- AI કોર્નર
- એઆઈ માટે જરૂરી ડેટા સેન્ટરને કાર્યરત રાખવા વ્યાપક વીજ પુરવઠાની જરૂરે
વીજના વ્યાપક વપરાશ માગી લેતી આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે તેમ તેમ એઆઈના વહેલા લાભો ઉઠાવવામાં એવા દેશો સફળ રહેશે જ્યાં વીજ ઉત્પાદન ખાસ કરીને રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન વ્યાપક અને પૂરતા પ્રમાણમાં થાય છે. પરંપરાગત વીજ સ્રોતો મારફતની વીજની સરખામણીએ રિન્યુએબલ ઊર્જા પ્રમાણમાં સસ્તી પડે છે. એઆઈ ટેકનોલોજીના વિકાસને ધ્યાનમાં રાખી ચીન દ્વારા રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન પર ખાસ ભાર અપાઈ રહ્યો છે અને ૨૦૨૮ સુધીમાં પોતાના દેશમાં કુલ વીજ ઉત્પાદનમાંથી ૫૦ ટકા વીજ રિન્યુએબલ સ્રોતો મારફત મેળવવા યોજના ધરાવે છે. આની સરખામણીએ ભારત દ્વારા રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસોે થઈ રહ્યા છે પરંતુ તેના અપેક્ષિત પરિણામો જોવા મળતા નથી. ૨૦૩૦નો ટાર્ગેટ પાંચ વર્ષ વહેલો પૂરો કરી લેવા છતાં ભારત રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે તેના હરિફ દેશોની સરખામણીએ ઘણું પાછળ છે.
કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં સૌર તથા પવન ઊર્જાના હિસ્સાની દ્રષ્ટિએ બ્રાઝિલ, ચીન, પાકિસ્તાન તથા મેક્સિકો અને અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારત પાછળ છે એટલું જ નહીં દેશમાં કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં વીજ અછત લગભગ દૂર થઈ ગયાનું જોવા મળે છે, પરંતુ એઆઈ ટેકનોલોજીની માગ તથા આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી વીજ માગમાં આવનારા વર્ષોમાં નોંધપાત્રત્ર વધારો જોવા મળવાની શકયતા નકારાતી નથી. ભારતમાં એઆઈના સ્વીકારમાં વધારા સાથે માળખાકીય વિસ્તરણ થાય તે પણ મહત્વનું છે. નિષ્ણાતોના મત પ્રમાણે એઆઈ માટે આવશ્યક ડેટા સેન્ટરો ઊભા કરવા તથા રિન્યુએબલ ઊર્જામાં ઈન્વેસ્ટમેન્ટમાં ઝડપ થાય તે માટે સિંગલ વિન્ડો કલીઅરન્સ વ્યવસ્થા આજના સમયની માગ છે. ડેટા સેન્ટરને સતત કાર્યરત રાખવા વ્યાપક વીજ પૂરવઠાની જરૂર રહે છે. વિશ્વમાં જનરેટ થતા ડેટામાંથી ૨૦ ટકા ડેટા ભારતમાં જનરેટ થાય છે પરંતુ ડેટા સેન્ટરની વૈશ્વિક ક્ષમતામાંથી માત્ર ૩ ટકા ક્ષમતા જ ભારતમાં છે. ડેટા સેન્ટરના વિસ્તરણથી ભારતને મોટો લાભ મળી શકે એમ છે પરંતુ તે ચલાવવા માટે વીજ જેવી પાયાભૂત સેવા સતત મળતી રહે તે જરૂરી છે. ડેટા સેન્ટર ઊભા કરવા માટે વિકસિત તથા વિકાસસિલ દેશોમાં ભારત એકદમ સસ્તુ સ્થળ છે. એશિયા વિસ્તારમાં સરકારની દરમિયાનગીરી સાથે ભારત ડેટા સેન્ટરનું મથક બની શકવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાતોના દાવા પ્રમાણે એક ડેટા સેન્ટર ઊભું કરવા માટે ઓછામાં ઓછી ૪૦ વિવિધ પરવાનગીઓ લેવી પડે છે.
ખાસ પ્રકારના પ્રોસેસર્સ, વ્યાપક સ્ટોરેજ તથા હાઈ સ્પીડ નેટવર્કિંગ જેવા શક્તિશાળી કોમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરા પાડતા હોવાથી એઆઈ માટે ડેટા સેન્ટર્સની આવનશ્યકતા રહે છે. એઆઈ મોડેલ્સને તાલીમ માટે, જંગી ડેટા સેટસ તથા એઆઈ ટુલ્સને ઝડપથી ચલાવવા કોમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરની આવશ્યકતા રહે છે.
એઆઈ ક્ષેત્રે વૈશ્વિક આગેવાન બનવા ભારત પ્રયત્નશીલ છે પરંતુ તાજેતરમાં આવેલા એક અહેવાલમાં એઆઈના વિકાસ માટે આવશ્યક માળખાકીય સુવિધાનો અભાવ ભારતને તેની મહત્વકાંક્ષા સિદ્ધ કરવામાં પડકારરૂપ બની શકે એમ હોવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે એઆઈના વિકાસ માટે ભારતને ડેટા સેન્ટર માટે અંદાજે પાંચ કરોડ ચોરસ ફૂટ જગ્યા અને ૨૦૩૦ સુધીમાં જંગી માત્રામાં વધારાની વીજળીની આવશ્યકતા રહેશે. જનરેટિવ એઆઈ (જનએઆઈ) મોડેલ્સ વ્યાપક કોમ્પ્યુટિંગ પાવર અને સ્ટોરેજ માગી લે છે ત્યારે એઆઈ ટેકનોલોજી માટે ભારતના વર્તમાન વીજ માળખા અપૂરતા અને વૈશ્વિકસ્તરના નહીં હોવાનું કહી શકાય એમ છે.
૨૦૩૦ સુધીમાં દેશની ડેટા સેન્ટર ક્ષમતામાં ૪૪ ટકા ચક્રવૃદ્ધિ થવાનો અંદાજ છે , પરંતુ એઆઈ ડેટા સેન્ટર જંગી માત્રામાં વીજ વ પરાશ થાય છે. લાર્જ લેન્ગવેજ મોડેલ્સની તાલીમમાં પ્રતિ મોડેલ ૫૦૦ મેગાવોટ અવર્સ સુધીની વીજનો વપરાશ થાય છે, જે અમેરિકામાં દોઢશો જેટલા ઘરોમાં મહિનાની વીજ વપરાશ જેટલો છે. વિશ્વ આજે રિન્યુએબલ ઊર્જાના ઉત્પાદન તથા વપરાશ પર ભાર આપી રહ્યું છે ત્યારે ભારતમાં હજુપણ તેની કુલ વીજ માગમાંથી મોટી માત્રાની માગ બિન-રિન્યુએબલ ઊર્જા મારફત પૂરી થાય છે. નવી ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાન બનવાનો લક્ષ્ય ધરાવતા ભારતે એઆઈ ટેકનોલોજીને કારણે વીજ માગમાં થનારા સૂચિત વધારાને પ્રમાણમાં સસ્તી એવી રિન્યુએબલ ઊર્જા મારફત સંતોષવાનું જરૂરી બની રહે છે. આ માટે રિન્યુએબલ પહેલો પર ગ્રીડ મોર્ડનાઈઝેશન, રાષ્ટ્રીય પોલિસી અને કેપ્ટિવ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર માટે નિષ્ણાતો ભાર આપી રહ્યા છે.
રિન્યુએબલ ઊર્જામાં ભારતની સ્થાપિત ક્ષમતા નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ૨૨૦ ગીગા વોટ પહોંચી હતી, જેમાં સોલાર વીજનો હિસ્સો ૪૮ ટકા અને પવન ઊર્જાનો ૨૩ ટકા હતો. જો કે ભારતની વધી રહેલી વીજ માગને જોતા એકંદર સ્થાપિત ક્ષમતામાં રિન્યુએબલનો ઉમેરો ધીમો જોવા મળી રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. દેશની ભાવિ વીજ માગને પહોંચી વળવા ભારતે હજુપણ કોલસા આધારિત વીજ પર પોતાની નિર્ભરતા વધારવાનો વારો આવ્યો છે.
એઆઈ ટેકનોલોજી માટેની માગમાં વધારો થતો જશે પરંતુ જો વીજ પૂરવઠા જેવી પાયાભૂત સુવિધા પૂરતી માત્રામાં ઉપલબ્ધ નહીં હોય તો, એઆઈનો વિકાસ પડકારરૂપ બનતા વાર નહીં લાગે.


