Get The App

AI ના દૂરુપયોગને અટકાવવા સરકારે છેવટે કમર કસવાનું શરૂ કર્યું

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
AI ના દૂરુપયોગને અટકાવવા સરકારે છેવટે કમર કસવાનું શરૂ કર્યું 1 - image

- AI કોર્નર

- નિયમોને સખત બનાવી ડીપફેકસને અટકાવવા  તરફના પગલાંના પરિણામો જોવાના રહેશે

ભારત સહિત વિશ્વભરમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વપરાશમાં એટલી ઝડપથી વધારો થઈ રહ્યો છે જેમાં વ્યક્તિગત ઓળખને સુરક્ષિત રાખવાના નાગરિકોના હક્કો  સામે  જોખમ ઊભા થઈ રહ્યા છે. એટલું જ નહીં એઆઈના ઉપયોગ મારફત ફ્રોડ તથા છેતરપિંડી જેવા ઘટનાક્રમો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. છેલ્લા એક સવા વર્ષમાં સામાન્ય હેતુ માટેના લાર્જ લેન્ગવેજ મોડેલ્સ (એલએલએમ્સ) અને સ્પેશિયલ પરપઝ સ્મોલ લેન્ગવેજ મોડેલ્સ (એલએમએમ્સ)ની ઓડિયો તથા વિડીયો જનરેટ કરવાની ક્ષમતા અનેકગણી વધી ગયાનું જોવા મળી રહ્યું છે. અન્યોના જેવો જ  આબેહુબ દેખાવ તથા અવાજ પૂરી પાડવાની એઆઈની ક્ષમતાએ ટેકનોલોજીના દૂરુપયોગની શકયતા નકારાતી નથી.  

એઆઈના યુઝર્સને સંતોષકારક પરિણામો પૂરા પાડવા ટૂલ્સ અથવા સોલ્યુશન્સમાં એલએલએમને તાલીમ આપવા ડેટાના જંગી વોલ્યુમની  જરૂરત રહે છે. ચેટજીપીટી જેવા ચેટબોટસમાં વપરાશકારોના પ્રશ્નો અથવા પ્રોમ્પ્ટને  તાત્કાલિક પ્રતિસાદ આપવાનો રહે છે. વપરાશકારને ડેટા પૂરા પાડવા ટેક્સટ અને ડેટા માઈનિંગ પ્રક્રિયા  મારફત ડેટા મેળવવાના રહે છે જે પ્રાપ્ત કરવા સિસ્ટમેટિક કોપિંગ અને એનાલિસિસ જેવી કામગીરી જોડાયેલી છે. આ  પ્રક્રિયામાં કોપીરાઈટનો ભંગ થતો હોય છે કે કેમ તેવા પણ મુદ્દા ઉપસ્થિત થઈ રહ્યા છે. 

આ હકીકતને ધ્યાનમાં રાખી નાગરિકો ખાસ કરીને  કલાકારો તથા રાજનેતાઓના  વ્યક્તિગત હકોના રક્ષણ કરવાના હેતુ સાથે દેશની અનેક અદાલતોએ તાજેતરના ભૂતકાળમાં આદેશો પણ જારી કર્યા છે. 

અદાલતો ઉપરાંત હવે દેશની સરકાર પણ આ મુદ્દે જાગૃત બની છે અને ઈલેકટ્રોનિકસ એન્ડ ઈનફરમેશન ટેકનોલોજી મંત્રાલયે તાજેતરમાં ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) રુલ્સ, ૨૦૨૧સુધારો જારી કર્યો છે અને ડીપફેકસને અટકાવવા કેટલાક પગલાં જાહેર કર્યા છે. (ડીપફેકસમાં કોઈ વીડિયો, ઈમેજ વગેરે જેમાં એક વ્યક્તિના ચ્હેરા, શરીરઅથવા અવાજને એઆઈની મદદથી બદલવામાં આવે છે જેથી તે અન્ય કોઈના લાગે. સામાન્ય રીતે ગેરમાહિતી ફેલાવવા અથવા છેતરપિંડી કરવા આ ટેકનિકનો ઉપયોગ થાય છે)

એઆઈના ઉપયોગમાં થઈ રહેલા વધારાને કારણે  નાગરિકો ખાસ કરીને સમાજમાં પ્રસિદ્ધ હોય તેવા નાગરિકોના વ્યક્તિગત હકોનું રક્ષણ કરવા કોર્ટની દરમિયાનગીરીની આવશ્યકતા ઊભી થઈ છે. કોર્ટ કેસોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ૨૩ ઓકટોબરના રોજ આઈટી, રુલ્સ ૨૦૨૧ના નિયમ ૩(૧)(ડી)માં સુધારા જાહેર કર્યા છે. એઆઈના વપરાશમાં પારદર્શીતા, જવાબદારી તથા સલામતિ વધારવાના ભાગરૂપ આ સુધારો આવી પડયો છે. આ નવો સુધારો જે નવેમ્બરના મધ્યથી અમલમાં આવવાની શકયતા છે તેમાં ઈન્ટરમીડિઅરીસ દ્વારા  ગેરકાયદે ઓનલાઈન સામગ્રીને દૂર કરવામાં  પારદર્શીતા અને જવાબદારી લાવવાનો ધ્યેય રખાયો છે. આ સુધારા મારફત સોશ્યલ મીડિયા સહિતની ઈન્ટરમીડિઅરીઓ પર યોગ્યતા ચકાસણીની જવાબદારી લાગુ કરવામાં આવી છે.

દરેક એઆઈ જનરેટેડ સામગ્રી પર તે એઆઈ જનરેટેડ છે તેવું લેબલ લગાડવાનું નિયમ હેઠળ ફરજિયાત બનાવાયું છે ત્યારે તે પાછળના કંપનીઓના ખર્ચમાં વધારો જોવા મળશે. સોશ્યલ મીડિયા પર રજૂ કરનારી કોઈપણ સામગ્રીમાંનો અવાજ જો એઆઈ જનરેટેડ હોય તો તેની પણ ખાસ સ્પષ્ટતા કરવાનો નિયમ બનાવાયો છે.  

કોર્ટના આદેશ અથવા સરકારના નોટિફિકેશન મારફત જાણમાં આવે તેવી ગેરકાયદે માહિતી ઈન્ટરમીડિઅરીએ  નિયમ ૩(૧) (ડી) હેઠળ દૂર કરવાની રહે છે. પરંતુ તાજેતરમાં એઆઈના વધી રહેલા ઉપયોગને ધ્યાનમાં રાખી વધારાના પગલાં  લેવાનું આવશ્યક બની ગયું છે જેમાં ઉચ્ચ સ્તરિય જવાબદારી, ગેરકાયદે સામગ્રીની નિશ્ચિત વ્યાખ્યા તથા સરકારના નિર્દેશોનું સમયાંતરે ઉચ્ચસ્તરે સમીક્ષાનો સમાવેશ થાય છે. ગેરકાયદે માહિતી દૂર કરવાનો ઈન્ટરમીડિઅરીસને આદેશ જોઈન્ટ સેક્રેટરીથી નીચે નહીં તેવી રેન્કના સીનિયર ઓફિસર દ્વારા જ પૂરો પાડી શકાશે. પોલીસના કિસ્સામાં આવા પ્રકારના આદેશ ડીઆઈજી સ્તરના અધિકારી જારી કરી શકશે. 

નિયમમાં સુધારા બાદ, હવે પછીના પગલાંમાં નિયમના અમલીકરણ માટે સ્પષ્ટ ધોરણો અને સરકાર તથા એઆઈના વિકાસકો વચ્ચે સહયોગી માળખા ઊભા કરવાની આવશ્યકતા  હોવાનું ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. જેથી ઘડી કઢાયેલા નિયમો વ્યવહારુ અને એઆઈ ક્ષેત્રે આગેવાન બનવાના ભારતના ટાર્ગેટને ટેકારૂપ બની રહે, એમ પણ મત વ્યકત કરાયો હતો. બનાવટી વિડીયો તથા ઓડિયો સામગ્રીની સરળતાથી રચનાનો માર્ગ કરી આપતા એઆઈ ટુલ્સના વિકાસને નવા નિયમથી અંકૂશમાં લેવામાં સરળ પડશે તેવો પણ વિશ્વાસ રાખવામાં આવી રહ્યો છે. કોર્ટ ઓર્ડર મેળવવાની જોગવાઈથી ગેરકાયદે સામગ્રીને ઝડપથી અટકાવવામાં મદદ મળશે. કાનૂની પરિણામોના ભયને કારણે પણ એઆઈના ઉપયોગ મારફત ગેરકાયદે પ્રવૃત્તિ આચરનારા પર અંકૂશ લાવી શકાશે. જો કે આ નિયમોના  અવરોધ વગર અને  ઝડપથી અમલીકરણ   માટે કાયદાના રખેવાળોએ કટિબદ્ધતા દર્શાવવાની રહેશે એવી  નિષ્ણાતો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

ભારતમાં પરસનલ ડેટા કાયદો છે પરંતુ એઆઈ સંબંધિત કોઈ સ્પષ્ટ કાનૂન હજુસુધી ઘડાયો નથી. સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો એઆઈના વપરાશમાં દૂરુપયોગને અટકાવવામાં થોડીઘણી સફળતા અપાવશે તેવું જણાય રહ્યું છે. એઆઈના  ઉપયોગને અટકાવી શકવાનું શકય નથી ત્યારે યોગ્ય પગલાં મારફત તેમાં રહેલી ત્રુટીઓને દૂર કરવાનું આવશ્યક છે.