AI હવે ઔષધના સંશોધન તથા વિકાસ કામગીરી પાછળ સમય અને ખર્ચ બચાવશે
- AI કોર્નર
- દવાના સંશોધનથી ઉત્પાદન અને દરદીની સારવારમાં એઆઈના ઉપયોગમાં પડકારો પણ રહેલા છે
ઉત્પાદન પ્રક્રિયાઓમાં સુધારા મારફત દેશનો ફાર્મા ઉદ્યોગ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગ સાથે પરિવર્તનના પવનમાં છે. એઆઈના ઉપયોગ સાથે ઉદ્યોગ ઉત્પાદકતામાં વધારાની સાથોસાથ પ્રોડકટની ગુણવત્તામાં સુધારા માટે પ્રયત્નશીલ છે. ઉદ્યોગના આગેવાનોની વાત માનીએ તો મસીન લર્નિંગ એલ્ગોરિધમ મારફત મોટા ડેટા તથા એઆઈ સાધનોનું જોડાણ ઉત્પાદનમાં રહેલી બિનકાર્યક્ષમતાની સમીક્ષા કરે છે અને દવાના ફોર્મ્યુલેશન તથા પેકેજિંગમાં સુધારા માટે ભલામણ કરે છે.
સમય તથા ખર્ચમાં બચત કરવાના હેતુ સાથે ભારતમાં વિવિધ ક્ષેત્રની જેમ ફાર્મા ક્ષેત્રમાં પણ એઆઈનો વપરાશ વધી રહ્યો છે. દવાઓના સંશોધન તથા વિકાસ પાછળ ખર્ચ તથા સમય બચાવવા ભારતમાં કાર્યરત ફાર્માસ્યૂટિકલ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) મહત્વના મથકો તરીકે ઊભરી રહ્યા છે. એઆઈ તથા જનરેટિવ એઆઈના ઉપયોગ સાથે આ જીસીસી ખાતે દવાના સંશોધનની કામગીરી ઝડપી બની રહી છે. જીસીસી ખાતે દવાના સંશોધન તથા વિકાસમાં એઆઈ સોલ્યુશન્સ નવીનતા પૂરી પાડી રહ્યા છે. સામાન્ય રીતે એક દવાના સંશોધનથી લઈને તેના તબીબી અખતરા અને છેવટે તેને સારવાર માટે ઉપયોગમાં લેતી કરવા પાછળ ૧૦થી ૧૪ વર્ષનો સમયગાળો લાગી જતો હોય છે પરંતુ ફાર્મા ઉદ્યોગના સુત્રોની વાત માનીએ તો એઆઈના ઉપયોગને કારણે આ સમયગાળો ઘટી પાંચથી સાત વર્ષ આવી જવાની શકયતા રહેલી છે. તબીબી અખતરાને ઝડપી બનાવવા તથા દવાના વિકાસ માટે ડેટા આધારિત પ્લેટફોર્મ્સ તૈયાર કરવા જીસીસી ખાતે એઆઈની મદદ લેવામાં આવી રહી છે. આ પાછળનો મુખ્ય હેતુ દવાના ઝડપી અને ઓછા ખર્ચમાં વિકાસ કરવાનો રહેલો છે.
કોઈપણ દવાના સંશોધનમાં તબીબી પરીક્ષણ સૌથી વધુ સમય માગી લેતી અને ખર્ચાળ પ્રક્રિયા છે, ત્યારે ફાર્માસ્યૂટિકલ જીસીસી ડેટાના ઉપયોગ સાથે ખર્ચ તથા સમયમાં બચત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. દવાના વિકાસ માટે કેવા પ્રકારના મોલેક્યુલ્સ કામ કરશે તે નિશ્ચિત કરવા લેબોરેટરીમાં પરિક્ષણ કરવા પાછળ મોટી માત્રામાં ખર્ચ તથા સમય લાગી જતો હતો જેમાં હવે બચત થવાનું શકય બન્યું છે. આને કરાણે જ ફાર્માસ્યૂટિકલ જીસીસી જંગી નાણાં રોકવા ફાર્મા કંપનીઓ વિચારતી થઈ છે. ખાસ કરીને એવા જીસીસીમાં રોકાણ કરવામાં આવી રહ્યા છે જે નવી દવાના વિકાસને ટેકો પૂરો પાડવા એઆઈનો તથા ડેટા સાયન્સનો ઉપયોગ વધારી રહ્યા હોય.
ઉત્પાદન પ્રક્રિયાનું એઆઈ દ્વારા સતત નિરીક્ષણ સલામતિ સંબંધિત જોખમો ઓળખી કાઢવામાં મદદ કરે છે. સલામતિના જોખમો શોધી કાઢી એઆઈ તેને તાત્કાલિક દૂર કરે છે. દવાના સંશોધન તથા વિકાસમાં મદદ ઉપરાંત એઆઈ ટેકનોલોજી ફાર્મા કંપનીઓને સાધનોની જાળવણી માટેની આવશ્યકતા ઓળખી કાઢે છે જેને કારણે સાધનો નિષ્ફળ બની જાય તે પહેલા જ તેની જાળવણી હાથ ધરવાનું કંપનીઓ સરળ બની રહે છે. અને સાધનોની નિષ્ફળતા અથવા તો તે ખોટકાઈ જવાના કિસ્સામાં થતી નુકસાનીને અટકાવી શકાય છે.
માત્ર દવાના વિકાસ તથા સંશોધનમાં જ નહીં એઆઈ ટેકનોલોજી હવે રોગના નિદાનમાં પણ તબીબોની સહાયક બની રહી છે. નિષ્ણાતોની વાત માનીએ તો આરોગ્ય સંભાળમાં એઆઈ ભલે ડોકટરોનું સ્થાન લઈ નહીં શકે પરંતુ રોગના નિદાન કરવામાં ઝડપ કરાવશે તેમાં કોઈ બેમત નથી. રોગની જાણકારી મેળવ્યા બાદ દરદીની બીમારીની નોંધ, તેને કેવા પ્રકારની સારવાર તથા દવાની આવશ્યકતા છે સહિતની તબીબી પ્રકારની કામગીરીમાં ડોકટરોને એઆઈ ટેકનોલોજી મદદ કરતી જોવા મળશે. આરોગ્યસંભાળ ક્ષેત્રે એઆઈ ડોકટરોની નિદાન તથા સારવાર કરવાની ક્ષમતા વધારશે તથા ઝડપ કરાવશે તેમ પણ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. દેશની કેટલીક હોસ્પિટલોએ નિદાન પ્રક્રિયામાં એઆઈ ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ શરૂ કરવા પહેલા તેને ડોકટરોની સાથોસાથ કામે લગાડવાનું શરૂ કર્યું હોવાનું જોવા મળી રહ્યું છે. બીમારીનું નિદાન તથા સારવારના શ્રેષ્ઠ પરિણામો મેળવવા વૈશ્વિક સ્તરે અંદાજે ૭૫ ટકા આરોગ્ય સંભાળ તથા લાઈફસાયન્સ કંપનીઓ એઆઈનો ઉપયોગ કરવા તરફ વળી છે. લેબોરેટરી દ્વારા સંશોધન માટે મેળવાયેલા લોહી તથા અન્ય સેમ્પલોના ટેસ્ટમાં એઆઈ ગજુ કાઢી રહી છે. ભૂતકાળના લાખો સેમ્પલોને આધારે એઆઈ મોડેલ્સ માનવ દ્વારા જે ચૂકી જવાય છે તેવી વિસંગતતાઓ ઝડપી શકે તેવી રીતે તેમને ટ્રેઈન્ડ કરવામાં આવે છે. એકસરે હોય કે લોહી પરિક્ષણ કે સીટી સ્કેન કે એમઆરઆઈ હોય એઆઈ ટેકનોલોજી તેની તપાસમાં પેથોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટની ભૂમિકા ભજવતી થશે તેવો સમય હવે દૂર નથી. દવાના સંશોધન અને આરોગ્ય સંભાળ એક એવુ ક્ષેત્ર બની રહેશે જ્યાં એઆઈ વ્યાપક પરિવર્તન પૂરુ પાડવા તરફ સજ્જ થઈ રહી છે. આરોગ્યસંભાળ ક્ષેત્રની સંપૂર્ણ સાંકળ એટલે કે રોગના પ્રારંભિક નિદાનથી લઈને સારવારની પ્રક્રિયા અને દવાની સલાહમાં એઆઈ ટેકનોલોજીને સ્થાન મળી રહ્યું હોવાનો પણ ક્ષેત્રના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. દવાના ઉત્પાદનમાં એઆઈના ઉપયોગ થકી આ ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે પરંતુ દવાના સંશોધનથી ઉત્પાદન અને દરદીની સારવારમાં એઆઈનો ઉપયોગના ફાયદા સાથોસાથ પડકારો પણ રહેલા છે. આ પડકારોને કારણે એઆઈનો સરળ ઉપયોગ અશકય બની રહે છે.