- GSTનું A to Z - હર્ષ કિશોર
- વેપારી દ્વારા વાંધા સાથે વેરાની પુરેપુરી રકમ ભરી દેવાના કારણે ઓડિટ રિપોર્ટ મુજબ તેવી વ્યક્તિને વધુ કોઈ રકમ ભરવાની જવાબદારી ઉપસ્થિત થતી ન હોવા છતાં આવી રીતે ભરેલ વેરા ઉપર વ્યાજ અને દંડના માંગણા ઉપસ્થિત થાય તે માટે કલમ ૭૪ હેઠળ આદેશ કરતી વખતે વાંધા સાથે ભરેલ વેરાની રકમનો આદેશ કરવો પણ ફરજિયાત છે
જીએસટી કર-પ્રણાલીના ૮ વર્ષના અમલ દરમ્યાન અત્યાર સુધીમાં કલમ ૭૩ હેઠળ કુલ ૪૧૮ કોર્ટ કેસ અને કલમ ૭૪ને લગતા કુલ ૨૯૯ કોર્ટ કેસ થયેલ છે. જો કે છેલ્લા બે-ત્રણ મહિનામાં જીએસટી હેઠળની ઓડિટની કાર્યવાહીને સંબંધિત બે મહત્વના ચુકાદા આવેલ છે જેની પ્રાથમિક વિગતો આ પ્રમાણે છે :
૧. કોઈ કંપનીનું IBC-2016 ની જોગવાઈઓ મુજબ વિસર્જન થઈ ગયેલ હોય તો ત્યારબાદ કંપની વિરુદ્ધ જીએસટીની કલમ ૭૩ કે ૭૪ હેઠળ આકારણી કરીને બાકી રકમની વસૂલાતનો આદેશ ન થઈ શકે તેવો ચુકાદો માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૦૨.૦૫.૨૦૨૫ ના રોજ પ્રતીક સુરેન્દ્રનકુમાર શાહ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એસ.સી.એ નંબર 2489 અને 2496 of 2024 ના કેસમાં આપવમાં આવેલ છે.
૨. વેપારી દ્વારા વાંધા સાથે વેરની પુરેપુરી રકમ ભરી દેવાના કારણે ઓડિટ રિપોર્ટ મુજબ તેવી વ્યક્તિને વધુ કોઈ રકમ ભરવાની જવાબદારી ઉપસ્થિત થતી ન હોવા છતાં આવી રીતે ભરેલ વેરા ઉપર વ્યાજ અને દંડના માંગણા ઉપસ્થિત થાય તે માટે કલમ ૭૪ હેઠળ આદેશ કરતી વખતે વાંધા સાથે ભરેલ વેરાની રકમનો આદેશ કરવો પણ ફરજિયાત છે તેવો ચુકાદો નામદાર હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ દ્વારા શ્યામા પાવર ઇન્ડિયા લિમિટેડ વિ. સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ, CWP નંબર ૬૯૯૦ ૨૦૨૫ ના કેસમાં તારીખ ૧૯.૦૬.૨૦૨૫ ના રોજ આવેલ છે.
અધિકારી દ્વારા થતાં આદેશની કલમો : આપણે આવા કોર્ટ કેસોને વિગતવાર સમજવા માટે પહેલાં જીએસટી કાયદાની ઓડિટની કાર્યવાહીની જોગવાઈઓની જાણકારી મેળવી લઈએ મેળવીએ. અધિકારી દ્વારા નીચેની કલમો ધ્યાને લઈને કલમ ૭૩/૭૪/૭૪-એ હેઠળ આદેશ કરવામાં આવે છે.
- કલમ-૫૯-વેપારી તબક્કે થતું સેલ્ફ એસેસમેન્ટ
-કલમ-૬૦-કામચલાઉ આકારણી-જયારે કરદાતાને વેરાના દર કે માલ અથવા સેવાની વેલ્યુ અંગે મૂંઝવણ હોય ત્યારે પોતાની રીતે (provisional) વેરો ભરીને અધિકારીને લેખિત જણાવીને તેમની પાસેથી વેરા/વેલ્યુ અંગે નિર્ણય માંગી શકે છે. અધિકારીએ ૯૦ દિવસની અંદર આદેશ પસાર કરવાનો રહે છે.
-કલમ-૬૧-પત્રક ચકાસણી-વેપારીને ક્ષતિઓની જાણ કર્યા બાદ પણ તેઓ તેમાં સુધારો ન કરે તો અધિકારી કલમ ૬૫/૬૬/૭૩/૭૪/૭૪-ક હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરશે.
-કલમ-૬૨-પત્રક કસુરદારની આકારણી
-કલમ-૬૩-બિન-નોંધાયેલ વ્યક્તિની આકારણી-નોંધણી દાખલો લેવા માટે જવાબદાર હોવા છતાં કોઈ વ્યક્તિ નોંધણી દાખલો ન મેળવે તો અધિકારી બેસ્ટ જજમેન્ટ મુજબ આ કલમ હેઠળ વાર્ષિક પત્રક ફાઈલ કરવાની સમય મર્યાદા બાદ પાંચ વર્ષમાં આકારણી આદેશ કરી શકશે.
-કલમ-૬૪-સમરી (Summary) આકારણી-સામાન્ય રીતે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી દરમ્યાન આવી આકારણી કરવામાં આવે છે.
- કલમ-૬૫-ડીપાર્ટમેન્ટ દ્વારા ઓડિટ-ડેસ્ક ઓડિટ-બેલેન્સ શીટની ચકાસણી-વોક થ્રુ, વગેરે.
- કલમ-૬૬-સ્પેશીયલ ઓડિટ-CA દ્વારા.
સિધ્ધાંત : જીએસટીમાં દરેક નોંધાયેલ વ્યક્તિએ પોતાની કાયદા હેઠળની જવાબદારી સેલ્ફ-એસેસ કરીને નિયમિત પત્રકો/વેરો ભરીને નિભાવવાની હોય છે. નોંધાયેલી વ્યક્તિ દ્વારા તેની જવાબદારી કાયદા અનુસાર નિભાવવામાં (સેલ્ફ-કોમ્પ્લાયંસ) આવી છે કે કેમ તેની ચકાસણી અધિકારીઓ દ્વારા નિયમિત રીતે થતી હોય છે. જયારે અધિકારીને એમ માનવાને કારણ હોય કે કોઈ વ્યક્તિ દ્વારા નિભાવવામાં આવેલ વેરાકિય જવાબદારી કરતાં તેની કાયદેસરની જવાબદારી વધુ છે ત્યારે તે વ્યક્તિ દ્વારા ભરવા પાત્ર વધારાની રકમને કલમ ૭૩, ૭૪ કે ૭૪A હેઠળ આકારણી કરીને વસૂલવાની કાર્યવાહી અધિકારી દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ કોઈ કંપનીનું વિસર્જન થઈ ગયેલ હોય ત્યારબાદ કંપની વિરુદ્ધ કલમ ૭૩ કે ૭૪ હેઠળ આકારણી કરીને બાકી રકમની વસૂલાતનો આદેશ ન થઈ શકે તેવો ચુકાદો નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૦૨.૦૫.૨૦૨૫ ના રોજ પ્રતીક સુરેન્દ્રનકુમાર શાહ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એસ.સી.એ નંબર ૨૪૮૯ અને 2496 of 2024 ના કેસમાં આપેલ છે. આપણે આ ચુકાદાની કેટલીક વિગતો જોઈએ.
નોંધણી દાખલો રદ : કંપનીનો ધંધો બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીના ખરીદ વેચાણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. કંપની જીએસટી કાયદા હેઠળ નોંધાયેલ કંપની હતી. કંપનીએ પોતાનો ધંધો બંધ કરવાનો નિર્ણય કરીને સ્વૈચ્છિક ફડચામાં એટલે કે લિક્વિડેશનમાં ગઈ. સ્વૈચ્છિક ફડચામાં કંપનીને લઈ જવા માટે નેશનલ કંપની લો (NCLT) માં અરજી કરતા પહેલા કંપનીએ કાગળ લખીને અધિકારીને જાણ કરેલ કે કંપની સ્વૈચ્છિક ફડચામાં જઈ રહી છે.
ઓપરેશનલ ક્રેડિટર : આપણે જાણીએ છીએ કે આઈબીસી-૨૦૧૬ ના કાયદા હેઠળ સરકારી લહેણાને ઓપરેશનલ ક્રેડિટરની કેટેગરીમાં મૂકવામાં આવેલ છે. ઓપરેશનલ ક્રેડિટર તરીકે સરકારી લહેણાની બાકી વસુલાત માટે લિક્વિડેટર સમક્ષ દાવો નોંધાવવા માટે ફોર્મ 'સી' માં બાકી લ્હેણાંના ક્લેમ માટેની વિગતો લિક્વિડેશનની પ્રક્રિયા શરુ થયાના દિન ૩૦ માં પૂરી પાડવાની હોય છે. જેમાં અન્ય બાબતો ઉપરાંત ક્લેમની રકમ, જો સિક્યુરિટી ઇન્ટરેસ્ટ હોય તો તેની વિગતો, ગેરંટીને લગતો કેસ હોય તો ગેરંટીની રકમ, ગેરંટરનું નામ અને સરનામું, ક્યારે લ્હેણું ઉપસ્થિત થયુ તેની વિગતો અને ક્લેમ કરનાર ઓપરેટરની એવા બેંક ખાતાની વિગતો આપવાની રહે છે જેમાં કલેમની રકમ તબદિલ કરવાની થાય છે.
લિક્વિડેટરની કામગીરી : કોઈપણ કંપનીને લિક્વિડેટ કરવા માટે લિક્વિડેટર દ્વારા એક ''લિક્વિડેશન એસ્ટેટ'' ઊભું કરવામાં આવે છે અને કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં એક ખાતું ખોલાવવામાં આવે છે (કલમ ૩૬ અને Regulation 41 of IBBI (Liquidation Process) Regulations, 2016 મુજબ). જેમાં કંપનીની અસ્કયામતોના નિકાલ કે વેચાણ બાદ મળતી રકમ જમા કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી રીતે મળેલ નાણા ૯૦ દિવસની અંદર ક્લેમ કરનાર સ્ટોકહોલ્ડર વચ્ચે વહેંચવાના રહે છે પરંતુ તે પહેલા એક 'એસેટ મેમોરેન્ડમ' અને સ્ટેકહોલ્ડરની યાદી એનસીએલટી સમક્ષ રજુ કરવાની થાય છે. આ કેસમાં લિક્વિડેટર દ્વારા અધિકારીને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે કંપનીએ સ્વૈચ્છિક ફડચામાં જવા માટે અરજી કરેલ છે અને તેથી ખાતાનો કંપની સામેનો જે કોઈ દાવો હોય તે રજૂ કરવામાં આવે. કમનસીબે અધિકારી દ્વારા આઈબીસી-૨૦૧૬ ના કાયદાની કલમ ૩(૬) મુજબ claim (દાવા) માટે કોઈ રજૂઆત કરવામાં આવેલ નહીં. ત્યારબાદ ધંધો બંધ થવાના કારણસર જીએસટીનો નોંધણી નંબર રદ કરવા કંપની દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવી. અરજીના અનુસંધાને કંપનીનો નોંધણી નંબર તારીખ ૧૩.૧૧.૨૦૨૦ ની અસરથી રદ પણ કરવામાં આવ્યો હતો.
આદેશ અને હાઇકોર્ટમાં રીટ : તારીખ ૨૩.૯.૨૦૨૨ ના આદેશથી એનસીએલટી દ્વારા કંપનીનું તે તારીખની અસરથી વિસર્જન કરવામાં આવ્યું. તારીખ ૭.૧૦.૨૦૨૨ ના રોજ કંપની રજિસ્ટ્રારને કંપનીનું વિસર્જન થયેલ હોવાની જાણ કરવામાં આવી. બીજી બાજુ મોડા મોડા અધિકારી દ્વારા તારીખ ૨૮.૯.૨૦૨૩ ના રોજ કલમ ૭૩ હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ની આકારણી કરવા નોટીસ બજાવવામાં આવી. કંપનીના હાઇકોર્ટમાં રીટ પિટિશન કરનાર ડિરેક્ટરે તારીખ ૨૮.૧૦.૨૦૨૩ ના રોજ કંપનીને બજાવવામાં આવેલ નોટિસનો લેખિતમાં ઓનલાઇન જવાબ આપ્યો અને તેમા જણાવ્યું કે કંપનીનું વિસર્જન થઈ ગયેલ છે અને તેથી વિસર્જિત થયેલ કંપની સામે કોઈ કાર્યવાહી કરી શકાય નહીં. આથી શરૂ કરવામાં આવેલ કાર્યવાહી પડતી મૂકવી જોઈએ. આમ છતાં અધિકારી દ્વારા તારીખ ૨૮.૧૨.૨૦૨૩ ના રોજ વિસર્જિત કંપની વિરુદ્ધ એવા કારણસર આદેશ પસાર કરવામાં આવ્યો કે તેમના દ્વારા નોટિસના જવાબમાં કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા. નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે પસાર કરવામાં આવેલા આદેશને પડકારવા કંપની તરફથી પ્રથમ અપીલને બદલે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીટ પીટીશન કરવામાં આવી હતી.
કંપનીની રજૂઆત : કંપની તરફે રજૂઆત કરવામાં આવી કે કંપનીને સ્વૈચ્છિક ફડચામાં લઈ જવાની અરજી કરતાં પહેલાં આ અંગેની અધિકારીને લેખિત જાણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ કંપનીનો નોંધણી નંબર પણ રદ કરવામાં આવેલો હતો. આ બધી બાબતો અધિકારીની જાણમાં હોવા છતાં કંપનીને જીએસટીને કલમ ૭૩ હેઠળ નોટીસ બજાવવામાં આવેલ. કંપનીને બજાવવામાં આવેલ નોટિસના જવાબમાં કંપની દ્વારા એનસીએલટીનો આદેશ રજૂ કરવામાં આવ્યો. જે અનુસાર કંપનીનું વિસર્જન થયેલું હતું. પરંતુ અધિકારી દ્વારા કંપની વતી આપવામાં આવેલ જવાબ ધ્યાનમાં લીધા વગર કંપની વિરુદ્ધ કલમ ૭૩ હેઠળ આદેશ પસાર કરવામાં આવેલ. જેમાં કંપની તારીખ ૩૦.૯.૨૦૨૨ થી સ્વૈચ્છિક ફડચામાં ગયેલ છે અને વિસર્જિત થયેલ છે તે નોંધ્યા પછી અધિકારીએ ઠરાવેલ છે કે કંપની તરફે કારણ દર્શક નોટીસના જવાબમાં કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અને તેથી તેની સામે આંગણું ઉભું કરવામાં આવેલ છે. કંપનીએ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી કે વિસર્જન થયેલ કંપની વિરુદ્ધ પસાર કરવામાં આવેલ આદેશ ગેરકાયદેસર છે અને તેથી રદને પાત્ર છે.


