Get The App

આરોગ્ય સેવા ક્ષેત્રમાં AI નો પ્રવેશ તબીબોનો આંશિક વિકલ્પ બની રહેવાના સંકેત

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
આરોગ્ય સેવા ક્ષેત્રમાં AI નો પ્રવેશ તબીબોનો આંશિક વિકલ્પ બની રહેવાના સંકેત 1 - image

- AI કોર્નર

તાજેતરમાં આવેલા એક અહેવાલમાં એક ફ્રેન્ચ મહિલાને થયેલી કેન્સરની બીમારી તબીબોએ નહીં પરંતુ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીએ પકડી પાડી હતી. સદર મહિલાના રાતના સમયે પસીનો અને ખજવાળની સમશ્યા રહેતી હતી. ડોકટરોએ તેની આ સમશ્યાને માનસિક તાણ હોવાનું નિદાન કર્યું હતું એટલું જ નહીં તેના બ્લડ રિપોર્ટ પણ સામાન્ય જોવા મળ્યા હતા. લાંબો સમય પસાર થવા છતાં પોતાની આ સમશ્યાનો અંત નહીં આવતા સદર મહિલાએ હાલમાં બહુચર્ચિત  ચેટજીપીટીને આ સંદર્ભમાં કૂતુહલવશ સવાલ કર્યો. મહિલાના આશ્ચર્ય વચ્ચે એઆઈના આ ચેટબોટે મહિલાને બ્લડ કેન્સર હોવાની શંકા વ્યકત કરી હતી અને થોડાક સમય બાદ મહિલાને ખરેખર બ્લડ કેન્સર નીકળ્યું હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. આમ જે બીમારી તબીબો (માનવી) ઓળખી ન શકયા તે બીમારી એઆઈએ પકડી પાડતા તબીબી જગતમાં એઆઈના ઉપયોગમાં આવનારા દિવસોમાં વધારો થવાની શકયતા વધી ગઈ છે. 

એઆઈ ટેકનોલોજીના નિષ્ણાતોની વાત માનીએ તો આરોગ્ય સંભાળમાં એઆઈ ભલે તબીબોનું સ્થાન લઈ નહીં શકે પરંતુ તબીબોને રોગના નિદાન કરવામાં ઝડપ કરાવશે તેમાં કોઈ  બેમત નથી. નિદાન કર્યા બાદ દરદીની બીમારીની નોંધ, તેને કેવા પ્રકારની સારવારની આવશ્યકતા છે અથવા તો કેવા પ્રકારની સારવાર આપી શકાય તે સહિતની તબીબી પ્રકારની કામગીરીમાં ડોકટરોને  એઆઈ ટેકનોલોજી મદદ કરતી જોવા મળશે. હવે આરોગ્યસંભાળ ક્ષેત્રે  એઆઈ ટેકનોલોજી તબીબોની નિદાન તથા સારવાર કરવાની ક્ષમતામાં વધારો તથા ઝડપ કરાવશે તેમ પણ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

દેશની કેટલીક હોસ્પિટલોએ નિદાન કામગીરીમાં એઆઈ ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ શરૂ કરવા પહેલા તેને ડોકટરોની સાથોસાથ કામે લગાડવાનું શરૂ કર્યું હોવાનું જોવા મળી રહ્યું છે. 

રોગના નિદાન તથા સારવારના શ્રેષ્ઠ પરિણામો મેળવવા વૈશ્વિક સ્તરે અંદાજે ૭૫ ટકા આરોગ્ય સંભાળ તથા લાઈફસાયન્સ કંપનીઓ એઆઈનો ઉપયોગ કરવા તરફ વળી છે. લેબોરેટરી દ્વારા મેળવાયેલા લોહી તથા અન્ય સેમ્પલોની ઊંડી તપાસમાં એઆઈ ગજુ કાઢી રહી છે. ભૂતકાળના લાખો સેમ્પલોને આધારે એઆઈ મોડેલ્સ માનવ દ્વારા જે ચૂકી જવાય છે તેવી વિસંગતતાઓ ઝડપી શકે તેવી રીતે તેમને તાલીમ બદ્ધ કરવામાં આવી રહ્યા છે. એકસરે હોય કે બ્લડ ટેસ્ટ કે એમઆરઆઈ કે સીટી સ્કેન, એઆઈ ટેકનોલોજી તેની તપાસમાં પેથોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટની ભૂમિકા ભજવતા થશે તેવો સમય હવે દૂર નથી. આરોગ્ય સંભાળ એક એવુ ક્ષેત્ર બની રહેશે જ્યાં એઆઈ વ્યાપક પરિવર્તન પૂરુ પાડવા તરફ વિકસી રહી છે જે આ ક્ષેત્રમાં અભૂતપર્વ સ્તરની ક્રાંતિ દર્શાવશે. આરોગ્યસંભાળ ક્ષેત્રની સંપૂર્ણ સાંકળ એટલે કે પ્રારંભિક નિદાનથી લઈને સારવારની પ્રક્રિયા અને ઔષધોની સલાહમાં એઆઈ ટેકનોલોજીને સ્થાન મળી રહ્યું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 

એઆઈનો ઉપયોગ તબીબી સારવાર જ નહીં પરંતુ બીમારી ન થાય અથવા તો મનુષ્ય તંદૂરસ્ત રહેવા શું કરી શકે તે અંગે વ્યક્તિગત સલાહ સૂચન માટે થઈ શકે તેવા પણ પ્રયાસો શરૂ થઈ ગયા છે. દેશમાં આરોગ્યસંભાળ સેવા ક્ષેત્ર પાસે જંગી માત્રામાં ડેટા ઉપલબ્ધ છે પરંતુ તેની જાળવણી માટે કોઈ વિધિસરની યંત્રણા હોય તેવું જણાતું નથી જે હવે એઆઈ મારફત પૂરી થઈ શકવાની અપેક્ષા છે. દેશભરની હોસ્પિટલો તથા લેબોરેટરીઓમાં દૈનિક લાખોની માત્રામાં વિવિધ ટેસ્ટો થતી હોય છે અને તેના આધારે રિપોર્ટસ પણ તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ રિપોર્ટસના ખરા અર્થમાં વિશ્લેષણ થતા હોય તેવું જોવા મળતું નથી. હવે એઆઈ પ્રેરિત લાર્જ લેન્ગવેજ મોડેલ્સ (એલએલએમ)ને લાખો હેલ્થ રેકોર્ડસ પર તાલીમ આપવામાં આવી રહી છે જે   તબીબી ક્ષેત્રે રોગ નિદાનમાં ક્રાંતિ લાવનારી બની રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ તાલીમને આધારે એઆઈ કોઈ દરદીના  બ્લડ ટેસ્ટને આધારે તેને કેવા પ્રકારની બીમારી આવી શકે છે તેના સંકેત આપી શકશે જે સામાન્ય તપાસમાં શકય નથી બનતું. આ સંકેતને આધારે તબીબ પોતાના દરદીને કેવા પ્રકારના અગમચેતીના પગલાં લેવા જોઈએ તેનું સૂચન કરી શકશે એમ પણ જાણકારો જણાવી રહ્યા છે. જો કે હાલમાં  જે હોસ્પિટલો અથવા લેબોરેટરિમાં એઆઈના ઉપયોગ થઈ રહ્યા છે તે પ્રાયોગિક ધોરણે કરવામાં આવી રહ્યા છે. માત્ર એઆઈના સલાહસૂચનને આધારે તબીબો જેતે દરદીની સારવાર શરૂ નથી કરી દેતા પરંતુ તબીબો પોતાની પદ્ધતિ પ્રમાણે પણ નિદાન કરવાનું ચાલુ રાખે છે.

દેશમાં જાહેર આરોગ્ય સેવાને સુધારવા સરકાર એઆઈનો ઉપયોગ કરવા લાગી છે. જો કે અનેક તબીબી સ્થિતિ જણાવી શકે તેવા એઆઈ ટુલ્સ હજુ વિકાસના પ્રાથમિક તબક્કામાં છે.  ડોકટરો એઆઈ ટુલ્સને સાવચેતીની નજરે જોઈ રહ્યા છે કારણ કે આનાથી લોકો જાતતપાસ તરફ વળવા લાગશે અથવા તો તબીબી સલાહ લેવાનું ટાળતા રહેશે અથવા તો તેમાં ઢીલ કરશે જે જોખમી સાબિત થઈ શકે છે.

એઆઈ ટુલ્સનો ઉપયોગ પુરક તરીકે કરી શકાય પરંતુ તબીબી સલાહકારના સંપૂર્ણ વિકલ્પ તરીકે તેને સ્વીકારી શકાય નહીં અથવા શકાશે પણ નહીં એવો પણ તબીબોમાં મત પ્રવર્તી રહ્યો છે.