- AI કોર્નર
- નવી ટેકનોલોજી પર નિયમન માટે વિશ્વના દેશો પોતાના વિભિન્ન નિયમો બનાવી રહ્યા છે
તાજેતરમાં જ જોહનીસબર્ગ ખાતે યોજાઈ ગયેલી જી૨૦ પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર વૈશ્વિક ઘનિષ્ઠતાની કરેલી હાકલ એવા સમયની છે જ્યારે વિવિધ દેશો એઆઈના ઝડપી વિસ્તરણ કરવાના પ્રયાસમાં છે અને એઆઈને કારણે ઊભા થઈ રહેલા જોખમોનો પણ સામનો કરી રહ્યા છે. વડા પ્રધાને મજબૂત માનવ દેખરેખ, ડિઝાઈન સિસ્ટમ દ્વારા સલામતિ, પારદર્શીતા તથા ડીપફેકસમાં એઆઈના વપરાશ અટકાવવા તથા ત્રાસવાદી અને ગુનાખોરી પ્રવૃત્તિમાં એઆઈના ઉપયોગ પર નિયમન લાવવાની હાકલ કરી છે. ડીપફેકસ એટલે એઆઈનો ઉપયોગ કરી કોઈની બનાવટી તસવીર, વીડિયો અથવા ઓડિયોની રચના કરવી. આ ચિંતા મામુલી નથી કારણ કે આવતા વર્ષ સુધીમાં ઓનલાઈન કન્ટેન્ટમાંના ૯૦ ટકા કન્ટેન્ટ એઆઈ દ્વારા જ જનરેટ કરવાનું શકય બની જશે. આને કારણે ગેરમાહિતીના જોખમમાં વધારો થશે એટલું જ નહીં સાચુ શું અને બનાવટી શું તેની ઓળખ કરવાનું ટેકનોલોજીના વપરાશકારો માટે મુશકેલ બની જશે.
ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા અને ઝડપથી વિકસી રહેલી એઆઈ ટેકનોલાજીથી ડેટાની સલામતિ અંગેની ચિંતા વધુ ઘેરી બની રહી છે. પોતાના જ ડેટા મેળવી નહી શકવાના જોખમને પગલે વેપારગૃહોને પોતાના ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) માળખાના પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પડી રહી છે. ગ્રાહકને પૂરી પડાતી મહત્વની એવી સોફટવેર સર્વિસીઝને એક જાણીતી ટેકનોલોજી કંપનીએ એરપક્ષી રીતે રદબાતલ કરી નાખતા કંપની સામે પડકાર ઊભા થયાના તાજેતરમાં અહેવાલ હતા.
એક અંદાજ પ્રમાણે વિશ્વના વેપારગૃહોમાંથી ૫૦થી ૫૫ ટકાના ડેટા અમેરિકન કંપનીઓના કલાઉડ સર્વિસીઝમાં સંગ્રહાયેલા છે. કોઈપણ વેપાર ગૃહ માટે તેમનું કામકાજ જળવાઈ રહે તે જરૂરી હોય છે. ભારતમાં હિત ધરાવતા વેપારગૃહો જે સ્થાનિક કાયદાઓ પ્રમાણે ચાલતા હોય છે તેમણે વિદેશમાંના તેમના વેન્ડરને કારણે સહન કરવાનો વારો આવવો જોઈએ નહીં. ખાસ કરીને ઊર્જા, બેન્કિંગ, ટેલિકોમ તથા ડિફેન્સ ક્ષેત્રમાં આ સમશ્યા કોઈપણ દેશ માટે જોખમી બની શકે છે. આજના એઆઈના યુગમાં ડેટાની સલામતિ એક જટિલ ચર્ચા બની ગઈ છે. ડેટાના વિતરણ તથા સલામતિ માટે એઆઈને કલાઉડની આવશ્યકતા રહે છે. કલાઉડ પ્રોવાઈડરો વેપારગૃહોના ડેટા કહેવાતા ડેટા લેકસમાં જાળવતા હોય છે. આને કારણે ચોક્કસ ડેટાની ભાળ મેળવવામાં અને તે ખરેખર કયા સ્થળે છે તે જાણવાનું મુશકેલ બની રહે છે. કલાઉડ પર પોતાના ડેટા કયાં જાળવવામાં આવે છે તે જાણવાનો વેપારગૃહોને અધિકાર છે. એઆઈ કોઈ એક વ્યક્તિ અથવા વેપારગૃહના જ નહીં પરંતુ બજારમાં ઉપલબ્ધ અન્ય સમાન ડેટાને એકબીજા સાથે ભેળવી દે છે, જેને કારણે ડેટાની ઉઠાંતરીની સમશ્યા પણ ઊભરી રહી છે.
આવી સ્થિતિમાં રાષ્ટ્રો વચ્ચે સંકલન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું જરૂરી બની ગયું છે. સંયુકત રાષ્ટ્રએ તાજેતરમાં જ એઆઈ વહીવટ પર વૈશ્વિક ચર્ચા માટે એક પ્લેટફોર્મ વહેતુ મૂક્યું છે જેથી સલામત અને વિશ્વસ્નિય એઆઈ સિસ્ટમને પ્રોત્સાહન મળી શકે અને છૂટાછવાયા વહીવટી માળખા વચ્ચે સમતુલા ઊભી થાય. ભારત દ્વારા પણ એઆઈ વહીવટની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે જેમાં સલામતિ, જવાબદારી, પારદર્શીતા તથા જવાબદાર નવીનતા પર ભાર અપાયો છે.
એઆઈના વપરાશ પર નિયમન માટે વિશ્વ હજુપણ અસરકારક અને યોગ્ય નિયમો ઘડવા સામે પડકારોનો સામનો કરી રહ્યું છે. આમછતાં પોતાના દેશમાં એઆઈના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા, માળખા તથા ધોરણોની વિવિધ સરકારો દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે, પરંતુ તેમાંના મોટાભાગનો સંબંધિત દેશ પૂરતુ મર્યાદિત રહે છે અને તેમાં વૈશ્વિક સહકાર જોવા મળતો નથી. આધુનિક એઆઈ મોડેલ્સ બનાવવા માટે આવશ્યક કોમ્પ્યુટિંગ પાવર પર થોડાઘણા દેશો જ નિયંત્રણ ધરાવતા હોવાથી અસમાનતા વધી રહી છે અને વૈશ્વિક નિયમોની રચનામાં ભાગ લેવા વિકાસસિલ દેશોની ક્ષમતા મર્યાદિત બની જાય છે.
હાલમાં છૂટીછવાઈ રીતે વિકસી રહેલી એઆઈ ટેકનોલોજી વહીવટી પડકારો ઊભા કરી રહી છે. અનેક દેશો તથા સંસ્થાઓ પોતાના નિયમો બનાવી રહ્યા છે જે એકબીજાથી વિપરીત પણ હોય છે. એઆઈના વિકાસમાં વૈશ્વિક સંકલનના અભાવે સ્પર્ધાત્મક બનવાની રેસમાં સલામતિ અને હકો સાથે સમાધાન થઈ રહ્યા છે.
એઆઈને કારણે ઊભા થઈ રહેલા વૈશ્વિક પડકારોને દૂર કરવા વિશ્વના દેશોએ એક મંચ પર આવી સલામતિના ધોરણો, ઊંચા જોખમ સાથેની એઆઈ સિસ્ટમ્સ માટે સંકલિત એવા સ્વતંત્ર ઓડિટસ, ડેટાની પારદર્શી પદ્ધતિ તથા નુકસાનકારક હોય તેવા વપરાશ પર સખત પ્રતિબંધ મૂકવા સંમતિ સધાય તે જરૂરી છે. એઆઈના વિકાસ માટે બંધનકારક એવા કોઈ વૈશ્વિક નિયમો નથી પરંતુ સલામતિ, ઉદ્યોગ તથા નૈતિકતા જાળવવા ધોરણો ઊભા કરવા વેપાર ગૃહોની કામગીરીને ટેકો પૂરો પાડવા ચીને તાજેતરમાં તૈયારી બતાવી હતી.
આગામી વર્ષના ફેબુ્રઆરીમાં એઆઈ ઈમ્પેકટ સમિતનું ભારત યજમાન છે ત્યારે એઆઈ ટેકનોલોજી માટે સર્વસમાવિષ્ટ વૈશ્વિક અભિગમની રચના કરવા અને એઆઈ ક્ષેત્રે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ પડતા સ્થાન પર લઈ જવા તેની માટે તક રહેલી હોવાનું એઆઈ ટેકનોલોજી ક્ષેત્રના વર્તુળો માની રહ્યા છે. એઆઈના વિકાસ માટે આવશ્યક એન્જિનિયરો, રિસર્ચરો તથા ટેકનોલોજીના જાણકારોની ભારત મોટી હાજરી ધરાવે છે, જેના ટેકા સાથે એઆઈ ક્ષેત્રે માત્ર ઘરઆંગણે જ નહીં પણ વિશ્વમાં પણ તેમના યોગદાન કામ આવી શકે છે એમ કહીશું તો વધુ પડતું નહીં ગણાય.


