- AI કોર્નર
- ભારત દેશમાં એઆઈ મોડેલ્સને પ્રાદેશિક ભાષાઓમાં ટ્રેઈન કરવા આવશ્યક
જટિલ એનાલિસિસ હાથ ધરવાની ક્ષમતા અને ભરપૂર માહિતી એકઠી કરી તે પૂરી પાડવાની તાકાત સાથે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટુલ્સ વહીવટી અને નીતિવિષયક કામગીરીમાં મહત્વનું યોગદાન આપી શકે છે તેવા પુરાવા હવે દેશ-વિદેશમાંથી મળવા લાગ્યા છે. ભારત જેવા વિશાળ દેશના સરકારી કામકાજોમાં એઆઈનો ઉપયોગ કેટલો સફળ રહી શકે છે તેનો આધાર સરકાર તેનો કેટલો અને કયારે સ્વીકાર કરે છે તેના પર રહેલો છે. ભારતમાં વહીવટી કામગીરી ખાસ કરીને સરકારી વહીવટ એટલે એક જટિલ પ્રવૃત્તિ છે જે મર્યાદિત માહિતી અને સ્રોતોના આધારે પાર પાડવામાં આવતી હોવાનું જોવા મળે છે. સરકારી વહીવટમાં પારદર્શીતા પૂરી પાડવા ગુણવત્તાસભર તથા પૂરતી માત્રામાં માહિતી, નીતિમત્તા, લોકતાંત્રિક ધોરણો જેવા કેટલાક પરિબળો કામ કરતા હોય છે. આવી સ્થિતિમાં સરકારી વહીવટમાં એઆઈનો વપરાશ પરિણામકારક બની રહેશે કે કેમ તે પ્રશ્ન થયા વગર રહેતો નથી.
જંગી લોકસંખ્યા સાથેના દેશમાં સરકારી કર્મચારીઓએ વહીવટી કામગીરી ઉપરાંત જનતાને લગતા પ્રશ્નો સાથે સતત ગુંથાયેલા રહેવું પડે છે. જનતાના પ્રશ્નોના ઉકેલ માટે જંગી માત્રામાં માહિતીની ઉપલબ્ધતા આવશ્યક બની રહે છે. ભૂતકાળમાં જે કામગીરીને પૂરી કરવામાં મોટો સમયગાળો લાગી જતો હતો તે ઈનફરમેશન ટેકનોલોજી (કોમ્પ્યુટર)ના આગમન બાદ થોડાઘણા દિવસોમાં પાર પડવા લાગી છે. નિષ્ણાતોની વાત માનીએ તો એઆઈના ઉપયોગ સાથે આ કામગીરીઓ કલાકોમાં અથવા મિનિટોમાં પાર પડતી થઈ જશે જો સરકાર અને સરકારી કર્મચારીઓ એઆઈના સ્વીકાર કરવામાં હકારાત્મક અભિગમ ધરાવતા હશે તો. સરકારી સ્તરે નિર્ણય કરવાની પ્રક્રિયામાં પણ હાલના ધોરણમાં બદલાવ લાવવાની આવશ્યકતા રહેશે.
વિશ્વના વિવિધ વિકસિત દેશો જે એઆઈ સંબંધિત તક નથી ધરાવતા તેવી તક ભારત પાસે જોવા મળી રહી છે. એઆઈ ટુલ્સ સ્પષ્ટ અને ઝીણામાં ઝીણી માહિતીને આધારે કામ કરતા હોવાથી ભારતમાં સરકારી સ્તરે એના ઉપયોગ સામે અનેક પડકારો રહેલા હોવાનું ક્ષેત્રના આગેવાનો માની રહ્યા છે. જેમાંનો મોટો પડકાર ધાર્મિક તથા જાતિ સંબંધિત રહેલો છે. જો કે આવા પ્રકારના પડકાર વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં એઆઈને નિર્ણય પ્રક્રિયામાં એક સહાયક તરીકે ભૂમિકા ભજવવા માટે ઉપયોગમાં લેવાવી જોઈએ અને તેને નિર્ણય લેવાની સત્તા અપાવી જોઈએ નહીં તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે.
ભારત એક વિવિધ ભાષાના ઉપયોગ સાથેનો વિશાળ દેશ છે. અહીંના રાજ્યોમાં સરકારી વહીવટ અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ કરવામાં આવી રહ્યો છે. શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર એમ બે હિસ્સામાં વહેચાયેલા ભારતમાં એઆઈના વપરાશકારોના સ્તર પણ અલગઅલગ છે. વપરાશકારોના સ્તર પ્રમાણે એઆઈ સોલ્યુશન્સ ઊભા કરવાની કામગીરી પડકારરૂપ હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. કૃષિ ક્ષેત્ર માટે એઆઈ સોલ્યુશન્સના વિકાસ માટે વ્યાપક ડેટાની આવશ્યકતા રહે છે, કારણ કે દેશની પચાસ ટકા જનસંખ્યા કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ત્યારે તેમની આવશ્યકતા પણ અલગઅલગ રહે છે એટલું જ નહીં ભારતમાં અનેક ભાષાઓનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ભાષા પણ હાલમાં એક મોટી સમશ્યા જણાઈ રહી છે.
પ્રાદેશિક ભાષાઓ માટે એઆઈ મોટી તક પૂરી પાડે છે, પરંતુ નોધપાત્ર જોખમ પણ રહેલા છે. આવનારા દાયકામાં એઆઈ એક આવશ્યકતા બની રહેશે, ભારતીય ભાષાઓ માટે મજબૂત મોડેલ્સ વિકસાવવામાં નહીં આવે તો વપરાશકારોએ અંગ્રેજી પર આધાર રાખવાનો વારો આવશે જે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં એઆઈના સ્વીકાર સામે અવરોધરૂપ બની શકશે. પ્રાદેશિક ભાષામાં ડેટાનો અભાવ પણ એક મોટી સમશ્યા રહેલી છે.
ભાષાકીય અવરોધ સરકાર માટે પોતાના વહીવટમાં એઆઈ ટેકનોલોજીને સામેલ કરવાનું મુશકેલરૂપ જણાઈ રહ્યું છે. દેશના અનેક વિસ્તારો એવા છે જ્યાંના લોકોને તેઓ જે ભાષા સમજી શકે છે તે ભાષામાં શિક્ષણ પ્રાપ્ત થઈ શકતુ નથી અથવા મળવાનું કઠીન હોય છે. ભાષાકીય વિભિન્નતા સરકારને એઆઈના વિકાસમાં મર્યાદા લાવી શકે છે. ભારતના ૧૦ કરોડ નાગરિકો દ્વારા ૪૬૦ જેટલી આદિવાસી ભાષા બોલવા અને સમજવામાં આવે છે.
એઆઈ મોડેલ્સને ભારતીય ભાષાઓમાં તાલીમ પૂરી પાડવા માટે ડેટા સેટસની મર્યાદિત ઉપલબ્ધતા સરકાર માટે એક મુખ્ય ચિંતાનો વિષય છે. મોટાભાગના એઆઈ મોડેલ્સને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ ડેટાસેટસને આધારે તાલીમ આપવામાં આવે છે. જેને કારણે પ્રાદેશિક ભાષાઓમાં વ્યવહાર કરવાના સમયે અસ્પષ્ટતાઓ ઊભી થવાનું જોખમ રહે છે. ઉદાહરણ તરીકે શહેરી હિન્દી પ્રમાણે તાલીમ અપાયેલ મોડેલ્સને ગ્રામ્ય સ્તરે બોલાતી તૂટીફૂટી હિન્દી સમજવામાં સંઘર્ષ કરવાનો વારો આવે છે.
આવી સ્થિતિમાં સરકારે પોતાની વહીવટી કામગીરી પાર પાડવા ભારતીય ભાષાઓમાં એઆઈ મોડેલ્સના કાર્યોને સુધારવા વૈવિધ્યસભર અને સમાવિષ્ટ એવા તાલીમી ડેટાની આવશ્યકતા રહેલી છે. પોતાની વહીવટી કામગીરીમાં સરકારે ખાસ કરીને કેન્દ્ર સરકારે જો એઆઈ મોડેલ્સ અથવા ટુલ્સને કામે લગાડવા હશે તો, પ્રાદેશિક ભાષાઓમાં મોટેપાયે ડેટાસેટસ ઊભા કરવાના રહેશે જેથી એઆઈ મોડેલ્સને યોગ્ય તાલીમ મળી રહે.


