AI ટેકનોલોજીઃ વિશ્વસ્નિયતાના અભાવને કારણે તેના પર યુઝર્સની નિર્ભરતા હજુ પણ દૂર
- AI કોર્નર
- ટેકનોલોજી દ્વારા પૂરી પડાતી માહિતી એકદમ જ સચોટ હોવાનું કોઈ પ્રમાણપત્ર હોતું નથી
તાજેતરમાં આવેલા એક સર્વે રિપોર્ટમાં દૈનિક જીવનમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટુલ્સના વપરાશમાં વૈશ્વિક સ્તરે અમેરિકા તથા યુનાઈટેડ કિંગ્ડમ જેવા પશ્ચિમી દેશોને પાછળ મૂકી ભારત પ્રથમ ક્રમે જોવા મળ્યું હતું. એઆઈ ટુલ્સ પોતાના દૈનિક કામકાજના આંશિક ભાગ બની રહ્યા હોવાનું સર્વેમાં ભાગ લેનારા ૪૧ ટકા ભારતીયોએ જણાવ્યું હતું. એઆઈ ટુલ્સના વપરાશમાં ભારત બાદ બીજા ક્રમે બ્રાઝિલ રહ્યું છે જ્યાં ૩૩ ટકા લોકોએ દૈનિક જીવનમાં એઆઈના વપરાશની વાત કરી હતી. મેક્સિકોના આ આંક ૨૪ ટકા અને જર્મની તથા યુકેનો ૨૧ ટકા છે જ્યારે અમેરિકામાં વીસ ટકા લોકો દૈનિક જીવનમાં એઆઈ ટુલ્સનો ઉપયોગ કરતા હોવાનું સર્વેમાં જણાયું છે. ગયા વર્ષે દરેક દેશોમાં ૧૨૫૦ વ્યક્તિઓનો સર્વે હાથ ધરીને આ રિપોર્ટ તૈયાર કરાયો હતો.
એઆઈ ટુલ્સ સંદર્ભમાં ભારતની વાત કરીએ તો દેશના ખાનગી તથા જાહેર ક્ષેત્રોમાં આધુનિકીકરણમાં એઆઈ ટેકનોલોજી નવેસરથી આકાર પામી રહી છે. ભારતમાં એઆઈ ટુલ્સનો સૌથી વધુ ઉપયોગ સરકારી વિભાગો, બેન્કો તથા ટેલિકોમ કંપનીઓમાં થઈ રહ્યો છે. સરકારી સેવાઓ તથા બેન્કિંગ અને ટેલિકોમ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે અને તેને કારણે વપરાશકારો અથવા ગ્રાહકોને વધુ સક્ષમ ડેટા અને સરળતાના અનુભવ થઈ રહ્યા છે. જો કે એઆઈ ટેકનોલોજી હાલમાં વિકાસના તબક્કામાં હોવાથી તેમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે ડેટાની સલામતિની આવશ્યકતા પણ રહે છે. ગ્રાહકોને ઝડપી અને સક્ષમ સેવા પૂરી પાડવા ભારતના વેપાર ગૃહો નાના અને મલ્ટીમોડેલ એઆઈ ટુલ્સનો સ્વીકાર કરી રહ્યા હોવાનું પણ જોવા મળે છે.
હાલમાં જ યોજાઈ ગયેલી વર્લ્ડ ઓડિયો વિઝ્યુલ એન્ટરટેઈનમેન્ટ સમિત (વેવ્સ), ૨૦૨૫માં વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓના આગેવાનો હાજર રહ્યા હતા. વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ અને વપરાશ માટે અસંખ્ય એઆઈ ટુલ્સ બજારમાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તેનો સ્વીકાર ઘણો જ નીચો હોવાનો આ આગેવાનોનો સામાન્ય મત રહ્યો હતો. ફિલ્મ જગતની વાત કરીએ તો ભારતમાં માત્ર ૨૪ ટકા ફિલ્મ સ્ટૂડિયો એઆઈ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યાની વેવ્સમાં માહિતી અપાઈ હતી. જ્યારે અમેરિકાના ૭૬ ટકા સ્ટૂડિયો પ્રોડકશનમાં એઆઈ ટુલ્સ વાપરતા થયા છે. એઆઈ ક્ષેત્રના વિકાસ માટે ભારત સરકારે જ્યારે રૂપિયા ૧૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે ત્યારે આ અંતર ઘણું જ વધારે હોવાનું કહી શકાય એમ છે.
દેશના ક્રિયેટિવ ઉદ્યોગમાં એઆઈ નોંધપાત્ર પરિવર્તન લાવી રહી છે ત્યારે આ ક્ષેત્રમાં માનવનું સ્થાન છીનવાઈ જશે તેવો ભય પણ ફેલાઈ રહ્યો છે. જો કે એઆઈને કારણે માનવની રચનાત્મક શક્તિમાં વધારો થાય છે અને ે તેનું સ્થાન છીનવાઈ રહ્યું નથી એવો સદર પરિષદમાં સૂર વ્યકત થયો હતો. એઆઈ માનવના હાથમાં ટૂલ્સ પૂરા પાડે છે પરંતુ રચનાત્મક કામગીરી માટે જેની પાયાની આવશ્યકતા છે તે કલા તો માનવ દ્વારા જ દર્શાવી શકાશે. ક્રિયેટિવ ટેલેન્ટનું સ્થાન છીનવી લેવાને બદલે આ ઊભરી રહેલી ટેકનોલોજીઓ સર્જનકારોને ઓછા બજેટમાં વધુ રચનાત્મક કામગીરી હાથ ધરવા શક્તિમાન બનાવે છે. વૈશ્વિક પ્રોડકશન હાઉસો પર નાણાં ખેચ રહે છે જ્યારે ભારતમાં ટેકનોલોજીના જોડાણ મારફત ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં લાભદાયી સ્થિતિમાં મુકાઈ શકે છે.
દૈનિક કામકાજો પાર પાડવામાં ઊભા થતા પડકારો અને વ્યક્તિગત વિકાસ માટે ૭૫ ટકા ભારતીયો એઆઈના સહાયકની મદદ લેતા હોવાનું અન્ય એક રિપોર્ટમાં જણાવાયું હતું. એઆઈના ઉપયોગમાં ઉત્સાહ છતાં તેનો ખરા અર્થમાં સ્વીકાર એટલે કે નિર્ભરતા હજુ પણ પ્રાથમિક તબક્કામાં છે. હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારાઓમાંથી ૬૦ ટકાએ પોતે એઆઈ અંગે સંપૂર્ણ રીતે વાકેફ નહીં હોવાનું જણાવ્યું હતું અને માત્ર ૩૧ ટકા લોકોએ જનરેટિવ એઆઈ ટુલ્સનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. જો કે ગુગલના એઆઈ સહાયક જેમીનીના પ્રારંભિક વપરાશકારોએ નોંધપાત્ર લાભ અનુભવ્યો છે. ૯૨ ટકા વપરાશકારોએ વિશ્વાસમાં વધારો થયાનું જણાવ્યું હતું અને ૯૩ ટકાએે ઉત્પાદનક્ષમતા વધી હોવાનો મત વ્યકત કર્યો હતો.
એઆઈ ટૂલ્સના ઉપયોગમાં પ્રારંભિક કામગીરીમાં મુશકેલી પડતી હોવાનો ૬૮ ટકા લોકોએ મત વ્યકત કર્યો હતો જ્યારે ૫૨ ટકા લોકોએ ટૂલ્સના ઉપયોગ માટે પોતાની પાસે પૂરતી સ્કીલ્સ નહીં હોવાની લાગણી અનુભવી હતી.
ચેટજીપીટીના આગમન થયાના બે વર્ષ પછી, ટેક કંપનીઓ, ઓફિસના કર્મચારીઓ તથા દૈનિક વપરાશકારો વિવિધ કામગીરી પાર પાડવા એઆઈ બોટસ (એઆઈ બોટસ એટલે કે એઆઈ ચેટબોટસ એ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય છે જે માનવ વાર્તાલાપને ગતિ આપવા એઆઈનો ઉપયોગ કરે છે. તેઓ વપરાશકાર સાથે ટેક્સટ અથવા અવાજથી વાર્તાલાપ કરે છે. પુછાતા સવાલોના ઉત્તર આપવાના પ્રયાસો કરે છે.)નો ઉપયોગ કરે છે. જો કે બોટસ દ્વારા પૂરી પડાતી માહિતી એકદમ જ સચોટ હોવાનું કોઈ પ્રમાણપત્ર હોતું નથી અને કદાચ તેને કારણે જ એઆઈ ટેકનોલોજી પર જ નિર્ભર રહેવાનું યુઝર્સ ખચકાઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.