- AI કોર્નર
- આગામી થોડાક વર્ષોમાં ડેટા સેન્ટરો વિશ્વમાં પાણીના મોટા વપરાશકાર બની રહેશે
ભારત સહિત વિશ્વભરમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજ ન્સ (એઆઈ) ના ઉપયોગમાં વધી રહેલા આકર્ષણને આવકારવામાં આવી રહ્યા છે પરંતુ આ નવી ટેકનોલોજીના વિકાસ સાથે વીજળી તથા પાણી જેવા કુદરતી સ્રોતોની ભરપૂર માત્રામાં આવશ્યકતા ઊભી થશે જેની સામે આંખ આડા કાન કરી શકાય એમ નથી. તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટમાં એઆઈ ડેટા સેન્ટરો આગામી થોડાક વર્ષોમાં વિશ્વમાં પાણીના મોટા વપરાશકાર તરીકે ઊભરી આવશે તેવો મત વ્યકત કરાયો છે. કુલિંગ તથા વીજ ઉત્પાદન માટે પાણીનો વપરાશ જે હાલમાં થાય છે તેના કરતા ૨૦૨૮ સુધીમાં ૧૧ ગણો વધી ૧૦૬૮ અબજ લિટર્સ પહોંચી જવાની રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. કુલિંગ માટે પાણીના સીધો વપરાશ થતો હોવાનું જાણીતું છે પરંતુ વીજ ઉત્પાદન માટે પાણીનો આડકતરો વપરાશ મોટેપાયે થતો હોવાની હકીકતને બેધ્યાન કરવામાં આવી રહી છે.
એઆઈના વિકાસ માટે ઉપયોગી એવા સેમીકન્ડકર પાણીની માગમાં વધુ વધારો કરાવશે. એઆઈના વિકાસ ઉપરાંત તેને ગોઠવવા માટે સેમીકન્ડકટરની આવશ્યકતા રહે છે, કારણ કે, એઆઈ એલ્ગોરિધમ્સ વ્યાપક કોમ્પ્યુટેશનલ પાવર માગી લે છે જે સેમીકન્ડકટર જીપીયુ અને ટીપીયુ જેવી ખાસ પ્રકારની ચીપ્સ મારફત પૂરો પાડે છે. એઆઈ સંદર્ભમાં પાણીનો સૌથી વધુ વપરાશ વીજ ઉત્પાદન, ડેટા સેન્ટરના કુલિંગ તથા સેમીકન્ડકટરના ઉત્પાદનમાં જોવા મળી શકે એમ છે. વિશ્વના ટોચના ડેટા સેન્ટર મથકોમાંથી પચાસ ટકાથી વધુ મથકો એવા વિસ્તારોમાં ઊભા કરાયેલા છે જ્યાં પાણીની મધ્યમથી લઈને ભારે ખેંચ વર્તાઈ રહી છે, જેને કારણે સ્થાનિક સ્તરે ચિંતાઓ ઊભી થઈ રહી છે. અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨૦૨૩માં કુલિંગ માટે એકલા અમેરિકામાં ૬૪ અબજ લિટર પાણીનો વપરાશ થયો હતો. જ્યારે વીજ ઉત્પાદન માટે પાણીનો આડકતરો વપરાશ ૮૦૦ અબજ લિટર જેટલો રહ્યો હતો.
ડેટા સેન્ટર કુલિંગ સિસ્ટમ ગરમ થતા સર્વર ઈક્વિપમેન્ટને ઠંડુ પાડે છે. આ માટે એરકન્ડીશનિંગ, ઈવેપોરેટિવ કુલિંગ અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઠંડા પાડવાની સિસ્ટમની પસંદગી ઊર્જા તથા પાણીની ઉપલબ્ધતા પર રહે છે. ઈક્વિપમેન્ટને બગડતા અટકાવવા માટે તેમને ઠંડા પાડવા જરૂરી છે અન્યથા તેમને સમારવા પાછળ મોટો ખર્ચ લાગી જાય છે. ઊંચા તાપમાનથી આગનું જોખમ રહેલું છે, માટે કુલિંગ સિસ્ટમ જરૂરી છે, એમ એઆઈ ટેકનોલોજીના વિકાસ સાથે સંકળાયેલાઓ જણાવી રહ્યા છે.
વિશ્વની મોટી જાણીતી ટેક કંપનીઓએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તેમના પાણી પાછળના ખર્ચમાંથી ૯૫ ટકા ખર્ચ ડેટા સેન્ટરના વપરાશમાં થાય છે. ભારત સહિત વિશ્વભરમાં આજે એઆઈ ટેકનોલોજીના વપરાશમાં જ્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે પાણી તથા વીજ સંચાલન વ્યવસ્થા મહત્વની બની રહે છે. માત્ર પાણીજ નહીં એઆઈને કારણે વીજ વપરાશમાં પણ જોરદાર વધારો તોળાઈ રહ્યો છે. અમેરિકા દ્વારા એચ૧બી વિઝા ધોરણો સખત બનાવવાના પગલાંને કારણે અમેરિકા સ્થિત અસંખ્ય ટેકનોલોજી કંપનીઓ ભારતમાં પોતાના એકમ ઊભા કરવા યોજના બનાવી રહી હોવાનું તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું.
પાણી તથા વીજનો વ્યાપક વપરાશ માગી લેતી એઆઈના ઉપયોગમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે તેમ તેમ એઆઈના વહેલા લાભો ઉઠાવવામાં એવા જ દેશો સફળ રહી શકશે જ્યાં પાણીની પૂરતી ઉપલબ્ધતા તથા વીજ ઉત્પાદન ખાસ કરીને રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન વ્યાપક અને પૂરતા પ્રમાણમાં થાય છે. ભારત દ્વારા રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસોે ચાલી રહ્યા છે પરંતુ તેના અપેક્ષિત પરિણામો જોવા મળતા નથી. ૨૦૩૦નો ટાર્ગેટ પાંચ વર્ષ વહેલો પૂરો કરી લેવા છતાં ભારત રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ઉત્પાદનની દ્રષ્ટિએ તેના સ્પર્ધક દેશોની સરખામણીએ ઘણું પાછળ છે.
ભારતમાં વીજ અછત હવે લગભગ દૂર થઈ ગઈ છે, પરંતુ એઆઈ ટેકનોલોજીની માગ તથા આર્થિક વિકાસને ધ્યાનમાં રાખતા વીજ માગમાં આવનારા વર્ષોમાં નોંધપાત્ર વધારો જોવા મળવાની શકયતા રહેલી છે. ભારતમાં એઆઈના સ્વીકારમાં વધારા સાથે પાણી તથા વીજ પૂરવઠા જેવી સુવિધાનું વિસ્તરણ થાય તે પણ જરૂરી છે.
નિષ્ણાતોના મત પ્રમાણે એઆઈ માટે આવશ્યક ડેટા સેન્ટરો ઊભા કરવા તથા રિન્યુએબલ ઊર્જામાં ઈન્વેસ્ટમેન્ટમાં ઝડપ થાય તે માટે સિંગલ વિન્ડો કલીઅરન્સ વ્યવસ્થા આજના સમયની માગ છે. ડેટા સેન્ટરને સતત કાર્યરત રાખવા વ્યાપક વીજ પૂરવઠાની જરૂર રહે છે. વિશ્વમાં જનરેટ થતા ડેટામાંથી ૨૦ ટકા ડેટા ભારતમાં જનરેટ થાય છે પરંતુ ડેટા સેન્ટરની વૈશ્વિક ક્ષમતામાંથી માત્ર ૩ ટકા ક્ષમતા જ ભારતમાં છે. ડેટા સેન્ટરના વિકાસથી ભારતને મોટો લાભ થઈ શકે એમ છે પરંતુ તે ચલાવવા માટે વીજ તથા પાણી જેવી પાયાભૂત સેવા સતત જળવાઈ રહે તે જરૂરી છે. ડેટા સેન્ટર ઊભા કરવા માટે વિકસિત તથા વિકાસસિલ દેશોમાં ભારત એકદમ સસ્તુ સ્થળ છે. એશિયા વિસ્તારમાં સરકારની દરમિયાનગીરી સાથે ભારત ડેટા સેન્ટરનું મથક બની શકવાની ક્ષમતા ધરાવે છે.
એઆઈ ટેકનોલોજી માટેની માગમાં વધારો થતો જશે પરંતુ જો પાણી અને વીજ પૂરવઠા જેવી પાયાભૂત સુવિધા પૂરતી માત્રામાં ઉપલબ્ધ નહીં હોય તો, એઆઈનો વિકાસ પડકારરૂપ બનતા વાર નહીં લાગે. ડેટા સેન્ટરો જંગી માત્રામાં સ્રોતોનો વપરાશ કરે છે. અમેરિકા દ્વારા હાલમાં એચ૧બી વિઝાને લઈને અપનાવાયેલી સખતાઈને કારણે એઆઈ સાથે જોડાયેલી વિશ્વની ટોચની આઈટી કંપનીઓ ભારત તરફ નજર દોડાવશે તેવી શકયતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં દેશમાં એઆઈનો વિકાસ બ્રેઈન ડ્રેઈનને અટકાવશે એટલું જ નહીં વિદેશ ચાલી ગયેલું દેશનું સ્કીલ્ડ યુવાધન સ્વદેશ પરત આવવાની તક ઊભી થઈ છે.એઆઈ ટેકનોલોજી ભારતમાં બ્રેઈન ડ્રેઈનને અટકાવવા માટેનું એક માધ્યમ બની શકે છે જો તેના વિકાસ માટે આવશ્યક વિપુલ માત્રામાં પાણી તથા વીજ પૂરવઠા સહિતની દરેક સુવિધા વેળાસર ઉપલબ્ધ બનાવાશે તો.


