફડંચીમાં AIના વપરાશમાં થઈ રહેલો જોખમી વધારો

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
વ્યક્તિગત માહિતીની તફડંચીમાં AIના વપરાશમાં થઈ રહેલો જોખમી વધારો 1 - image

- AI કોર્નર

- જોખમોને ખાળવા માટે પણ એઆઈ ટુલ્સનો જ ઉપયોગ કરવા અપનાવાતો વ્યૂહ

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમન બાદ ભારતમાં સાઈબર ક્રાઈમમાં વધારો  જોવા મળી રહ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા હવે એઆઈ તથા જનરેટિવ એઆઈથી સજ્જ થઈ રહ્યા છે અને અસલી શું અને નકલી શું તે વચ્ચેનો ભેદ મીટાડવા આધુનિક ટુલ્સનો વપરાશ કરી રહ્યા છે, ત્યારે મોબાઈલ જેવી આધુનિક ટેકનોલોજીના વપરાશકારો માટે પોતાની વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવાનું દિવસોદિવસ કઠીન બનતું જાય છે. વ્યક્તિઓ અથવા કંપનીઓના માલિકોના ઈમેલ પર ત્રાટકી ખાનગી માહિતીઓ ગુપચાવી તેનો અન્યત્ર ઉપયોગ કરવાનું એઆઈને કારણે આસાન બની ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટેકનોલોજીના વપરાશમાં વધી રહેલી ગુનાખોરીને કારણે ટેકનોલોજીના વપરાશકારો માટે સલામતિ જાળવવાનું મુશકેલ બનતું જાય છે અને તેમણે સાઈબર હુમલાનો વારંવાર સામનો કરતા રહેવું પડે છે. 

એઆઈને કારણે વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવાનું પડકારરૂપ બની જતા બેન્કો, આઈટી અને  નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓ હવે વ્યક્તિગત માહિતીની ઉઠાંતરી થતી અટકાવવા સલામતિની મજબૂત યંત્રણા બેસાડવા લાગ્યા છે. વ્યક્તિગત માહિતીની તફડંચી કરી તેનો ઉપયોગ સરહદપાર થવાનું હવે સરળ બની ગયું છે. સોશ્યલ મીડિયા અને જનએઆઈ ટેકનોલોજીએ માહિતીના તફડંચીકારો માટે ઝડપથી સંશોધન અને ટાર્ગેટ કરવાના માર્ગ ખોલી આપ્યા છે. આધુનિક ડિજિટલ સાધનો અને એઆઈના આગમને આવા પ્રકારના હુમલાને ગતિ આપવામાં મદદ કરી છે. વ્યક્તિગત વપરાશ હોય કે વ્યવસાયીક રીતે વપરાતી ટેકનોલોજી હોય એઆઈ હવે બેધારી મુસીબત બનતી જાય છે,એમ સાઈબર સિક્યુરિટી ક્ષેત્રના નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે. વપરાશકારોને જોખમો ઓળખી કાઢવામાં એઆઈ મદદ કરે છે પરંતુ સાથોસાથ એઆઈ સંચાલિત સાધનો ગૂનેગારોને ગુના કરવાના માર્ગો પણ પૂરા પાડી રહ્યા છે. 

ટેકનોલોજીના વપરાશ સમયે ઊભા થતા જોખમોને ઓળખી કાઢી તેને નાથવામાં એઆઈ ઘણી જ ઝડપી કામગીરી પાર પાડે છે પરંતુ સાથોસાથ એઆઈને કારણે સાઈબર હુમલા પણ ઝડપથી અને મજબૂતાઈથી થવા લાગ્યા છે, તે પણ નકારી શકાય એમ નથી. માનવ એજન્ટની સરખામણીએ એઆઈ ઝડપથી નિર્ણય અને કાર્યવાહી કરી શકવા શક્તિમાન છે. એઆઈ ટેકનોલોજીના વિકાસમાં પણ પોલીસની બે આંખ તો ચોરની ચાર આંખ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. 

સોશ્યલ મીડિયા પર જે પ્રમાણમાં માહિતીઓની આપલે  વધી રહી છે તે જ પ્રમાણે  સાઈબર એટેકરો માટે પણ તફડંચીના વધુને વધુ નવા માર્ગો ખૂલતા જાય છે. તાજેતરમાં પ્રકાશમાં આવેલા એક બનાવમાં કેટલાક તફંડચીકારોએ  મોબાઈલ પર લગ્નના આમંત્રણની લિન્ક મોકલી તે મારફત વપરાશકારના બેન્ક ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી નાખી હોવાનું જણાયું હતું. આવા પ્રકારની કામગીરીમાં એઆઈનો ઉપયોગ થયાનું કહી શકાય એમ છે. ઓળખની તફડંચી સહિતના સાઈબર હુમલાને કારણે ૨૦૨૪માં વૈશ્વિક સ્તરે ૯.૫૦ લાખ   કરોડ ડોલરનું નુકસાન થયાનો અંદાજ મુકાઈ રહ્યો છે. 

ભારતની વાત કરીએ તો  અહીં ૨૦૨૪માં ૧૯.૧૮ લાખ સાઈબરક્રાઈમની ફરિયાદો જોવા મળી હતી. જે ૨૦૨૩માં ૧૫.૫૬ લાખ હતી. ૨૦૧૯થી ૨૦૨૪ના ગાળામાં સાઈબરક્રાઈમના બનાવોમાં દસ ગણો વધારો થયો છે. સાઈબર ક્રાઈમમાં સૌથી વધુ હુમલા નાણાંકીય ક્ષેત્રમાં જોવા મળે છે. ગત વર્ષમાં સાઈબર ક્રાઈમને લઈને ભારતના નાગરિકોએ રૂપિયા ૨૨૮૦૦ કરોડ જેટલી રકમનું નુકસાન ભોગવવું પડયું હોવાનું એક રિપોર્ટમાં  જણાવાયું હતું. ૨૦૨૩ના રૂપિયા ૭૪૯૬ કરોડની સરખામણીએ ૨૦૨૪નો નુકસાનીનો આંક ત્રણ ગણો વધુ છે. હુમલામાં જંગી વધારો થવા પાછળનું કારણ એઆઈ ટુલ્સના વિકાસ રહેલું છે. સાઈબરક્રિમિનલોના હાથમાં ગેરરીતિ આચરવા એક સુરક્ષિત સાધન બની ગયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઈમેલ ફિશિંગની તફડંચીની કામગીરીમાં અંદાજે ૮૨ ટકા તફડંચીમાં એઆઈનો વપરાશ થયાનો અંદાજ છે. જેમ લોઢાથી લોઢુ કપાય તેમ એઆઈ મારફત થતી ગુનાખોરીને અટકાવવા જોખમ ઓળખી શકે તેવા એઆઈ આધારિત ટુલ્સ વિકસાવવા સદર રિપોર્ટમાં ભાર અપાયો છે.

ગુનેગારો જેમ એઆઈનો દૂરુપયોગ વધી રહ્યા છે તેમ ઉદ્યોગજગત પણ પોતાના વેપારને સુરક્ષિત રાખવા ટેકનોલોજીનો વપરાશ વધારી રહ્યું છે. આમછતાં એઆઈ સામેથી રહેલા જોખમોને સમજવા  ઉદ્યોગો માટે કર્મચારીઓને તાલીમ પૂરી પાડવાનું આવશ્યક બની ગયું છે.  સમય સાથે કદમ મિલાવવા ઉદ્યોગોમાં એઆઈનો ઉપયોગ દિવસોદિવસ આવશ્યક બનતો જાય છે.  

વ્યવસાયીક કામકાજમાં એઆઈ ટેકનોલોજીના વપરાશની વાત કરીએ તો ડિજિટલ ધિરાણ ક્ષેત્રમાં   મુખ્યત્વે  બેન્કિંગ ક્ષેત્રમાં એઆઈનો વ્યાપક સ્વીકાર થઈ રહ્યો  છે. ડિજિટલ ધિરાણ ક્ષેત્રમાં એઆઈ ગ્રાહકોને ચેટિંગ  મારફત માહિતી પૂરી પાડવાથી લઈને વ્યક્તિગત સેવાઓ ઓફર કરે  છે જેને કારણે ધિરાણ માટેના નિર્ણયોમાં ઝડપ લાવી શકાય. જો કે આ  નિર્ણય પ્રક્રિયામાં  નિર્ણય લેવા સાથે જોડાયેલા જોખમો ઊભા ન થાય તેની તકેદારી રાખવા નિયામકો દ્વારા ધિરાણદારોને સતત સૂચિત કરવામાં આવી રહ્યા છે. ભારતમાં એઆઈ હજુ પ્રાથમિક તબક્કામાં છે ત્યારે  વિશ્વસ્નિય એઆઈ ટેકનોલોજી કેવી હોવી જોઈએ અને તેના ઉપયોગ થકી હિસ્સેદારોને કેવા લાભ મળી શકે છે તેની માહિતી પણ વપરાશકારોને ઉપલબ્ધ બની રહે તે આવશ્યક  છે, જેથી એઆઈ ટેકનોલોજીના દૂરુપયોગ સામેથી સુરક્ષિત રહી શકાય.