- AI કોર્નર
- બદલાતી વેપાર વ્યવસ્થા વચ્ચે ટેકનોલોજી કંપનીઓની પોતાના વિકાસ માટે ભારત તરફ નજર
વિશ્વની મોટી ટેકનોલોજી કંપનીઓ પોતાના વિકાસ માટે ભારત તરફ નજર દોડાવવા લાગી છે. એક મહિના પૂર્વે જ ગુગલે ભારતમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ડેટા મથક ઊભું કરવા ૧૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ આન્ધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે કરાશે. આ અગાઉ વર્તમાન વર્ષના પ્રારંભમાં એમેઝોન વેબ સર્વિસીઝે ૨૦૩૦ સુધીમાં કલાઉડ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ૧૨.૭૦ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની જ્યારે માઈક્રોસોફટે આગામી બે વર્ષમાં તેના એઆઈ અને ડેટા સેન્ટરના વિસ્તરણ માટે ૩ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની ખાતરી ઉચ્ચારી છે. વિશ્વની જાયન્ટ કંપનીઓની ભારત પ્રત્યેની માન્યતા બદલાઈ રહી છે અને પોતાના ડિજિટલ વિસ્તરણ માટે ભારતને મહત્વનું મથક માનવા લાગી છે. એકસમયે ભારત જે વિશ્વની ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) સેવાની બેક ઓફિસ તરીકે ઓળખાતુ હતું તે હવે ગ્લોબલ એઆઈ માટે એન્જિન રુમ તરીકે ઊભરી રહ્યું છે, જ્યાં ડેટા, ટેલેન્ટ અને માગમાં વધારો થઈ રહ્યો છે. આઈટી સેવાના પ્રવાહે ભારતમાં સ્વદેશી કંપનીઓના ટેકા સાથે ૩૦૦ અબજ ડોલરનો ઉદ્યોગ ઊભો કર્યો છે તો હવે દેશમાં એઆઈ ક્ષેત્રનો વિકાસ વૈશ્વિક ટેક કંપનીઓના સહારે શરૂ થયો છે.
ઈન્ટરનેટના વપરાશમાં વધારા, કલાઉડ ટેકનોલોજી, ઈકોમર્સની તેજી તથા ડિજિટલ ઈકોનોમી પર સરકારના ભારને કારણે છેલ્લા એક દાયકાથી ડેટા સેન્ટર ઉદ્યોગ મહત્વનો બની ગયો છે. ગાર્ટનરના એક અહેવાલ પ્રમાણે, ૨૦૨૬માં ભારતમાં આઈટી ખર્ચનો આંક વાર્ષિક ધોરણે ૧૦ ટકા જેટલો વધી ૧૭૬ અબજ ડોલર પર પહોંચવા ધારણાં છે. વૈશ્વિક સ્તરે આઈટી ખર્ચમાં વધારો ૯.૫૦ ટકા રહેવા અપેક્ષા છે. ડેટા સેન્ટર તથા સોફટવેરમાં ઈન્વેસ્ટમેન્ટને કારણે આઈટી ખર્ચ ઊંચો જોવા મળી રહ્યો છે.
વિશ્વભરમાં ડેટા સેન્ટર્સના જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલી જ તેની લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા સામે પણ શંકાઓ ઊભી થઈ રહી છે. કારણ કે જંગી ડેટા સેન્ટરો વ્યાપક માત્રામાં વીજળી અને પાણીનો વપરાશ માગી લે છે. આ સેન્ટરોને કુલિંગ માટે વર્ષેદહાડે અબજો લિટર પાણીની આવશ્યકતા રહે છે. ડેટા સેન્ટરની વીજ માગ આગામી પાંચ વર્ષમાં વીજની એકંદર વૈશ્વિક માગના ૩-૪ ટકા પહોંચી જશે જે ૨૦૨૩માં ૧-૨ ટકા હતી.
મેક્સિકો, ચીલે તથા આયર્લેન્ડ જેવા દેશોમાં જ્યાં અગાઉથી જ વીજ પૂરવઠાની ખેંચ વર્તાઈ રહી છે ત્યાં ડેટા સેન્ટર દ્વારા જંગી વીજ વપરાશને કારણે વારંવાર વીજ પૂરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બનવા લાગી છે. આ ઉપરાંત સેન્ટરમાં કુલિંગ પ્રક્રિયા માટે પાણીના ઉપયોગને કારણે લોકોને દૈનિક જરૂરિયાત માટે પાણીની ખેંચ પડવા લાગતા આ દેશોમાં લોકો આંદોલનના મૂડમાં આવી ગયા છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા ભારતમાં વધી રહેલા ડેટા સેન્ટર પર નિયમન આવે તે જરૂરી છે અન્યથા આગળ જતા આ ક્ષેત્રમાં કરાયેલા ઈન્વેસ્ટમેન્ટસ જોખમમાં મુકાતા વાર નહીં લાગે. નેશનલ ડેટા સેન્ટર પોલિસી, ૨૦૨૫ જે હાલમાં વિચારણા હેઠળ છે તેમાં પાણી તથા વીજના મુદ્દાને આવરી લેવામાં આવે તેવો પણ નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે. વિશ્વની કુલ લોકસંખ્યાના ૧૮ ટકા ભારતમાં છે, પરંતુ વિશ્વના કુલ જળસ્રોતોમાંથી માત્ર ચાર ટકા જ ભારત પાસે છે ત્યારે આગળ જતા ડેટા સેન્ટરો ભારતમાં જળ યુદ્ધ માટે જવાબદાર ન બની રહે તેની ખાતરી રાખવાની રહેશે. ભારતમાં હાલમાં ડેટા સેન્ટરો દ્વારા વર્ષ ૧૫૦ અબજ લિટર પાણીનો વપરાશ થાય છે તે આગામી પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધી ૩૫૫ અબજ લિટર પહોંચી જવાનો અંદાજ છે.
ગરમ થતા સર્વર ઈક્વિપમેન્ટને કુલિંગ સિસ્ટમ ઠંડુ પાડે છે. આ માટે એરકન્ડીશનિંગ, ઈવેપોરેટિવ કુલિંગ અથવા ઠંડા પાણીને ઉપયોગમાં લેવામાં આવે છે. ઠંડા પાડવા માટેની સિસ્ટમની પસંદગી ઊર્જા તથા પાણીની ઉપલબ્ધતા પર રહે છે. ઈક્વિપમેન્ટ ખોટકાઈ ન જાય માટે તેને ઠંડા પાડવા જરૂરી છે અન્યથા તેમને સમારવા પાછળ મોટો ખર્ચ લાગી જાય છે. ઊંચા તાપમાનથી સેન્ટરોમાં આગનું જોખમ રહેલું છે, માટે કુલિંગ સિસ્ટમ આવશ્યક છે, એમ એઆઈ ટેકનોલોજીના વિકાસ સાથે સંકળાયેલાઓ જણાવી રહ્યા છે.
ટેક કંપનીઓના પાણી પાછળના ખર્ચમાંથી ૯૫ ટકા ખર્ચ ડેટા સેન્ટરના વપરાશમાં થાય છે. ભારત સહિત વિશ્વભરમાં આજે એઆઈ ટેકનોલોજીના વપરાશમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાણી તથા વીજ સંચાલન વ્યવસ્થા મહત્વની બની રહે છે. માત્ર પાણીજ નહીં એઆઈને કારણે વીજ વપરાશમાં પણ જોરદાર વધારો તોળાઈ રહ્યો છે. અમેરિકા, યુકે તથા કેનેડા દ્વારા વિઝા ધોરણો સખત બનાવવાના પગલાંને કારણે અમેરિકા સ્થિત અસંખ્ય ટેકનોલોજી કંપનીઓ ભારતમાં પોતાના એકમ ઊભા કરવા જંગી ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી રહી છે.
પાણી તથા વીજનો વ્યાપક વપરાશ માગી લેતી એઆઈના ઉપયોગમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે તેમ તેમ આ નવી ટેકનોલોજીના વહેલા લાભો ઉઠાવવામાં એવા જ દેશો સફળ રહી શકશે જ્યાં પાણીની પૂરતી ઉપલબ્ધતા તથા વીજ ઉત્પાદન ખાસ કરીને રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન વ્યાપક અને પૂરતા પ્રમાણમાં થાય છે. ભારત દ્વારા રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસોે ચાલી રહ્યા છે પરંતુ તેના અપેક્ષિત પરિણામો જોવા મળતા નથી.
એઆઈ મોડેલ્સને તાલીમ આપવા ડેટા સેન્ટરો વ્યાપક રીતે પથરાયેલા છે ત્યારે આવા સેન્ટરો માટે આવનારા દિવસોમાં વીજ તથા પાણીના પૂરવઠામાં સાતત્યતા જળવાઈ રહે તે મહત્વનું છે એટલું જ નહીં નવા ઊભા થનારા સેન્ટરો માટે પણ વીજ તથા પાણીની ઉપલબ્ધતા વધારવાનું આવશ્યક બની ગયું છે. વિવિધ સ્રોતો મારફત વીજ ઉત્પન્ન કરવાનું શકય બને છે પરંતુ પાણીના કિસ્સામાં આવો વિકલ્પ નહીં હોવાથી તેની ઉપલબ્ધતા સૌથી વધુ મહત્વની બની રહે છે, ત્યારે આ માટે સરકારની દરમિયાનગીરી જરૂરી બની ગઈ હોવાનું એઆઈ ક્ષેત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે.


