Get The App

AI ટેકનોલોજીમાં સર્વોપરિતા સ્થાપવા ચીન અને અમેરિકા વચ્ચે જોવાતી સ્પર્ધા

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
AI ટેકનોલોજીમાં સર્વોપરિતા સ્થાપવા ચીન અને અમેરિકા વચ્ચે જોવાતી સ્પર્ધા 1 - image

- AI કોર્નર

- નવી ટેકનોલોજીના વિકાસના પરિણામ શું હશે તેની હજુ કોઈને કલ્પના નથી

વિજ્ઞાન, ટેકનોલોજી તથા શસ્ત્રોની બાબતમાં એકબીજાથી ચડિયાતા હોવાનું પૂરવાર કરવા  ચીન અને અમેરિકા બન્ને  દ્વારા સતત પ્રયાસો થતા રહે છે ત્યારે હવે વિશ્વના આ બે મોટા અર્થતંત્રો વચ્ચે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રમાં પોતાની સર્વોપરિતા ઊભી કરવા હોડ જામી હોવાનું તાજેતરના અહેવાલો પરથી કહી શકાય એમ છે. નવી ટેકનોલોજીમાં પોતાની  શ્રેષ્ઠતા સાબિત કરવા બન્ને મહાસત્તાઓ વચ્ચે હાલમાં એક રીતે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે છેવટે ચતુરાઈ અને  બુદ્ધિમત્તાનું સ્તર જ એઆઈમાં ખરું સુપરપાવર કોણ છે તે સાબિત કરશે. ગયા મહિનાના અંતિમ સપ્તાહમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનો  નવો એઆઈ એકશન પ્લાન જાહેર કર્યો હતો. ૨૫થી વધુ જેટલા પાનામાં સમાવી લેવાયેલા  આ પ્લાનમાં અમેરિકાની એઆઈ ટેકનોલોજીના વૈશ્વિક વેચાણમાં વધારો, ડેટા સેન્ટર્સના બાંધકામમાં ઝડપ લાવવા તથા એઆઈના વિકાસમાં અવરોધરૂપ બનતી અમલદારશાહી દૂર કરવા સંબંધે ભલામણો કરવામાં આવી છે. 

અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બાઈડનની સરકારે એઆઈ સંદર્ભમાં મુખ્યત્વે ત્રણ નીતિઓ પર ભાર આપ્યો હતો. એક તો મોડેલના વિકાસમાં ચીનથી આગળ રહેવાનું, દેશભરમાં એઆઈના સ્વીકારને પ્રોત્સાહન આપવાનું તથા એઆઈને કારણે ઊભા થતા જોખમો દૂર કરવાની નીતિનો આમાં સમાવેશ થતો હતો. ટ્રમ્પ વહીવટીતંત્ર આ નીતિઓને જાળવી રાખીને એઆઈના વિકાસમાં આગળ વધી રહ્યું છે. જો કે એઆઈના ઝડપી સ્વીકાર માટે ટ્રમ્પ સરકાર વધુ જોખમો ઉઠાવવા તૈયાર છે. સાથોસાથ ચીનને હંફાવવા મજબૂત ક્ષમતા ઊભી કરવાનો પણ ટ્રમ્પ વહીવટીતંત્ર ધ્યેય ધરાવે છે.

બીજી બાજુ પોતાના એઆઈ ક્ષેત્રને મજબૂત બનાવવા ચીનનો અભિગમ અન્યોને સાથે લઈને ચાલવાનો હોવાનું જણાય છે. ટ્રમ્પના એઆઈ વ્યૂહની નોંધ લઈને ચીનના સત્તાવાળાઓએ જુલાઈના અંતિમ સપ્તાહમાં જણાવ્યું હતું કે એઆઈના સંયુકત વહીવટ પર આંતરરાષ્ટ્રીય સમુદાયે વ્યાપક ભાર આપવો જોઈએ. આ માટે તેમણે વૈશ્વિક માળખા તથા નિયમોની રચના કરવા સૂચન કર્યુ છે  જે એઆઈના વિકાસ તથા ઉપયોગમાં બધાના મતને આવરી લેતા હોય. અમેરિકાના વિકલ્પ તરીકે પોતાની છાપ ઊભી કરવા ચીને વૈશ્વિક સ્તરની એઆઈ સહકાર સંસ્થાની રચના માટે પણ સૂચન કર્યું છે. એઆઈ ટેકનોલોજીના વિકાસમાં થતા અનુભવોની વિશ્વના દેશો એકબીજાને આપલે કરે તેવી પણ ચીન ઈચ્છા ધરાવે છે. 

ચીન તથા અમેરિકા વચ્ચેની આ એઆઈ સ્પર્ધામાં ખરા વિજેતા તો અમેરિકાની ટેક કંપનીઓ જ રહેશે પરંતુ અમેરિકા ફર્સ્ટની ટ્રમ્પની નીતિ સ્થાનિક ટેક કંપનીઓ માટે અવરોધરૂપ બની શકે છે તેમ નિષ્ણાતોનો મત રહ્યાનું એક અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું.  કારણ કે  ટેક કંપનીઓ સામે અમેરિકન સ્કીલ્ડ વર્કફોર્સ  મેળવવાનું પડકારરૂપ રહે છે. પોતાના એઆઈ એકશન પ્લાનને આગળ ધપાવવા ટ્રમ્પ અન્ય દેશો પર દબાણ કરે તો નવાઈ નહીં ગણાય. 

એઆઈના આગમને ટેકનોલોજી ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણ કર્યા છે  અને તેના પરિણામ શું હશે તેની હજુ કોઈને કલ્પના નથી. એઆઈ ટેકનોલોજીના વિકાસમાં અમેરિકામાં ઘણી વહેલી શરૂઆત થઈ હતી આમછતાં, ચીને ભલે આ ક્ષેત્રે મોડેથી ઝંપલાવ્યું હોય પરંતુ તે હવે અમેરિકા સાથે કદમ મિલાવી રહ્યું છે. એઆઈ ક્ષેત્રે ઈજારાશાહી સામે ચીને ચેતવણી ઉચ્ચારી છે. સૂચિત ઈજારાશાહીને રોકવા વર્લ્ડ એઆઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન તરીકે ઓળખતા નવા જુથની રચના આવી પડી છે.જો કે આ જૂથ વિશે ચીન હજુ સ્પષ્ટ રીતે વાત કરતું નથી.  આ જુથનો મુખ્ય હેતુ એઆઈ ક્ષેત્રે કોઈ પણ દેશની ઈજારાશાહી ઊભી ન થાય તે જોવાનો છે. સાનુકૂળ નિયમો હાર્ડવેર તથા સેવાઓ વેચવામાં ચીનની કંપનીઓને અમેરિકાની કંપનીઓની સરખામણીએ વધુ ફાવટ પૂરી પાડશે. 

એઆઈનો વૈશ્વિક સ્તરે વહીવટના મુદ્દે વિશ્વના બે મોટા પાવરહાઉસ ચીન અને અમેરિકા સામસામે આવી ગયાનું જણાય છે. બન્ને દેશો નવી ઊભરતી ટેકનોલોજીને પોતાના અર્થતંત્રના વિકાસ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મહત્વની માની રહ્યા છે.  એઆઈમાં આગેવાની લેવા પોતાનો દેશ તેનાથી થતું હશે તે બધુ કરશે એમ ટ્રમ્પે તાજેતરમાં જાહેર કર્યું હતું. આંતરરાષ્ટ્રીય વહીવટી સંસ્થાઓમાં ચીનના પ્રભુત્વનો સામનો કરવા પણ અમેરિકા તૈયારી કરી રહ્યું છે. 

ભારતની વાત કરીએ તો આપણે એઆઈ ટેકનોલોજીના સ્વીકારમાં  આગળ વધી રહ્યા છીએ પરંતુ વિશ્વ પર પ્રભાવ પાડી  શકાય તેવી એઆઈ ટેકનોલોજી હજુ આપણે  વિકસાવી શકયા નથી. જીપીટી-૪ અથવા જેમીની જેવા પોતાના એઆઈ મોડેલનો ભારતમાં અભાવ છે. આપણી પાસે કોમ્પ્યુટ માળખા પણ મર્યાદિત છે. એટલું જ નહીં ભારત  પાસે પોતે વિકસાવેલુ  એઆઈ સુપરકોમ્પ્યુટર્સ પણ નથી જે અમેરિકા-ચીનમાં એનવિડીયા સંચાલિત કલસ્ટર્સ સામે સ્પર્ધામાં ઊતરી શકે.  એઆઈ ચીપ્સ મેળવવા ભારતે  વિશ્વના પૂરવઠેદારો પર આધાર રાખવો પડે છે.  એઆઈ ટેકનોલોજીમાં વિશ્વ સાથે જો આપણે કદમ મિલાવવા હશે તો,  આપણા સ્થાનિક ડેટાસેટનો  ઉપયોગ કરી એઆઈ મોડેલ વિકસાવવાનું રહેશે.